Home ગુજરાત સમાચાર માધ્યમો માટે સાધુ – સંતો સમાચારનું કારખાનું બની રહ્યા છે

સમાચાર માધ્યમો માટે સાધુ – સંતો સમાચારનું કારખાનું બની રહ્યા છે

337
0
SHARE

અત્યારે સમાચારોમાં ખાસ કરીને ન્યુઝ ચેનલો ઉપર અરધોઅરધ સમય નિત્યાનંદ આશ્રમને મળે છે. સતત નિત્યાનંદનાં સમાચારોથી ત્રસ્ત થઈને એક ચેનલના એડિટર મિત્રને ફોન કર્યો કે હવે કંઇક વ્યાજબી કરો. તો મિત્રએ કહ્યું અત્યારે TRP ની હરીફાઈમાં આવા સૂચનો ન કરો તે જ વ્યાજબી ગણાશે. સાધુ – સંતો તો સમાચારોનું કારખાનું બની ગયા છે. તેમને પ્રાધાન્ય તો આપવું જ પડે.
વાત પણ સાચી છે. થોડા થોડા દિવસના અંતરે સાધુ સમાજ હોટ નુઝ પુરા પાડતા રહે છે. સંપતિની લડાઈ, હોદ્દાની લડાઈ હોય કે પછી કોઈ અનિચ્છનીય અને ભગવા વસ્ત્રને ન શોભે તેવાં કૃત્યો વારંવાર સમાચારો માં હોટ ટોપિક બની રહે છે.
પ્રગતિનગર ગાર્ડનમા સીનીયર સિટીજનો આ વિષય ઉપર PHD જેવું સંશોધન કરતા હતા. કોઈ વ્યક્તિ સાધુ કેમ બને છે તેનાથી શરૂઆત થઇ. ભક્તિભાવથી પ્રેરાઈને ભગવા ધારણ કરનારા હવે ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગના ભગવા ધારીને સંજોગોએ સાધુત્વ અપનાવ્યું હોય છે. પછી આ માટેના સંજોગો અંગે વિસ્તૃત છણાવટ થઇ અને છેલ્લે બેરોજગારીના સમયમાં સારું રહેવા જમવાનું મળતું હોય લોકો પગે પડતા આવતા હોય તો તેનાથી રૂડું શું ? આવી ઘણીબધી ચર્ચા ચાલી.
ભગવા વસ્ત્ર ધારીઓમાં રહિલી ત્રુટીઓને માનવસહજ પ્રતિક્રિયામાં ખપાવીને એક મુરબ્બીએ આપણા કલરફૂલ સમાજને જ દોષિત ઠેરવ્યો. તેમણે કહ્યું કે રોજે રોજ કેટલાય સાધુ સંતોના કૌભાંડો જાહેર થાય છે. આસારામ અત્યારે જેલમાં છે. તેમના કરતૂતો જાહેર છે. અને તેના જેવાં અનેક દાખલારૂપ બનાવો જાહેર થયા છે. આમ છતાં ભગવા વસ્ત્ર ધારીની દુકાનો ધમધોકાર ચાલે છે.
અન્ય એક મુરબ્બીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું “ મને તો આશ્ચર્ય એ વાતનું છે કે આટલું બધું અમાચારોમાં આવવા છતાં માતા પિતા પોતાના સંતાનો ખાસ કરીને દીકરીઓને આવી સંસ્થાઓમાં મોકલે છે. શ્રદ્ધા – અંધશ્રદ્ધા જે કહો તે પરંતુ વ્યક્તિ એટલો અંધ થઇ જતો હોય છે કે તેને સારા – નરસા નું પ્રમાણભાન રહેતું જ નથી. એટલું જ નહિ ઉચ્ચ અભ્યાસ કરેલી મહિલાઓ પણ સાધુ – સંતોના જાળામાં ફસાઈ જાય છે. ”
એક મહિલાએ બચાવ કરતા કહ્યું કે અત્યારે ઘરમાં એટલી અશાંતિ હોય છે કે વ્યક્તિ શાંતિની શોધમાં ધાર્મિક સ્થળનો આશરો લે છે. ત્યાં શાંતિનો અનુભવ થતા આકર્ષાય છે. સમાજ જીવન હવે આધુનિકતાની જપટમાં એવું આવી ગયું છે કે ઘરમાં કોઈને પણ શાંતિ નથી મળતી. જેથી આધ્યાત્મિક વાતાવરણ શોધે છે.
