અમેરિકાની સરકારે પ્રત્યાર્પણની આપી દીધી અનુમતિ
કેલિફોર્નિયાની એક કોર્ટે 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી છે. 10 જૂન 2020 ના રોજ ભારતે પ્રત્યાર્પણ માટે 62 વર્ષીય રાણાની અસ્થાયી ધરપકડની માંગ કરતી ફરિયાદ નોંધાવી હતી. બાયડન પ્રશાસને ભારતને રાણાને સોંપવાનું સમર્થન કર્યું છે અને તેને મંજૂરી આપી દીધી છે.
કેલિફોર્નિયાની મધ્ય જિલ્લા કોર્ટના ન્યાયાધીશએ 16 મહિનાના રોજ આ અંગે સુનાવણી હાથ ધરી હતી અને તેમાં જણાવ્યું હતું કે કોર્ટે પ્રત્યાર્પણ માટેના તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી અને સુનાવણી કરી તેમજ તમામ તર્ક પર વિચાર કર્યો. કોર્ટને પણ લાગ્યું છે કે 62 વર્ષીય રાણા પ્રત્યાર્પણ માટે કરેલી અરજીના ગુનામાં સંડોવાયેલો છે.
મહત્વનું છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં મુખ્ય ભૂમિકા હોવાની વાતને લઈને ભારત દ્વારા પ્રત્યાર્પણની અરજી કરવામાં આવી હતી. જેને લઇને અમેરિકામાં રાણાની ધરપકડ થઈ હતી. હવે જ્યારે રાણાને ભારત લાવવાની મંજૂરી મળી ગઈ છે તો ભારત તરફથી પણ તમામ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
કોર્ટની સુનાવણી દરમિયાન યુએસ સરકારના વકીલોએ દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેનો નાનપણનો મિત્ર પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી, લશ્કર-એ-તૈયબામાં જોડાયેલો હતો અને તેણે હેડલીને તેની પ્રવૃત્તિઓમાં મદદ કરી હતી. બીજી તરફ રાણાના વકીલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુંબઈ આતંકી હુમલામાં 6 અમેરિકન સહિત કુલ 166 લોકોના મોત થયા હતા. મુંબઈમાં પ્રતિષ્ઠિત સ્થળો પર 60 કલાકથી વધુ સમય સુધી આ ઘટનાક્રમ ચાલ્યો હતો. આ હુમલા 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
આ હુમલાઓમાં આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. જેને ભારતમાં 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.