Home દેશ અતિ ઉત્સાહી સ્મૃતિ ઇરાની પત્રકારોના કાર્ડ રદ્દ કરવાની હાસ્યાસ્પદ ધમકી આખરે રદ...

અતિ ઉત્સાહી સ્મૃતિ ઇરાની પત્રકારોના કાર્ડ રદ્દ કરવાની હાસ્યાસ્પદ ધમકી આખરે રદ કરવી પડી…..

887
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.3

ફેક ન્યુઝ બાબતે માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાણીએ અતિ ઉત્સાહમાં આવીને પત્રકારોના એક્રેડિટેશન કાર્ડ રદ્દ કરવાની આપેલી ધમકીના ઘેરા પ્રત્યાઘાત છેક પીએમઓ સુધી પડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક તેમાં દરમ્યાનગીરી કરીને આ જોગવાઈ પડતી મુકવા મંત્રાલયને તાકીદ કરી હતી.બીજી તરફ દેશભરમાં પત્રકાર આલમમાં રોષ ફાટી નીકળ્યો હતો.અને વાત છેક પીએમઓ સુધી પહોંચી અને તેમને તરત જ મંત્રીને આદેશ આપ્યો જેના પગલે ફેક ન્યુસનો મામલો હાલ તો રદ્દ થયો છે.અને પત્રકાર સંગઠનો આવી કોઈપણ હિલચાલને ચલાવી નહિ લે તેવો આકારો સંદેશો પણ મંત્રાલયને આપ્યો છે. જોગવાઈ પાછી ખેંચાતા પત્રકારો માં ઉત્સાહની લાગણી સર્જાઈ હતી.
સોમવારે કેન્દ્ર સરકારે ફેક ન્યુઝ એટલે કે બનાવટી અને ઉપજાવી કાઢેલા સમાચારોની બાબતએ એવી માર્ગદર્શિકા બહાર પાડીને ચેતવણી આપી છે કે જો કોઈ માન્યતાપ્રાપ્ત પત્રકાર ઉપજાવી કાઢેલા સમાચારોની સાથે જોડાયેલા હશે, આ પત્રકારે સમાચાર બનાવટી તૈયાર કર્યા હોય કે તેનો ફેલાવો કર્યો હોય તો કેટલીક ચેતવણી બાદ આખરે તેનું એક્રેડિટેશન કાર્ડ રદ્દ કરી દેવામાં આવશે. આ સમાચારના પગલે સમગ્ર દેશના પત્રકારઆલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે કેમ કે સરકારે માન્યતાપ્રાપ્ત પત્રકારોને એક યા બીજી રીતે સકંજામાં લેવાનું પગલું તો ભર્યું છે પરંતુ જે રાજકીય પક્ષોના આઈટી સેલ દ્વારા અથવા રાજકીયપક્ષોના ઈશારે જે એજન્સીઓ ફેક ન્યુઝ બનાવે છે અને સોશ્યલ મીડિયામાં ફેલાવો કરે છે તેને રોકવા માટે કોઈ જાહેરાત કે માર્ગદર્શિકા બનાવી નથી. વાસ્તવમાં ફેક ન્યુઝની ફેક્ટરી રાજકીય પક્ષોના કેટલાક આઈટી સેલ અને કેટલીક એજન્સીઓ જ છે.
એક નેશનલ એજન્સી દ્વારા સરકારને ટાંકીને એમ કહેવામાં આવ્યું છે કે ફેક ન્યુઝ મામલે કસૂરવાર પત્રકારનું એક્રેડિટેશન કાર્ડ કાયમ માટે રદ્દ થઈ શકે છે. આ માર્ગદર્શિકા અનુસાર કોઈ પ્રિન્ટ માધ્યમ કે ટીવી ચેનલ બનાવટી સમાચાર બનાવશે ફેલાવશે એવું સાબિત થશે ત્યારે પ્રથમ ભૂલ તરીકે છ મહિના સુધી જે તે પત્રકારનું માન્યતાપ્રાપ્ત કાર્ડ રદ્દ થશે અને જો બીજી