Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ 3 મહિનાની અંદર નિર્ણય લેવો...

રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ 3 મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત: સુપ્રીમ કોર્ટ

74
0

(જી.એન.એસ) તા. 12

નવી દિલ્હી/ચેન્નાઈ,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં ન્યાયાધીશ જેપી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી છે. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ દ્વારા બિલોને ઇનકાર કર્યા હોવાના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે.’

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે કોર્ટે કહ્યું હતું કે, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ડીએમકે સરકાર દ્વારા પાસ કરાયેલા 10 બિલને મંજૂરી ન આપતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી અને તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો હતો અને શુક્રવારે સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ ની બેન્ચે કહ્યું કે, ‘બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ સત્તાનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોઈએ. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાનો ઉપયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી બાકાત ન કહી શકાય.’

વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે, તો યોગ્ય કારણો જણાવવા જોઈએ અને સંબંધિત રાજ્યને તેની જાણ કરવી જોઈએ. અમારું માનવું છે કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા તેમના વિચારણા માટે મોકલવામાં આવેલા બિલ પર સંદર્ભ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જરૂરી છે.’ 

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, ‘બંધારણના અનુચ્છેદ 201 મુજબ, જ્યારે રાજ્યપાલ દ્વારા કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રપતિએ કાં તો તેને પોતાની સંમતિ આપવી પડશે અથવા પોતાની અસંમતિ વ્યક્ત કરવી પડશે. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.’

આ મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ‘રાષ્ટ્રપતિને ‘પોકેટ વીટો’નો અધિકાર નથી. તેનો અર્થ એ કે તેઓ પોતાનો નિર્ણય અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકતા નથી.’

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, ‘જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો સંબંધિત રાજ્ય કોર્ટનો સંપર્ક કરી શકે છે. જો કોઈ બિલ તેની બંધારણીય માન્યતાને કારણે અટકાવવામાં આવે છે, તો કારોબારી અદાલતની ભૂમિકા ભજવવી જોઈએ નહીં. આવા કેસને કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટમાં મોકલવા જોઈએ.

કોર્ટે કહ્યું, ‘અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જ્યારે કોઈ બિલમાં ફક્ત કાનૂની મુદ્દાઓનો સમાવેશ થાય છે, ત્યારે કારોબારી પક્ષના હાથ બંધાયેલા હોય છે અને ફક્ત બંધારણીય અદાલતોને જ આવા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો અને સૂચવવાનો અધિકાર છે.’