(જી.એન.એસ) તા. 10
વલસાડ,
આજના સમયે સોશિયલ મીડિયામાં દેખ-દેખી કરવાના ચક્કરમાં યુવાધન ગેરમાર્ગે દોરાઈ રહ્યું હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, વલસાડ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના બે યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનો પાસે ઘાતક હથિયારો મળી આવ્યા છે. જોકે આ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.
વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પરની એક હોટલમાં બે યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળી રહ્યા છે. વલસાડ ગ્રામ્ય પોલીસને મળેલી આ બાતમીના આધારે તાત્કાલિક વલસાડ ગ્રામ્ય પોલીસનો કાફલો આ હોટલ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને ઈસમોની તપાસ કરતા યુવાનો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવંત કારતૂસ અને એક ચપ્પુ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ બંને યુવાનોની ધરપકડ કરી હતી અને ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા.પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને મધ્યપ્રદેશના ઇન્દોરના વતની છે.
આ બે ઇસમો ઉપર પોલીસે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટ અંતર્ગત બન્નેની ધરપકડ કરી છે. વલસાડ ગ્રામ્ય પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરની હોટલ પર છાપો મારીને આ બંને યુવાનની ધરપકડ કરી છે. દેશી બનાવટી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ અને ચપ્પુ સાથે બે નિતેશ અંબારામ કટારીયા અને ગૌરીશંકર ડોંગરે નામના આ યુવકોની ધરપકજ કરી લેવામાં આવી છે. વલસાડ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓના કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે. આ યુવાનો હથિયાર ક્યાંથી લાવ્યા અને આ ઘાતક હથિયારનો શુ ઉપયોગ કરવાના ફિરાકમાં હતા? તમામ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. આ મામલે મધ્યપ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આમ વલસાડ ગ્રામ્ય પોલીસના તપાસ બાદ આ બંનેનો વધુ ગુનાહિત ઇતિહાસ બહાર આવે તેવું મનાઈ રહ્યું છે. જોકે હાલ તો બંને યુવાનો માત્ર વટ પાડવા, લોકોને ડરાવવા અને જાહેરમાં વજન પાડવા આવા ઘાતક હથિયારો ખરીદ્યા હોય તેવું જણાવી રહ્યા છે.
આ મામલે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મોજશોખ કર્યા બાદ આ બંને આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી. આ ગર્લફ્રેન્ડને મળવા આરોપી વલસાડની આ હોટલમાં મળવા આવ્યા હતા. જોકે હવે આ બંન્ને યુવકોની પોલીસે ધરપકડ કરી છે. આ બંને યુવકો પાસેથી મળેલા આ ઘાતક હથિયારોનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે, મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા આ બંને યુવાનો વટ પાડવા માટે આવા ઘાતક હથિયારો ખરીદ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, નિતેશ નામના આરોપી પર મધ્યપ્રદેશમાં ગુનો પણ દાખલ થયેલો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.