Home જનક પુરોહિત અત્યારે મેઘ મહેર થી ખેડૂતો ખુશ છે , સરકાર થી ખુશ થાય...

અત્યારે મેઘ મહેર થી ખેડૂતો ખુશ છે , સરકાર થી ખુશ થાય ત્યારે ખરૂં !

527
0

આ વર્ષે કુદરતની મહેરબાનીથી જુલાઈ ના પ્રારંભ માં જ સાર્વત્રિક સારો વરસાદ થયો છે. ખાનપુર ભાજપ કાર્યાલય સામે ગરમ , લીંબુ મસાલા સાથેની મકાઈનો આનંદ લઇ રહેલા કાર્યકરોએ વરસાદની ચર્ચા શરુ કરી. એક કાર્યકરે કહ્યું “ આપણને ચૂટણીમાં ખેડૂતોની નારાજગી નો દર હતો હવે સારો વરસાદ થયો છે. આ મેઘમહેર થી ખેડૂતો ખુશખુશાલ છે. બસ , આજ રીતે હવે ત્રણ તબક્કે જો સારો વરસાદ થયો તો ૧૫૦+ બેઠકો પાક્કી. ”
અન્ય કાર્યકરે કહ્યું “ ભઈલા હજુ આ પેલ્લો વાવણી લાયક સારો વરસાદ થયો છે, હા, ખેડૂતો મેઘમહેર થી ખુશ છે તેની નાં નહિ , પરંતુ ખેડૂતો આપણી સરકાર થી ખુશ થાય ત્યારે ખરૂં કેવાય. ખેડૂતોને પાણી ની ફરિયાદ નથી. તેમને તકલીફ સરકારની નીતિઓ સામે છે. નવી પાક વીમા યોજના , જમીનોના નવા સર્વેય માં ગોટાળા , પાક તૈયાર થયાં પછી પૂરતા ભાવ ના મળવા , નાના અમથા કામ માં કર્મચારી – અધિકારી ની કનડગત , આ બધી ફરિયાદો સારા વરસાદ થી ઉકેલાઈ જવાની નથી. ”
એક સીનીયર કાર્યકરે કહ્યું “ અલ્યા , આપણે મતની ખેતી કરવાની છે. આપણા અમિતભાઈ શાહ આધુનિક પધ્ધતિથી મતની ખેતીમાં મબલક પાક કેમ લેવો તે સારી રીતે જાણે છે. આપણે ચોમાસાની મજા માણો ખેડૂતોની સરકાર સામે ની ફરિયાદો ગાવા લાગશો તો તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાશે. પક્ષની વાત આવે ત્યારે જરૂર પુરતું જ બોલવાનું રાખો. ”
અન્ય કાર્યકરો ઈશારો સમજી ગયા વરસાદને બાજુ પર મૂકી ચોમાસાના વિવિધ નાસ્તાની વાતે વળગી ગયા. ખાવાની વાત ભાજપના કાર્યકરો બોવ ઉત્સાહથી કરી શકે છે.
પાકિસ્તાન સામે કર્યા તેવાં હાકલા – પડકારા ચીન સામે ચાલશે?
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે એક મંત્રીને મળવા પત્રકારો તેમના પી.એ ની ઓફિસ માં બેઠા હતા. મંત્રી શ્રી મિટિંગ માં વ્યસ્ત હોવાથી મિટિંગ પૂરી થાય તેની પ્રતીક્ષા થઇ રહી હતી. મંત્રીના પી.એ દ્વારા જ ચીન ની નફ્ફટાઈ અંગે વાત શરુ કરવામાં આવી. “ એકતો ભારતમાં ઘુષણખોરી કરવાની અને ભારતને જ ધમકાવવાનું , આવી આડોડાઈ કરતાં ચીનને હવે તેની ભાષામાં જ જવાબ આપવાનો સમય આવી ગયો છે. ”
એક પત્રકાર મિત્રે કહ્યું “ આપણા વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચીન સામે સરકારની કેવી નીતિ હોવી જોઈએ તે અંગે યુ.પી.એ સરકારને ઘણીબધી વણમાગી સલાહ આપી હતી. મતલબ આપણા નરેન્દ્રભાઈ જાણે જ છે કે ચીન સામે શું કરવું જોઈએ. પાકિસ્તાન સામે તો આપણા કોઈ પણ નેતા હાકલા – પડકારા કરી શકે છે પરંતુ કાર્યકારી સંરક્ષણ મંત્રી અરુણ જેટલી એ માત્ર એટલું કહ્યું કે હવે આ ભારત દેશ ૧૯૬૨ નો દેશ નથી રહ્યો. આ એક વાક્યમાં તો ચીન શાબ્દિક અને સરહદ પરના હુમલાઓ તેજ કરી દીધાં.
