ભારત પ્રવાસ દરમિયાન વિઝા સંબંધિત ઈંગ્લેન્ડ ટીમનો બીજો કેસ
(જી.એન.એસ),તા.૧૩
રાજકોટ,
ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે અબુધાબીથી ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના હાથે બીજી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લિશ ટીમ પ્રેક્ટિસ માટે અબુધાબી ગઈ હતી. ત્રીજી ટેસ્ટ શરૂ થવાનો સમય હોવાથી સ્ટોક્સ એન્ડ કંપનીએ ભારતમાં પ્રેક્ટિસ કરવાને બદલે અબુ ધાબી જઈને પરસેવો પાડવો વધુ સારું માન્યું. જો કે, હવે ટીમ રાજકોટ પરત ફરી છે, જ્યાં 15 ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાશે. જો કે, ભારત પરત ફર્યા બાદ ફરીથી ઈંગ્લેન્ડના એક ખેલાડી સાથે સમસ્યા ઉભી થઈ છે. તેને એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યો હતો. રાજકોટના એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે ઈંગ્લેન્ડના ખેલાડીને અટકાવવામાં આવ્યો હતો તે પાકિસ્તાની મૂળનો રેહાન અહેમદ હતો.
ઈંગ્લેન્ડના આ સ્પિનરને એરપોર્ટ પર રોકવાનું કારણ પણ વિઝા હતું. રેહાન અહેમદ પાસે સિંગલ એન્ટ્રી વિઝા હતા, જેના કારણે તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો. લાંબા સંઘર્ષ બાદ રેહાન અહેમદને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે ટીમ હોટલ જવાની પરવાનગી મળી. પરંતુ, આ મામલો હજુ સુધી ઉકેલાયો નથી.
અહેવાલો અનુસાર, રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ પરથી ટીમ સાથે હોટલમાં જવાની પરવાનગી મળી છે. પરંતુ, 24 કલાકની સમયમર્યાદા સાથે. તેમને તેમના કાગળો સુધારવા માટે આ 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના લેગ સ્પિનર રેહાન અહેમદે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા આ કામ કરવું પડશે.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, ઈંગ્લેન્ડની ટીમને રેહાનના વિઝા ફરીથી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. તેઓએ આ કામ બે દિવસમાં કરવાનું છે. ત્યાં સુધી લેગ સ્પિનરને ટીમના બાકીના ખેલાડીઓ સાથે ભારતમાં રહેવાની છૂટ છે. તે મંગળવારે યોજાનારી પ્રેક્ટિસમાં પણ ટીમનો ભાગ હશે. ભારત પ્રવાસ દરમિયાન વિઝા સંબંધિત ઈંગ્લેન્ડ ટીમનો આ બીજો કેસ છે. આ પહેલા શોએબ બશીર સાથે પણ આવું જ કંઈક થયું હતું. અધૂરા વિઝા દસ્તાવેજોને કારણે બશીર પણ પોતાની ટીમ સાથે ભારત આવ્યો ન હતો અને એક સપ્તાહ મોડો ભારત પહોંચ્યો હતો. આ જ કારણ હતું કે તેનું ટેસ્ટ ડેબ્યૂ હૈદરાબાદમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં નહીં, પરંતુ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં થયું હતું. અને હવે રેહાન અહેમદ પણ વિઝા મુદ્દે મુશ્કેલીમાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.