રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તરફ મિત્રતાનો હાથ લંબાવતા, જમીયત ઉલેમા-એ-હિંદના (Jamiat Ulema-E-Hind) પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, ભાજપ અને RSS સાથે કોઈ ધાર્મિક દુશ્મની નથી, માત્ર અમુક વાતોને લઈને ગેરસમજ છે. દિલ્હીના રામલીલા મેદાનમાં ચાલી રહેલા જમીયત ઉલેમા-એ-હિંદના ત્રણ દિવસીય સંમેલનના બીજા દિવસે પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, ‘અમે RSSની સામે મિત્રતાનો હાથ લંબાવીએ છીએ. ચાલો આગળ વધીએ અને ગળે મળીએ. સનાતન ધર્મના વિકાસમાં આપણને કોઈ વાંધો નથી, પરંતુ ઈસ્લામના વિકાસમાં કોઈને કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
મૌલાના મહમૂદ મદનીએ સભાને સંબોધતા કહ્યું કે, ‘દેશમાં રહેતા અન્ય વર્ગના લોકોના શબ્દો સાથે આપણે ચોક્કસપણે મતભેદો રાખી શકીએ છીએ, પરંતુ અમે તેમની વિરુદ્ધ નથી. આપણા દેશમાં ઘણી ભાષાઓ છે, અલગ-અલગ રહેવાની સ્થિતિ, અલગ-અલગ વિચારસરણી હોવા છતાં દેશ એકજૂટ છે.’ મદનીએ કહ્યું કે, આપણે પાકિસ્તાન ગયા હોત, તે વિચારને ત્યજી દેવો જોઈએ. તેણે કહ્યું કે, ‘જેઓ તેમની સાથે એટલે કે મુઘલો સાથે સંબંધ ધરાવતા હતા, તેઓ 1947માં ચાલ્યા ગયા હતા. આ આપણો દેશ છે. ન તો અમે તમારા બોલાવવા પર આવ્યા છીએ, ન કહેવાથી જશું.’ જમીયતના સત્રના બીજા દિવસે પસમંદા મુસ્લિમો, મદરેસા અને સમાન નાગરિક સંહિતા અંગેના પ્રસ્તાવો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન, પસમંદા મુસ્લિમોને લઈને પસાર કરાયેલા ઠરાવમાં જમિયતે કહ્યું કે, સરકાર પસમંદા મુસ્લિમો વિશે વિચારી રહી છે તે સારી વાત છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ, પરંતુ કલમ 341 હવે નાબૂદ થવી જોઈએ, જેથી પસમંદા મુસ્લિમોને અનામતનો લાભ મળી શકે, જેને ધર્મના આધારે હટાવી દેવામાં આવ્યો હતો. આ સિવાય મદરેસાઓની સ્વતંત્રતા અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં જમિયતે કહ્યું હતું કે, ‘મદરેસાઓને નિશાન બનાવવાનું બંધ કરવું પડશે’. મદરેસાઓ મુસ્લિમોના શિક્ષણમાં વધારો કરી રહ્યા છે અને આઝાદીથી લઈને અત્યાર સુધી મદરેસાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.
મદરેસાઓમાં આધુનિક શિક્ષણને સતત જરૂરી બનાવવામાં આવી રહ્યું છે.જમિયતના મંચ તરફથી કહેવામાં આવ્યું કે, મદરેસાઓ મુસ્લિમોને જીવ કરતાં પણ વધુ પ્રિય છે. ધર્મના આધારે મદરેસાઓને નિશાન બનાવી શકાય નહીં. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સંબંધિત પાસ ઠરાવમાં સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, યુસીસી દ્વારા સરકાર મુસ્લિમ પર્સનલ લોને ખતમ કરવા માંગે છે, જેને સહન કરવામાં આવશે નહીં. જમીયત ઉલેમા-એ-હિંદની કોન્ફરન્સના બે દિવસ પૂર્ણ થયા છે. હવે આવતીકાલે આ કોન્ફરન્સના ત્રીજા અને છેલ્લા દિવસે આ બે દિવસમાં પસાર થયેલા ઠરાવને હજારો લોકોની સામે વાંચીને દેશના મુસ્લિમોને એક મોટો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.