તો અન્ય પત્રકારે કહ્યું “ ચીન સામે શું કરવું જોઈએ એવું કહ્યા પછી આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઇ ગયા. ચીનના રાષ્ટ્ર પ્રમુખ ગુજરાત માં પણ આવી ગયા. સાબરમતી રીવર ફ્રન્ટ પર આપણા નરેન્દ્રભાઈ સાથે ઝુલે બેસીને હીચકા પણ ખાઈ ગયા છે. જેથી કદાચ યુ.પી.એ સરકારને આપેલી સલાહમાં પરિવર્તન લાવવું પડ્યું હશે. ”
મંત્રી શ્રી ને મળવા આવેલા એક જીલ્લા ભાજપના આગેવાને રાષ્ટ્રવાદ નો રાગ આલાપ્યો “ આપણી પ્રજામાં રાષ્ટ્રવાદનો અભાવ છે. જો આપણા દેશની પ્રજા નક્કી કરે કે કોઈ પણ મેડ ઇન ચાઈના ની વસ્તુ ખરીદીશ નહિ , તો ચીન કસ્સુ કર્યા વિના સીધું થઇ જાય તેમ છે. પણ આપણી પ્રજામાં આવું જનુન નથી. ”
એક પત્રકારે ભાજપી મિત્ર ને કહ્યું “ મુરબ્બી , તો પછી કેવડીયા કોલોની ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુકવાનું છે તે માંડી વાળવું પડે. કારણકે તમારી જ સરકારે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવાનો કોન્ટ્રાક્ટ ચીનને આપ્યો છે. પ્રથમ તો તમે ભાજપ સરકાર માં જ રજૂઆત કરો અને રાષ્ટ્રવાદ નું જનુન તાજું કરાવો. ”
મંત્રી શ્રી ના પી.એ મુંજવણ માં મુકાયા તેમની જ ઓફીસમાં પત્રકારો તેમાંની સરકાર વિરુધ ચર્ચા છેડી રહ્યા હતા. તેમણે પટ્ટાવાળા ને તાકીદે ચા લાવાનું કહી વાત ને બીજે વાળી દીધી .
અશોક ગેહલોત જાણે કાર્યકારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હોય તેવું લાગે છે
રાજીવ ગાંધી ભવન એટલે કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સાંજે નિયમિત આવતા હોય છે કોઈ નેતા ના મળે એટલે પ્રવક્તા સાથે મિડિયા રૂમ માં ગપસપ કરી સમાચારો મેળવી લેતા હોય છે. બે દિવસ પહેલાં આવી એક ગપસપ ચાલતી હતી પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે શું પ્રદેશ પ્રમુખ બદલવાનો નિર્ણય લેવાશે ? પ્રવક્તાએ ઇનકાર કરતાં કહ્યું “ બિલકુલ નહિ . આ બધી મિડિયા એ ઉભી કરેલી હવા છે. ”
ખૂણા માં બેઠેલા એક કાર્યકરે કહ્યું “ અમારા નવા પ્રભારી અશોક ગેહલોત સાહેબ ગુજરાતમાં રોકાયા છે , જે કઈ ખામી હશે તેનો ઉકેલ આવી જશે. ”
કાર્યકરની આ કોમેન્ટ પછી દોઢ ડાહ્યા થી રેહવાયું નહિ અને સ્પષ્ટતા કરી દીધી “ આમાં એવું છે ને નવા પ્રભારી ગુજરાતમાં આવ્યા , તેમણે જોયું – સાંભળ્યું , પછી ખબર પડી કે ગુજરાત કોંગ્રેસમાં રીપેરીંગ તો બહુ મોટું છે ( એક પત્રકારે સુધારો કર્યો – ખર્ચો મોટો છે ) એટલે ભૂતકાળ ના પ્રભારીઓ ની માફક ગુજરાતની પુરતી મુલાકાત લેવાના બદલે ગુજરાતમાં જ રોકાઈ ગયા છે. સાચું કહું , હવે તો એવું લાગે છે કે અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે. અમદાવાદ માં કે ગુજરાત માં જ્યાં પણ પ્રદેશ પ્રમુખે જવું અનિવાર્ય હોય તેવાં તમામ સ્થળ – પ્રસંગ માં અશોક ગેહલોત હાજરી આપે છે. જેમને બોલાવીને પ્રદેશ પ્રમુખે સાંભળવા જોઈએ કે માર્ગદર્શન આપવું જોઈએ તેવું તમામ કાર્ય અશોક ગેહલોત કરી રહ્યા છે. એટલે એવું લાગે છે કે ગેહલોત પ્રભારી કમ પ્રમુખ છે. ”
પ્રવક્તા એ કાર્યકર ને ટપાર્યો “ તારે બોલવાની ક્યાં જરૂર હતી જો આ સાંભળવું પડ્યું ને ! ”
પહેલાં બે હજાર ની અને હવે બસ્સો ની નોટ – આ ‘ ૨ ’ ના અંકમાં કશું છુપાયેલું લાગે છે
પ્રગતિનગર ગાર્ડનમાં સવારમાં બાકડા પરિષદમાં એક સમાચારે સૌનું ધ્યાન ખેચ્યું. સમાચાર હતા કે હવે બહુ જલ્દી લોકોના હાથમાં રૂ. ૨૦૦ ની નોટ ફરતી થઇ જશે. સમાચાર સાથે નોટનો સરસ મજાનો ફોટો પણ હતો .