એક અનુભવી વડીલે કહ્યું “ એનું ખરૂં કારણ વિભક્ત પરિવારો છે. જો સંયુક્ત પરિવાર હોય તો કોઈને બહાર આવી દંભી શાંતિ શોધવા જવું ન પડે. અમારા પરિવારમાં અમારા ત્રણે ભાઈઓના પરિવાર સાથે રહે છે. રાત્રે સહુ સાથે વાળુ કરીએ છીએ. સુખ – દુઃખ ની આપ લે થાય છે અને તેનો હલ મળે છે. પરંતુ આજકાલ માતા – પિતા દીકરીઓને સ્વતંત્ર રહેવા પ્રેરિત કરે છે. તેના કારણે ઘરનો માહોલ બગડે છે. ”
ફરી વાત સાધુ – સંતો પર આવી. એક યુવાને કહ્યું “ આ સાધુ – સંતો પણ આવા જ કારણોસર ઘરબાર છોડીને સાધુ બન્યા હોય છે. જેની ઉણપનાં કારણે ઘર છોડ્યું હોય તે આવી ધાર્મિક સંસ્થાઓમાં મળી રહે એટલે પોતાની અંદરની વૃત્તિઓ વધુ વેગથી બહાર આવે છે. જેના કારણે ધાર્મિક સંસ્થાઓમાં સેક્સ રેકેટ થી લઈને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જાહેર થવા લાગી છે. ”
ફરી સવાલ આવ્યો કે આનો ઉપાય શું ? સહુ કોઈએ પોતાના વિચાર મુજબ ઉપાય સૂચવ્યા. કોઈ કહે કે વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ તો કોઈ કહે સરકારે આવા આશ્રમોની મંજુરી સાથે તેની નિયમિત ચકાસણી થાય તેવું તંત્ર ગોઠવવું જોઈએ. એકાદ સરકારી પ્રતિનિધિ આશ્રમના ટ્રસ્ટમા હોવા જોઈએ.
તો તેનો જોરશોરથી વિરોધ થયો કે સરકારમાં શું સારું ચાલે છે કે તે આશ્રમનું ધ્યાન રાખશે ?
અંતે વાત ત્યાંજ આવીને ઉભી રહી કે જે કાઇ બગાડ છે તે માનવમાં છે. જ્યાં માનવી હશે ત્યાં આવું બધું જોવા મળશે, માનવજાતમાં કલિયુગનો પ્રવેશ થયો છે. જેથી ધર્મ હોય, શિક્ષણ હોય, હોસ્પિટલ હોય કે કોઈ પણ સેવાનું ક્ષેત્ર હોય તેમાં માણસ માત્ર કોઈને કોઈ ન કરવાનું કામ કરતો જોવા મળે છે. ધાર્મિક સ્થાનોમાં દીકરા – દીકરી સલામત નથી, તો શાળાઓમાં શું સલામતી છે ? એટલે જ વાત ત્યાં આવીને ઉભી રહે છે કે આ કળીયુગમાં માણસમાં ખરાબી આવી છે. સહુકોઈ ચેતીને ચાલે. બાકી આશ્રમોમાં બગડવા માટે વધુ તક ભગવાધારીઓને મળે છે. કારણ કે ત્યાં એકાંત પણ છે અને અંધવિશ્વાસ પણ છે. જેના કારણ અતિ માન મોભા ધરાવતા ભગવા વસ્ત્ર ધારીને ઈચ્છા મુજબ વર્તન કરવાની તક મળી જાય છે.
ગાર્ડનમાં ચાલેલી આ બધી વાતોમાં અનુભવો અને આક્રોશ મિશ્રિત ચર્ચા હતી પરંતુ વાસ્તવિક્તા ચોક્કસ હતી. માણસે ક્યાં કોનો વિશ્વાસ કરવો તે આજે મહા પ્રશ્ન બની રહ્યો છે. સમય – સંજોગોએ માણસને અનેક વિકૃતિઓનો ભોગ બનાવી દીધાં છે. આશ્રમનો આશારો લેવાના બદલે ઘર મંદિર માંજ પ્રભુ ભક્તિ કરનારને શાંત્વના જે મળે છે તે સાધુ સંતો પાસેથી નહિ મળે.
સમાચાર માધ્યમોને નિત્યાનંદ આશ્રમ હજુ ઘણા દિવસ સુધી વ્યસ્ત રાખશે અને આખરે હતા ત્યાને ત્યાં, કોઈ અન્ય સાધુના અડપલા મોટી ઘટનાના સ્વરૂપે મિડીયામાં આવશે અને નિત્યાનંદ ભુલાઈ જશે.

Print Friendly, PDF & Email