વાર એવી ભૂલ કરશે તો એક વર્ષ માટે અને જો ત્રીજી વાર જે તે પત્રકાર ફેક ન્યુઝ મામલે દોષિત ઠરશે તો કાયમ માટે તેનું કાર્ડ રદ્દ થઈ જશે. સરકારે એમ પણ કહ્યું છે કે ફેક ન્યુઝની ફરિયાદનો કેસ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને જો ટીવી ચેનલનો પત્રકાર સંકળાયેલો હોય તો ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનને મોકલવામાં આવશે. આ સંસ્થાઓ એ બાબતનો નિર્ણય કરશે કે જે તે સમાચાર બનાવટી કે ઉપજાવી કાઢેલા છે કે કેમ. આ સંસ્થાઓએ 15 દિવસમાં તેનો નિર્ણય કરવો પડશે અને જો તેમાં તથ્ય જણાશે એટલે કે ખરેખર તે ફેક ન્યુઝ છે તો જે તે માન્યતાપ્રાપ્ત પત્રકારની સામે પગલાં ભરવામાં આવશે અને કાયમ માટે તેનું કાર્ડ રદ્દ થશે.
બીજી તરફ રાજકીય વર્તુળો કહે છે કે બનાવટી સમાચારો ખરેખર તો માન્યતાપ્રાપ્ત પત્રકારો નહીં પરંતુ કેટલાક રાજકીયપક્ષોના આઈટી સેલ અથવા રાજકીય પક્ષોના ઈશારે કેટલીક એજન્સીઓ તૈયાર કરીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરે છે. તેનો ફેલાવો કરે છે. એવા ઘણાં ફેક ન્યુઝ જોવા મળે છે કે જે ખરેખર કોઈ રાજકીય પક્ષના આઈટી સેલની ઉપજ હોય. સરકાર માન્યતાપ્રાપ્ત પત્રકારોને ફેક ન્યુઝના બહાને સકંજામાં અને તેમને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. એક માન્યતાપ્રાપ્ત પત્રકાર પોતાની જવાબદારી ખૂબ સારી રીતે સમજે છે. માન્યતાપ્રાપ્ત કાર્ડ એટલે કે એક્રેડિટેશન કાર્ડનું શું મહત્વ છે એ પણ પત્રકારો જાણે છે. આજે જ્યારે દેશમાં અડધોઅડધ માધ્યમો ઉદ્યોગપતિઓના હાથમાં છે અને પ્રિન્ટ માધ્યમમાં જે કેટલાક પત્રકારો સરકારને તાબે થતાં નથી અને ચોથી જાગીરની સકારાત્મક ભૂમિકા નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યાં છે ત્યારે તેમના મોઢાં બંધ કરવા માટે ફેક ન્યુઝના મામલે તેમને લપેટમાં લેવા માટેનો આ કારસો હોવાનું પત્રકારો માની રહ્યાં છે. ખરેખર તો રાજકીય પક્ષોના આઈટી સેલ ઉપર પણ નિયંત્રણો હોવા જોઇએ અને આઈટી સેલ દ્વારા જે સમાચારો કે માહિતીનો ફેલાવો થતો હોય તેની ચોક્કસ વિગતો સરકારને કે તટસ્થ એજન્સીને આપવામાં આવે તો જ માલૂમ પડશે કે ખરેખર ફેક ન્યુઝની ફેક્ટરી કોણ ક્યાં અને કેવી રીતે ચલાવે છે.

Previous articleજર્નાલીસ્ટ વેલ્ફેર સ્કીમ, પત્રકારોને ૫ લાખ સુધીની આર્થિક સહાય આપશે કેન્દ્ર સરકાર
Next articleભાજપ સરકારો પ્રથમ કોંગ્રેસને તક પૂરી પાડે , ને પછી રાજકારણ કરવાનો આક્ષેપ કરે