આશ્ચર્યની વાત તો એ છે કે આવા પ્રકારના પડીકા મોટા ભાગે સચિવાલયમાં જ ગૂંજતા જોવા મળે છે અને આખરે મીડિયા સુધી ફરતા થઈ જાય છે
(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.૧
ગુજરાતના રાજકારણમાં અવાર-નવાર મુખ્યમંત્રી બદલવા અંગે હવાઈ પડીકા ઉડતા રહે છે તેમાંય ખાસ તો જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગુજરાત બહાર જાય ત્યારે તો રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી પદ પર રૂપાલા આવશે તેવા પડીકા ફરતા રહે છે તેમાંથી આવા પ્રકારના પડીકા મોટા ભાગે સચિવાલયમાં જ ગૂંજતા જોવા મળે છે અને આખરે મીડિયા સુધી ફરતા થઈ જાય છે. પણ આખરે આવી હવા હવાઈ જાય છે. પણ સવાલ ઉઠે છે કે આવી હવા ફેલાવે છે કોણ અને શા માટે? કારણ કે આવી હવા મીડિયા દ્વારા આમ પ્રજામાં જતા લોકો પણ ઉંચા-નીચા થઈ જાય છે અને પછી જાણે કે આ તો અફવા હતી એટલે પ્રજા મીડિયા સામે આક્રોશ વ્યક્ત કરે છે તો અફવા ફેલાવનાર માટે આકરા અને ભારે શબ્દોમાં ટીકા કરે છે.
અગાઉ ડેપ્યૂટી મુખ્યમંત્રી જાપાન ગયા ત્યારે પણ મુખ્યમંત્રી બદલાય છે તેવી હવા ઉડી હતી તે સાથે ડે.સીએમના મિત્ર દ્વારા નાણઆંની વ્યવસ્થા થઈ ગઈ છે અને ૩૨ જેટલા ભાજપના ધારાસભ્યો સાથે કોંગ્રેસનો ટેકો લઈ નીતિન પટેલ મુખ્યમંત્રી બની જશે તેવી અફવાએ સમગ્ર ગુજરાતની પ્રજામાં હલચલ મચાવી દીધી હતી. આખરે કશુ થયુ નહિ અને હતા ત્યાંને ત્યાં જેવી જ સ્થિતિ ગુજરાત ભાજપ સરકારની બની રહી છે. આજે પુનઃ આવી અફવાઓ સમગ્ર સચિવાલયમાં ફરી વળી છે. કે જ્યારે ડે.મુખ્યમંત્રી ઑપરેશન કરાવવા મુંબઈ ગયા છે. એટલે નોંધનીય બાબત એ છે કે નીતિન પટેલ ગુજરાત બહાર જાય ત્યારે જ મુખ્યમંત્રી રૂપાણીને બદલવાની વાતની અફવા કેમ ઉડે છે અને કોણ ઉડાડે છે? તે સાથે આવી અફવા ફેલાવવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે?
આવુ બધુ તો આખરે અફવાના પડીકા તરીકે સાબિત થાય છે પરંતુ તેની સાથે સાથે ડે.સીએમ નીતિન પટેલની કામગીરી અંગે ટીકાઓ વરસે છે તે સાથે ભાજપ મંત્રીઓ તેમજ ધારાસભ્યો નારાજ થઈ ગયાની અપવા પણ શરુ થઈ જાય છે. પરંતુ છેવટે તો આ બધી જ વાતો અફવા સાબિત થાય છે પરંતુ સવાલ એ છે કે રાજકીય અફવા પ્રજા વચ્ચે ફરી વળે છે. ત્યારે આમ પ્રજા વિટંબણા અનુભવતી થઈ જાય છે. ત્યારે સરકારે ખુદે આવી અફવા ફેલાવનારાઓને ઝડપી પાડવાની જરૂર છે. હા,એક વાત છે કે સરકારમાં પદ મેળવવા આંગળીને વેઢે ગણાય તેવા ભાજપ ધારાસભ્ય કે મંત્રીમાં રોષ છે પરંતુ આમના કોઈ આવી અફવા ફેલાવે તેમ નથી તે પણ એક હકીકત છે. ત્યારે સીએમ આ બાબતમાં ધ્યાન રાખી તપાસ કરાવે તે અતિ જરૂરી છે.