Home ગુજરાત હાઇકોર્ટમાં રૂપાણીના ‘વટાણાં વેરાયા’…., રૂપાણીની ‘ટોપી’ હેલ્મેટ બની ગઇ….!!!

હાઇકોર્ટમાં રૂપાણીના ‘વટાણાં વેરાયા’…., રૂપાણીની ‘ટોપી’ હેલ્મેટ બની ગઇ….!!!

466
0
SHARE

(જી.એન.એસ.)ગાંધીનગર.તા.૩૦
ગુજરાતમાં મોટા શહેરો અને અન્યત્ર દ્વિચક્રી વાહન ચલાવતી વખતે માથાની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટના કેન્દ્ર સરકારના નિયમમાં લેખિત નહીં પણ માત્ર મૌખિક જાહેરાત કરનાર રૂપાણી સરકારની હાલત “બકરૂ કાઢતા ઉંટ પેઠુ” જેવી થવાની સાથે લોકોને પણ હવે વધુ એક હેલ્મેટનો ખર્ચ કરવો પડશે. કેમ કે રૂપાણી સરકારે ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં હોવાનું સોગંદનામુ કરીને અને દ્વિચક્રી વાહન પર ચાલકની પાછળ બેસનારે પણ હવે ફરજિયાત હેલમેટ પહેરવાના નિયમનો પણ અમલ કરવાની ખાતરી આપી હોવાથી દરેક વાહનચાલકે પાછળ બેસનાર માટે પણ વધુ હેલમેટની જોગવાઇ કરવી પડે તેમ છે. ટ્રાફિક પોલીસની હેરાનગતિ ફરીથી શરૂ થવાના અનુમાનો પણ થઇ રહ્યાં છે.
ભાજપે બીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવ્યાં બાદ સરકારે પીયુસી-હેલમેટ સહિત વાહન સંબંધિત અન્ય ગુનાઓમાં દંડની રકમમાં કમ્મરતોડ વધારો કર્યો હતો. ગુજરાતમાં પણ તેનો કડક અમલ થતાં લોકો ત્રાહિમામ પોકારી જતાં રૂપાણી સરકારે રાજ્યમાં હેલ્મેટ પહેરમાંથી મુક્તિ આપતી જાહેરાત કરી હતી. પરિવહન મંત્રી આર.સી. ફળદુએ ગત ચાર ડિસેમ્બરે મોટા ઉપાડે મિડિયા સમક્ષ જાહેર કર્યું હતુ કે સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું હવે મરજિયાત છે. હાઇવે પર ફરજિયાત હેલમેટ પહેરવી પડશે. લોકોને તેનાથી અને ખાસ કરીને ટ્રાફિક પોલીસની હોરાનગતિમાંથી માંડ છૂટકારો મળ્યો હતો. પરંતુ રૂપાણી સરકારની આ જાહેરાતને હાઇકોર્ટમાં પડકારતાં રૂપાણી સરકારની બંધ મુઠ્ઠી ખુલી ગઇ હતી અને સરકારે માત્ર મિડિયામાં જાહેરાત કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. કેમ કે હાઇકોર્ટમાં સોગંદનામુ કરીને સરકારને કહેવું પડ્યું કે સરકારે હેલમેટ મરજિયાત કરી જ નથી. અને હવે વાહન ચલાવનારની સાથે તેની પાછળ બેસનારે પણ ફરજિયાત હેલમેટ પહેરવી પડશે….!
રાજ્ય સરકારની આ જાહેરાતને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ કરી છે જેના પગલે આજથી રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે. સરકારે હેલ્મેટ મુદ્દે યૂ-ટર્ન લીધો હતો અને કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ હતું કે સરકારે હેલ્મેટ પહેરવાનો મરજિયાત કાયદો બહાર પાડ્યો નથી કે તેના વિશે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નથી….! ઉલ્ટાનું સરકારે એવું કહ્યું કે રાજ્યમાં પિલિયન રાઇડરને એટલે કે પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે….!
રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે સુરતના બિઝનેસમેન સજીવ ઇઝાવાએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટની કલમ 129 જોગવાઇ મુજબ દરેક રાજ્યમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. કેન્દ્ર સરકારના ફરજિયાત હેલ્મેટના કાયદામાં ગુજરાત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લીધા વગર સુધારો કરી દીધો છે તે ગેરબંધારણીય નિર્ણય છે. જે મામલે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. હેલમેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં.
અગાઉ દેશની સર્વોચ્ચ અદાલતા દ્વારા નિમાયેલી રોડ સેફ્ટિ કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્ય સચિવને પત્ર પાઠવીને નોટિસ ફટકારવામાં આવી હતી અને રાજ્યમાં હેલ્મેટ પહેરવાના કાયદામાંથી મુક્તિ શા માટે આપવામાં આવી છે તેના વિશે ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ પત્ર બાદ મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે ‘રાજ્યમાં હેલ્મેટ પહેરવામાંથી રાહત આપવામાં આવી છે અને હેલ્મેટ પહેરવાની માનસિકતા રાખવી પડશે’
આ અગાઉ પત્રકારોને સંબોધતા રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે ‘હેલ્મેટ પહેરવું એ સૌના માટે હિતાવહ છે અને રાજ્યના નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિકતા રાખવી પડશે. સરકારે લોક લાગણીને માન આપીને રાહત આપી છે પરંતુ હેલ્મેટ પહેરવું જ જોઈએ.’
દરમ્યાન રાજકિય સૂત્રોએ કહ્યું કે, પીયુસી-હેલમેટ સહિતના ગુનાઓમાં દંડની રકમમાં અસહ્ય વધારો કરાયા બાદ અમદાવાદ-રાજકોટ-સુરત સહિતના શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક અમલના પગલે લોકો ત્રાસી ગયા હતા અને સરકારે લોકોનો રોષ શાંત પાડવા માટે મોખિક જાહેરાત કર્યો કે હેલમેટ ફરજિયાત નહીં પણ મરજિયાત છે. પરંતુ હાઇકોર્ટમાં સરકારની આ પોલ અને ટૂંકા ગાળા માટે લોકોનો રોષ શાંત પાડવાની પોલ ખુલી પડી ગઇ છે. સરકારે મંત્રી દ્વારા મિડિયા મારફતે જાહેરાત કરી પરંતુ સરકારી દફતરમાં કાયદામાં કે નિયમોમાં કોઇ સુધારો જ ના કર્યો અને મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે લોકરંજક પગલાની પોલ ખુલી ગઇ હતી. હવે ફરીથી લોકોએ હેરાન થવું પડશે. અથવા સરકાર ખરેખર લોકોને રાહત આપવા માંગતી હોય તો મૌખિક નહીં પણ લેખિતમાં સુધારો કરે જેથી કોઇ તેને કોર્ટમાં પડકારે તો સરકારનો બચાવ રહે.
સૂત્રોએ કહ્યું કે અમદાવાદ મનપા સહિત અન્ય મોટા શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે ત્યારે ફરજિયાત બબ્બે હેલમેટનો કાયદો ભાજપ સરકાર માટે માથાનો દુખાવો બની શકે તેમ છે.

Print Friendly, PDF & Email