વેપારી મિત્ર એ આ સમાચાર અંગે કોમેન્ટ કરતાં કહ્યું “ આ નાણા મંત્રી અરુણ જેટલી ને બે નો અંક ફળતો લાગે છે તેમનો જન્મ અંક પણ બે હોવો જોઈએ. આપણા દેશમાં કદિકોઇયે વિચાર્યું નહિ હોય એવું ચલણ ફરતું કરે છે. ૧૦૦૦ , ૫૦૦૦ કે ૧૦૦૦૦ ની નોટ તો સમજ્યા પણ જેટલી એ તો આપણને ૨૦૦૦ ની નોટ આપી અને હવે ૨૦૦ ની નોટ આપશે. તેઓ નંબર ટુ મંત્રી છે એટલે પણ તેમને બે ના અંક માં વધુ ફાવટ આવી છે. ”
તો માસ્તર સાહેબે નવો તર્ક રજુ કર્યો “ દેશમાં એક નંબર થી વિષેશ બે નંબરનું જ મહત્વ છે. અત્યારે માણસ પાસે એક નંબર ના કેટલા રૂપિયા છે તે મહત્વ નું નથી બે નંબરના કેટલા રૂપિયા છે તે મહત્વ નું છે અને લોકોને મોજશોખ – આનંદપ્રમોદ બે નંબરની આવકથી જ મળે છે. નોકરીની પસંદગી માં પણ પગાર કરતાં બે નંબરની આવક ના સોર્સ ને વધુ પ્રાધાન્ય અપાય છે અને રાજકારણ માં તો બધીજ જાહોજલાલી બે નંબરના કારણે જ હોય છે. નાણા મંત્રી ને આ બે નંબરની પૂરી જાણકારી હોયજ માટે તેઓ બે ના અંક ને વળગી રહ્યા છે. ”
નિવૃત અધિકારીએ આ તર્કની મજાતો લીધીજ પણ નાણા મંત્રીને સુચન પણ કર્યું કે સરકારે રૂ. ૧૫૦ કે રૂ. ૨૫૦ જેવી નોટો પણ બાર પાડવી જોઈએ જેથી વ્યવહારમાં વધુ સરળતા રહે.
વિષયાંતર કરતાં નટુ કાકાએ કહ્યું “ આ જી.એસ.ટી પછી અત્યારે તો વ્યવહારો જ ઠપ થઇ ગયા છે. હોલસેલર રીટેલર ને માલ જ નથી આપતાં થોડા દિવસ માં દુકાનો માં ચીજ વસ્તુઓ ની અચત સર્જાય તો નવાઈ નહિ. આવી સ્થિતિમાં નોટો કઈ કામમાં આવાની નથી. ”
માસ્તર સાહેબે પૂછ્યું “ કેમ હડતાલ ચાલે છે ? ” તો જવાબ મળ્યો “ નારે હડતાલ બડતાલ તો કઈ નથી પણ હજુ વેપારીઓ બિલ કેવીરીતે બનાવા તેમાં ગોથા ખાય છે. કોણે કેટલો ટેક્સ ભરવો અને કોણે ક્યાંથી કેટલો ટેક્સ વસૂલવો એજ હજુ સમજાતું નથી. ”
માસ્તર એ નિઃસાસો નાખતાં કહ્યું “ હશે ભાઈ , સરકાર જીવાડે એમ જીવતા સીખી જાઓ બીજું શું ! ”

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGST વિરુદ્ધ વેપારીઓમાં આક્રોષ, બંધને કારણે કરોડોનો વેપાર ઠપ
Next article‘હું કડક શબ્દોમાં નિંદા કરું છું’ આ વાક્યનો પર્યાય હોય તો કહોને !