(જી.એન.એસ),તા.૨૬
જાહેર માર્ગો પર અક્સ્માત સમયે સત્વરે દોડી જતી ૧૦૮ એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવાર વેળાએ તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવે છે.
પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા ગાંધીનગર નાં એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા ૧૦૮ ટીમના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બપોરે ૧ કલાક અને ૧૨ મિનિટે ૩૫ વર્ષીય રાકેશકુમાર શનાભાઈ બિશનોઈ પોતાનો ટેમ્પો લઈને અમદાવાદ થી ગાંધીનગર તરફ જવા નીકળ્યા હતા ત્યારે અડાલજ મહારાજા હોટેલ સામે પિકઅપ સાથે અકસ્માત સર્જાયો હતો. ૧૦૮ની ટીમને જાણ થતાં જ ઈ.એમ.ટી. મુકેશ સુતરીયા અને પાયલોટ ભરતભાઈ રાવળ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત દર્દીને માથામાં અને પગ પર ઈજા પહોંચી હતી. સત્વરે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી. વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તની ઓળખ માટે તપાસ કરતાં તેમનાં ખિસ્સામાંથી અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ ૨૫,૦૦૦/- મળી અંદાજિત રૂ. ૫૨,૦૦૦/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જે ઈજાગ્રસ્તના ભાઈ જયેશભાઈ સી. ઠાકોર નો સંપર્ક કરી અડાલજ ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી. મુકેશ સુતરીયા અને પાયલોટ ભરતભાઈ રાવળ એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ૧૦૮ ની ટીમના પ્રમાણિકતા અને સજાગતા બદલ ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.