Home મધ્ય ગુજરાત અમદાવાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ભજન મંડળીઓને સંગીત સાધનોનું વિતરણ

22
0

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના માતૃશ્રીની સ્મૃતિમાં શરૂ કરાયેલાં કુસુમબા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન

(જી.એન.એસ) તા.15

અમદાવાદ,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માતૃશ્રીની સ્મૃતિમાં કાર્યરત કુસુમબા ફાઉન્ડેશન દ્વારા શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માતૃશક્તિની અનેરી મિસાલ સમાન શિવાજી મહારાજના માતા જીજાબાઈના હાલરડાંને યાદ કરતાં કહ્યું કે, આ ધરતીની માતાઓએ આવાં શૌર્યસભર ગીતો ગાઈને વીર સપૂતોનું સિંચન કર્યું છે.

તેમણે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ દૂર કરવા જેવા મક્કમ નિર્ણયો લેવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી શ્રી અમિતભાઈનું સિંચન કરનારાં તેમનાં માતાઓની પણ સ્મૃતિવંદના કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલાં ‘વિરાસત ભી, વિકાસ ભી’ વિચારને સાકાર કરવામાં આપણી સંસ્કૃતિ અને ભજનોનું પણ યોગદાન છે.

આ સંસ્કૃતિને જીવંત રાખનારી સૌ માતૃશક્તિ પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે શરીરની જેમ મન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ભજન પૂરકબળ બની રહે છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે જવાબદાર નાગરિક તરીકે આપણે પણ રાષ્ટ્રનિર્માણમાં આપણી જવાબદારી નિભાવવાની છે. આ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલી ‘એક પેડ મા કે નામ’ ઝૂંબેશમાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આવતીકાલની પેઢીને પણ પાણી મળી રહે, તે માટે આજે જ વ્યવસ્થા કરવી પડશે. આ માટે વડાપ્રધાનશ્રી પ્રેરિત ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત ખાનગી સોસાયટીઓને જળસિંચન અને જળસંચય માટે પ્રેરિત કરવા આ વર્ષના બજેટમાં ૮૦-૨૦ના ધોરણે જોગવાઈ સૂચિત કરી છે.

આ જ પ્રકારે, સ્વચ્છતા અભિયાનની વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સ્વચ્છતાની શરૂઆત આપણે ‘સ્વ’થી કરીએ અને ત્યાર બાદ લોકોને પણ તેમાં જોડતાં રહીએ, તો અભિયાનના લક્ષિત પરિણામો મેળવી શકાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવા માટે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, શ્રી ધરમસિંહ દેસાઈ, સુશ્રી દીપિકાબેન સરડવા, શ્રી હિતેશ બારોટ સહિત સંગઠનના પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ઘાટલોડિયા વિસ્તારની ભજન મંડળીઓનાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field