શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ
*-*-*-*
પદયાત્રી સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશેઃ સેવા સંઘ માટે ૪ વાહન પાસ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે
*-*-*-*
(જી.એન.એસ),તા.૨૦
અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે, દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભાદરવી પૂનમ સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત પદયાત્રી સેવા સંઘોની નોંધણી, મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પણ ઓનલાઇન આપવામાં આવશે. મેળામાં આવનાર સંઘના સીધા સામાન માટે માત્ર ૧ જ વાહનને અંબાજીમાં પ્રવેશ માટે પાસ અપાશે. અને પદયાત્રી સેવા સંઘ માટે ૪ વાહન પાસ પણ ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિરની આ વેબસાઇટ પર https://ambajibhadarviregistration.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠા નોંધણી, મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો લાભ મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનાથી અંબાજી પગપાળા આવતા સંઘોને સહુલિયત મળશે.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સિધ્ધિ વર્મા, નાયબ પોલીસ અધિક્ષ ડૉ.જીજ્ઞેશ ગામીત, અંબાજી પોલીસ ઇન્સપેક્ટર ધવલ પટેલ સહિત કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને ભાદરવી પૂનમ સેવા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
*-*-*-*
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.