Home જનક પુરોહિત ભાજપમાં ઉજળું એટલું દૂધ નથી, વ્યાપક પૂછાતો પ્રશ્ન શું લાગે છે ફેરફાર...

ભાજપમાં ઉજળું એટલું દૂધ નથી, વ્યાપક પૂછાતો પ્રશ્ન શું લાગે છે ફેરફાર થશે..?

340
0
SHARE

દરેક ચૂટણીમાં ભાજપનો વિજય થાય છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ અને ચુંટાયેલા સભ્યો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપી ભાજપમાં જોડાય છે. જેથી પ્રજા માનસમાં એક ચિત્ર એવું ઉભું થાય છે કે ભાજપ પક્ષમાં સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. વાત તો સાચી. સુવર્ણ યુગ ખરો, પરંતુ સત્તા પુરતો જ. સંગઠનમાં સ્થિતિ કોંગ્રેસથી બહુ સારી નથી. જૂથવાદના કારણે કોંગ્રેસ પક્ષ બદનામ થયો છે. પરંતુ ભાજપમાં જુથવાદ એટલો જ હોવા છતાં જાહેર થતો નથી. અમદાવાદ શહેરની અમરાઈવાડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજાઈ ગઈ. આવતી કાલે ગુરુવારે પરિણામ જાહેર થશે અને ભાજપના ઉમેદવાર વિજયી જાહેર થશે. પરંતુ ઉમેદવાર માટે મોટા પાયે લોબિંગ થયું. મોટા માથાઓ પોતાનાને ટિકિટ આપવા મથતા હતા. તેમાં મોદી સાહેબે પોતાની પસંદગીના કાર્યકરને ટિકિટ આપી. જગદીશ પટેલ ક્યાય ચિત્રમાં ન હતા અને ટિકિટ મળી. હવે કાલે ધારાસભ્ય થઇ જશે.
અ ગમતા ઉમેદવારને પરાજીત કરવા મોટા માથાઓએ અનેક પ્રયાસો કર્યા. પ્રદેશના નેતાઓને એવું ઠસાવવામાં આવ્યું કે જો અહી ભારે મતદાન થશે તો આપણે હારી જઈશું. જેથી ઓછા મતદાનની થીયરી આગળ ધરી. પરિણામે સાવ ઓછું ૩૨ ટકા જ મતદાન થયું. બેઠકને જોખમમાં મુકવાનું કામ પક્ષના જ નેતાઓએ કર્યું હતું. જો એકાદ બેઠક ઘટે તો સંગઠનમાં મોટો બદલાવ આવે તેવાં ગણિત તો હશે જ. કારણકે અમરાઈવાડી ચુંટણી દરમિયાન અનેક સીનીયર કાર્યકરોએ ખાનગીમાં એવો સવાલ કર્યો હતો કે “ શું લાગે છે, પરિણામો પછી ફેરફારો આવે એવું લાગે છે ? કોણ આવે એવું લાગે છે ? અમદાવાદ શહેરમાં શું લાગે છે ? સરકારના રીસફલીંગ મા શું લાગે છે ? ” આવા અનેક પ્રશ્નો જવાબદાર અગ્રણી કાર્યકરો પત્રકારોના વ્યુ જાણવા કરતા હતા. કેટલાક અગ્રણી કાર્યકરો એવું માનતા હોય છે કે અમે સીનીયર પત્રકારો છેકસુધી સબંધોના કારણે બધી જ વિગતોથી વાકેફ જ હોઈએ. જાણે કે અમને પૂછીને નિર્ણય થતો હોય તેવી માનસિકતા ઘણા કાર્યકરોને હોય છે. અઆપના નરેન્દ્રભાઈ ક્યારે શું નિર્ણય લેશે એ તેમના છાયા સમાન P.A. પણ જાણતા હોતા નથી.
પરંતુ જે પ્રકારે ભાજપમાં બધું હખળ ડખળ ચાલે છે, તે જોતા અમિતભાઈ શાહ કોઈ આકરા નિર્ણયો લે તો નવાઈ નહિ. તેઓ તમામ હરકતોથી વાકેફ જ હશે.

આજે કોંગ્રેસ હારના કારણોની જૂની ફાઈલ પરની માટી સાફ કરશે

હરિયાણા અને મહારષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચુંટણી તથા ગુજરાતની છ વિધાનસભાની પેટા ચુંટણીના પરિણામો આવતીકાલ તા. ૨૪ ને ગુરુવારે જાહેર થશે. કોંગ્રેસના એક હોદ્દા વિનાના સિનિયર ( વૃદ્ધ કહેવાય નહિ ) નેતા સાથે મુલાકાત થઇ. તેમણે વર્તમાન રાજનીતિ અંગે ભારે બળાપો ઠાલવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે શું લાગે છે. આ ચુંટણીના પરિણામો માં કોંગ્રેસની સ્થિતિ કેવી રહેશે ? તો મુરબ્બીએ જવાબ આપ્યો “ આજે અમારા પ્રદેશ પ્રમુખે કાર્યાલય ઇન્ચાર્જ રાજુને તાકીદ કરી જ દીધી હશે કે કબાટ માંથી હારના કારણોની ફાઈલ કાઢીને જરા સાફ કરી મારા ટેબલ ઉપર મુકાવી દેજે. મારે કાલે તેની જરૂર પડશે. છેલ્લા ૨૦ વર્ષથી અમે પરિણામ પછી જે જે આક્ષેપો કરીએ છીએ તેમાં કોઈ નવો આક્ષેપ હોતો નથી, સરકારી મશીનરીનો દુર ઉપયોગ, બોગસ મતદાન, EVM માં ખામી. આ બધું અમને મોઢે થઇ ગયું છે.”
ફરી એક સવાલ કર્યો કે પરિણામો માં ધબડકો થયા પછી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલાશે ? તો જવાબ મળ્યો કે “ જુઓ અમારી કોંગ્રેસ પાર્ટીમાં દરેક ચુંટણીના પરિણામો પછી પ્રદેશ પ્રમુખ હોય કે રાષ્ટ્રીય પ્રમુખ પરાજયની જવાબદારી સ્વીકારી લેવામાં કોઈને તકલીફ પડતી નથી. અને જવાબદારી માથે ચઢાવી રાજીનામું નહિ પણ રાજીનામાની ઓફર જાહેર કરવામાં આવે છે. બીજી ચુંટણી આવે ત્યાં સુધી આ ઓફરનો સ્વીકાર થતો નથી. ભૂતકાળમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપી દીધાં પછી બીજી ચુંટણી સાવ નજીક પહોચી છતાં નિર્ણય નહોતો થતો. અર્જુનભાઈ પોતે જ દ્વિધામાં હતા કે તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કહેવાય કે ન કહેવાય. તેમણે કોઈને આદેશ પાય કે ન અપાય, કોઈની નિમણુક કરી શકાય કે ન કરી શકાય. આ દ્વિધામાં જ સમય વિતીગયો હતો અને પછી ભરતસિંહ સોલંકીની નિમણુક થઇ હતી. ભરતસિંહે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા પછી લાંબા સમય બાદ પરિવારમાં હોદ્દો ટ્રાન્સફર કરીને અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા. હવે અમિત ચાવડા રાજીનામું આપશે અને ૨૦૨૨ ની ચુંટણી નજીક આવશે ત્યારે નવા પ્રમુખ આવશે. આમાં કહેવાનું તાત્પર્ય એટલું જ કે અનિર્ણાયકતા થી પાર્ટી બેઠી થતી નથી. નવા પ્રમુખ પાસે ચુંટણી પહેલાં સમય ઓછો મળે અને ચૂટણીમાં પરાજય પછી વધુ સમય મળે અને તેમાં તેમણે કશું કરવાનું હોતું નથી.” કોંગ્રેસની આ તાસીર બહુ જૂની છે. તેમાં કશો ફેરફાર થઇ શકે તેમ નથી.

મિડિયાની ડીબેટમાં જવાના કોંગ્રેસના ઉપવાસના પારણા થતા નથી

લોકસભાની ચુંટણીના પરિણામો પછી તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં તમામ પ્રવક્તા ને આદેશ આપ્યો હતો કે કોઈએ રાજકીય ડીબેટ માટે કોઈ પણ ન્યુઝ ચેનલમાં જવું નહિ. કદાચ તે સમયે એટલે કે ચુંટણી દરમિયાન ખરાબ અનુભવ થયો હશે. આ આદેશનું પાલન આજે પણ ચુસ્ત પણે થઇ રહ્યું છે. ન્યુઝ ચેનલની માલિકી હવે એવા કોર્પોરેટ હાઉઝ પાસે છે કે તેમાં ભાજપને સાચવી લેવા પડે જેથી એન્કર કોંગ્રેસના લીરા ઉડે તે પ્રકારે વર્તન કરતા હતા. મોટા ગજાના નેતાને પણ બહુ ખરાબ ભાષામાં અને બહુ ઉચા અવાજે રીતસર રિમાન્ડ લેતા હતા.
આજે હવે રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના પ્રમુખ નથી. છતાં તેમનો આદેશ હજુ યથાવત છે. જોકે ગુજરાતની ન્યુઝ ચેનલોના એડિટર અને એન્કરને કોંગ્રેસના આગેવાનોની ખોટ સાલે છે. તેઓ કહે છે કે હવે કોંગ્રેસના આ ઉપવાસના પારણા વહેલાસર થાય તો કંઈક મજા આવે. તેમનાથી ભાજપ વિરુદ્ધ કશું બોલાતું નથી. અને મહત્વના મુદ્દે એક તરફી વાતો થી દર્શકોને મજા આવતી નથી. જોકે વાત તો TRP ની પણ ખરી !

Print Friendly, PDF & Email