Home દેશ દિલ્લી સુપ્રીમ કોર્ટે મોદી સરકારને નોટબંધી પરના નિર્ણયને લઇ રાહત આપી

સુપ્રીમ કોર્ટે મોદી સરકારને નોટબંધી પરના નિર્ણયને લઇ રાહત આપી

50
0

નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી : સુપ્રીમ કોર્ટ

નોટબંધી પર સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો ચુકાદો સંભળાવતા કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારની નોટબંધીને પડકારતી 58 જેટલી અરજીઓ પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી તે અધિસૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો.

સુપ્રીમ કોર્ટે 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. જસ્ટિસ બીવી નાગરત્ને કહ્યું કે હું સાથી ન્યાયાધીશો સાથે સહમત છું પરંતુ મારી દલીલો અલગ છે. મેં તમામ 6 પ્રશ્નોના જુદા જુદા જવાબો આપ્યા છે. મેં આરબીઆઈના મહત્વ અને તેના કાયદા અને દેશની આર્થિક નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક ભારતીય અર્થતંત્રની દિવાલ છે. મેં સમગ્ર વિશ્વમાં આ પ્રકારની નોટબંધીની કવાયતનો ઈતિહાસ ટાંક્યો છે.

તેમણે કહ્યું કે આપણે આર્થિક કે નાણાકીય નિર્ણયોના ગુણ-દોષ શોધવાની જરૂર નથી. અત્રે જણાવવાનું કે 8 નવેમ્બરનો દિવસ દેશના અર્થતંત્રના ઈતિહાસમાં એક ખાસ દિવસ તરીકે નોંધાયેલો છે. વર્ષ 2016માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ આજે 8 નવેમ્બર, 2016ના રોજ થયેલી નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો.

આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ 7 ડિસેમ્બરે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંકને 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. નોટબંધીની આ જાહેરાત તે જ દિવસે મધ્યરાત્રિથી અમલમાં આવી હતી. આ જાહેરાતના થોડા સમય બાદ દેશમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. બેંકોની બહાર લાંબી કતારો જોવા મળી હતી.

1500ની નોટો ખર્ચવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યા સુધી લોકો સુવર્ણકારની દુકાન પર હતા. બેંકોની બહાર કતારમાં ઉભા રહીને નોટો બદલવા માટે સામાન્ય લોકોને અઠવાડિયા સુધી હાલાકી ભોગવવી પડી હતી. બાદમાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કાળા નાણા અને નકલી ચલણની સમસ્યાને ખતમ કરવા માટે તેણે આ પગલું ભર્યું છે. દેશમાં અગાઉ, 16 જાન્યુઆરી, 1978ના રોજ, જનતા પાર્ટીની ગઠબંધન સરકારે પણ આ જ કારણોસર 1000, 5000 અને 10,000 રૂપિયાની નોટોને બંધ કરી દીધી હતી.

અરજીકર્તાઓએ કોર્ટને નિયમો ઘડવાની પણ માંગ કરી હતી. જેથી આવા નિર્ણયોનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઈ શકે. આ અગાઉ બેન્ચે કેન્દ્રના 2016ના નિર્ણયને પડકારતી અરજીઓ પર ગત સુનાવણી દરમિયાન પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ અચાનક રાત્રે 8 વાગ્યે નોટબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. ઘણા દિવસો સુધી લોકો સવારથી રાત સુધી એટીએમ અને બેંકોની લાઈનમાં ઉભા રહ્યા હતા. નોટબંધીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

GNS NEWS

Previous articleકડીના રાજપુર ગામે દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતો શખ્સ ઝડપાયો
Next articleજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શંકાસ્પદ આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબારી કરી