Home વ્યાપાર જગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૬.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૮૧.૧૭ સામે ૫૫૩૮૨.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૧૩૫.૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૬.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૬.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૮૧૮.૧૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૦૮.૧૦ સામે ૧૬૪૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૩૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૧.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૩૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. ફુગાવાને અંકુશમાં લેવાની વિશ્વના મોટાભાગના દેશોની કવાયતમાં સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેવા વ્યાજ દર વધારાની અસરે પ્રવાહિતા ઘટવા લાગતાં એક તરફ મંદીનું જોખમ વધ્યું હોવા સામે ક્રુડ ઓઈલના ભાવ ફરી ઘટતાં અને વિવિધ કોમોડિટીઝના ભાવ અંકુશમાં આવવા લાગી કૃષિ ચીજોના ભાવમાં ઝડપી ઘટાડાની પોઝિટીવ અસરે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો અટકી ઘટયા મથાળેથી રિકવરી નોંધાતા ભારતીય શેરબજારમાં પણ આજે ફંડોએ રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક અને ઓટો શેરોની આગેવાનીએ તેજી કરતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

વિદેશી રોકાણકારોની એક તરફી વેચવાલીને પગલે સ્થાનિક ચલણમાં પણ ઘસારો જોવા મળી રહ્યો છે. ઈક્વિટી અને ડેટ માર્કેટમાંથી FIIની એક્ઝિટને કારણે રૂપિયો ગત સપ્તાહે ૭૮.૪૦ના ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડની નરમાઈ છતા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂત ચાલને કારણે ભારતીય ચલણમાં હાલ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે જો કે ક્રુડ તેલના ભાવમાં  ઘટાડો, ફુગાવો નીચે આવવાની ધારણાં, ચોમાસાની સારી પ્રગતિ તથા વિદેશની બજારોમાં સુધારાની અસરે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવાયો હતો. ભારતીય શેરબજાર માટે હાલમાં એવા કોઈ નેગેટિવ અહેવાલો નથી, ત્યારે અગાઉના અહેવાલોને બજારે હાલમાં ડીસ્કાઉન્ટ કર્યાનું જણાતા ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૬૭ લાખ કરોડ વધીને રૂ.૨૪૨.૨૭ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૯ અને વધનારની સંખ્યા ૧૯૭૦ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાને કારણે ચીન દ્વારા લેવાયેલા અંકૂશાત્મક પગલાંને કારણે પૂરવઠા સાંકળ ખોરવાતા જાપાનમાં ફેકટરી પ્રવૃત્તિ ઘટીને જુનમાં ચાર મહિનાની નીચી સપાટીએ રહી હતી. બીજી બાજુ અમેરિકામાં શકય મંદીને કારણે આઉટલુક સામે વધી રહેલા જોખમો વચ્ચે એશિયાના કેટલાક દેશો પડકારોનો સામનો કરી રહ્યા છે. ભારતમાં પણ મધ્યમ ગાળે વિકાસને અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારા અને આવનારા મહિનાઓમાં પણ વ્યાજ દર વધારવામાં આક્રમકતાને કારણે અમેરિકામાં મંદીના જોખમમાં વધારો થયો છે.

ફિચ રેટિંગ્સ  દ્વારા વર્તમાન વર્ષનો વૈશ્વિક આર્થિક વિકાસ દરનો અંદાજ જે માર્ચમાં ૩.૫૦% મુકાયો હતો તેને ઘટાડીને ૨.૯૦% કર્યો છે. વિશ્વ ભરની કેન્દ્રીય બેન્કો દ્વારા નાણાં નીતિને સખત બનાવવાના પગલાંને પરિણામે મંદીનું જોખમની વધી રહ્યું છે. અમેરિકાની સૂચિત મંદીથી ભારતમાં આર્થિક વિકાસ રૂંધાશે એમ રિસર્ચ પેઢી નોમુરા દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૨૦% અને ૨૦૨૩માં ૫.૪૦% રહેવાની નોમુરાએ ધારણાં મૂકી છે.

Print Friendly, PDF & Email