Home ગુજરાત અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ગાંધીનગર ખાતે સામાજિક ક્ષેત્રના વિવિધ એવોર્ડ એનાયત

અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ગાંધીનગર ખાતે સામાજિક ક્ષેત્રના વિવિધ એવોર્ડ એનાયત

21
0

છેવાડાના નાગરીકોને તમામ યોજનાકીય લાભ પહોંચાડવા તે અમારી પ્રાથમિકતા: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

•             સામાજિક ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન આપનાર વ્યક્તિ વિશેષ અને સંસ્થાને વિવિધ છ કેટેગરીમાં એવોર્ડ એનાયત

•             અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના વિવિધ નિગમો હેઠળની જુદી જુદી યોજનાના રૂ.૬૩.૮૮ કરોડના ધિરાણ માટે ઓનલાઈન ડ્રો દ્વારા ૨૫૩૪ લાભાર્થીઓની પંસદગી કરાઈ

(જી.એન.એસ),તા.૧૧

ગાંધીનગર,

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની એવોર્ડ યોજના અંતર્ગત જુદી જુદી છ કેટેગરીમાં સામાજિક ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન આપનાર વ્યકિત વિશેષો અને સંસ્થાને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના વિવિધ નિગમો હેઠળની જુદી જુદી યોજનાના રૂ.૬૩.૮૮ કરોડના ધીરાણ માટે ઓનલાઈન ડ્રો દ્વારા ૨૫૩૪ લાભાર્થીઓની પંસદગી કરાઈ હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિવિધ એવોર્ડ વિતરણ કરતાં મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ત્વરીત અને ઝડપી કામગીરીના કારણે ટુંકા સમયમાં આ એવોર્ડની પસંદગી શક્ય બની છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન આપનાર નાગરીકોને ડો.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ, સંસ્થાને મહાત્મા ગાંધી એવોર્ડ અને અનુ.જાતિઓના સાહિત્યકારોને સાહિત્યક્ષેત્રે એવોર્ડ આપવાની યોજના અમલમાં છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના છેવાડાના નાગરીકોને યોજનાકીય લાભ પહોંચાડવા તે અમારી સરકારની પ્રાથમિકતા છે. આજનો આ કાર્યક્રમ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તમામ યોજનાઓને લાભ નાગરીકો સુધી સંપૂર્ણ પારદર્શીતાથી મળે તે હેતુથી લાભાર્થીઓની પસંગદગી માટેના ડ્રોનું યુ-ટયુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અનુસૂચિત જાતિના નિગમો થકી ૨,૫૩૪ લાભાર્થીઓની પસંદગી કરી લાભ આપવા ઓનલાઈન ડ્રોનું યુ-ટ્યુબ દ્વારા પ્રસારણ કરાવીને કુલ રૂ. ૬૩.૮૮ કરોડના લાભ આપવામાં આવ્યા છે. તેમજ વિશેષમાં ડો.આંબેડકર વિદેશ અભ્યાસ યોજના હેઠળની લોનની ચુકવણી ઓનલાઈન પેમેન્ટ પધ્ધતિથી કરી શકાય તે માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.

અનુસૂચિત જાતિ સમાજમાં શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે અન્ય સમાજની હરોળમાં લાવવા યોગદાન આપનાર વ્યક્તિઓએ આપેલ વિશિષ્ઠ પ્રદાન બદલ જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઇ ફુલે મહિલા કલા/સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ એમ કુલ છ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરના ૧,૫૬૭ લાભાર્થીઓને રૂ.૪૦.૧૭ કરોડ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગરના ૮૪૭ લાભાર્થીઓને રૂ.૧૮.૭૧ કરોડ અને ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ૧૨૦ લાભાર્થીઓને રૂ.૫.૦૦ કરોડ એમ ત્રણેય નિગમો હેઠળની જુદી જુદી યોજનાઓ અંતર્ગત કુલ ૨,૫૩૪ લાભાર્થીઓને ડ્રો દ્રારા લાઇવ પસંદગી કરી રૂ.૬૩.૮૮ કરોડના લાભ આપવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડિયા અને કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ પ્રાસંગીક ઉદબોધ કર્યું હતું. આ ઉપરાંત સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકી, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી પરસોત્તમભાઇ પરમાર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી રીટાબેન પટેલ, શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપી રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ૧૫૭૫ કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટ્સની ભેટ
Next article‘સિટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો