Home જનક પુરોહિત ભાજપમાં અસંતોષની અભિવ્યક્તિએ નેતાગીરી બદલવાની પૂર્વભૂમિકા

ભાજપમાં અસંતોષની અભિવ્યક્તિએ નેતાગીરી બદલવાની પૂર્વભૂમિકા

523
0
SHARE

ભાજપ એટલે શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી એવું આપણે માનીએ છીએ. પરંતુ હવે એ ભૂતકાળ બની ચુક્યો છે. કેડર એટલા માટે વિખેરાઈ ગઈ છે કે ભાજપ હવે કોંગ્રેસી કાર્યકરોથી ખીચોખીચ ભરાયેલો પક્ષ છે. અને શિસ્તના લીરા તો આખા ગુજરાતમાં ઉડતા જોવા મળે છે.
તાજેતરમાં સરકાર વિરુદ્ધ એટલે કે સરકારની કાર્યપધ્ધતિ સામે ભાજપના જ ધારાસભ્યો હવે જાહેરમાં પોતાની લાગણી અભિવ્યક્ત કરતા થયા છે. આ સ્થિતિ અંગે ભાજપના એક ભૂતકાળના મહત્વના અને આજે ખુણામાં ધકેલાયેલા નેતા સાથે ગોષ્ઠી થઇ. તેમણે સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન કરતા કહ્યું “ તમે તો ભૂતકાળની ઘટના ના સાક્ષી છો. કેશુભાઈ પટેલને જયારે મુખ્યમંત્રી પદેથી દુર કરવાના હતા ત્યારે આવી જ રણનીતિ અપનાવવામાં આવી હતી. ધારાસભ્યો જાહેરમાં રોષ વ્યક્ત કરતા હતા કે અમારા કામ થતાં નથી. સરકારમાં જમાઈ રાજ ચાલે છે. અને આખો માહોલ ગરમાયો પછી માત્ર એક વિધાનસભા બેઠકની પેટા ચુંટણીના પરાજયને આગળ ધરીને કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી ખસેડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આનંદીબહેન પટેલને ખસેડવા માટે તેમની પુત્રી – પુત્ર ને આગળ ધરી જમીનોના કૌભાંડો વિપક્ષને જાહેર કરવાનો રસ્તો કરી આપી બહેનને પણ એજ રીતે ખસેડી દેવામાં આવ્યા હતા. હવે તમે આજની સ્થિતિ જુઓ , એજ ઘટનાઓનું પુનરાવર્તન થઇ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી વ્જય્ભાઈ રૂપાણી ગમે તેટલી નવી યોજનાઓ જાહેર કરે , તેની કોઈ નોંધ પક્ષ કે પ્રજામાં લેવાતી નથી. જયારે સરકારી તંત્ર સરકાર વિરુદ્ધ હોય એવું વાતાવરણ ઉભું કરીને ધારાસભ્યો જાહેરમાં સરકાર વિરુદ્ધ નિવેદનો કરવા લાગ્યા છે. સાવલીના ધારાસભ્ય એ તો રાજીનામું આપવા સુધીની ધમકીનો કે દબાણનો પ્રયોગ કરીને પક્ષને દોડતો કરી દીધો. આ તમામ ઘટનાઓનો સરવાળો થતો હોય છે. અને રોજે રોજની ઘટનાઓ અંગેનો અહેવાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને મળતો જ હોય છે. આ માટે બંને નેતાઓ એ પોતાનું આગવું તંત્ર ગોઠવ્યું છે. વિજય રૂપાણી પોતે આ સ્થિતિથી વાકેફ નાં હોય એવું માનવાને કોઈ જ કારણ નથી. તેઓ પણ ભૂતકાળના રાજકારણના સાક્ષી રહ્યા છે. એટલે પડદા પાછળ આકાર લેતી ઘટનાઓથી તેઓ માહિતગાર હશે જ.તેમનું પણ નાણું – મોટું કોઈ તંત્ર ગોઠવાયેલું હશે જ.”
નેતાને પૂછ્યું કે આ સરવાળાનો લક્ષ્ય કેટલે હશે ? ક્યાં સુધી માત્ર સરવાળો જ થયા કરશે ? તો જવાબ મળ્યો “ વિધાનસભાનું સત્ર પૂરું થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. વિધાનસભામાં પણ સરકાર સામે ઘણીબધી બાબતો આવશે. જેથી હાઈકમાન્ડ નાખુશ થશે. આ બધી સ્ક્રીપ્ટ મુજબ ચાલશે , અને પછી એપ્રિલ – મેં મહિનામાં નવા જે કોઈ પ્રદેશ પ્રમુખ હશે તે અને મુખ્યમંત્રીને દિલ્હી બોલાવીને રાજીનામાં નો આદેશ જાહેર કરી દેવામાં આવશે. જોકે હવે ગુજરાત ભાજપમાં આ વાસ્તવિક્તા સહુકોઈ નેતા સ્વીકારીને જ ચાલે છે કે રૂપાણી સાહેબ હવે થોડા સમય માટે જ છે. જોકે નવા પ્રદેશ પ્રમુખનો મામલો પણ એટલો જ પેચીદો છે. સરકારમાંથી નબળા મંત્રીને પ્રમુખ બનાવવાની વાત ચાલે છે. પરંતુ સામે દલીલ એવી પણ ચાલે છે કે જે સરકારમાં કશું ઉકાળી શક્યા નથી એ પક્ષમાં શું ઉકાળશે. નવા મુખ્યમંત્રી અને નવા પ્રદેશ પ્રમુખ માટેના નામોને લઈને હાઈકમાન્ડ પણ અવઢવની સ્થિતિમાં છે. જેના કારણે વિલંબ થયો છે. નહિ તો ફેરફારો ક્યારનાય થઇ ગયા હોત. ”
ભાજપની આ વાસ્તવિક્તા હોવા છતાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા ને સાનુકુળ હવામાં પોતાનું હાડેકું આગળ લઇ જવા શઢ ને કેમ ફેરવવું તેની સમજણ પડતી નથી. જેથી પવન સાનુકુળ હોવા છતાં કોંગ્રેસની નાવ એકજ સ્થાને ગોળગોળ ચકરાવે ચઢ્યું છે.

કોંગ્રેસના સંગઠનના મામલે પણ સ્થિતિ નાજુક

ભાજપ જેવી જ સ્થિતિ કોંગ્રેસમાં છે. સંગઠનમાં ફેરબદલ અનિવાર્ય હોવા છતાં હાઈકમાંડ પોતે જ વેરવિખેર હોવાથી ગુજરાતનો મામલો ઉકેલાતો નથી. ગુજરાત કોંગ્રેસનું સંગઠન વિખેરીનાખી હવે કોંગ્રેસની રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે આંદોલનો કરવાની કોંગ્રેસની મુરાદ ક્યારેય સફળ થઇ શકે નહિ. પ્રથમ સંગઠનમાં નિમણુંકો થાય તો જ જવાબદેહી નક્કી કરી શકાય. આમ પણ સંગઠનમાં નિમણુંકો કરી હોય છતાં કાર્યક્રમમાં સંખ્યા થતી નથી. ચુટાયેલા સભ્યો પણ આંદોલનમાં જોડાતા નથી. ત્યારે અત્યારે સંગઠન વિના ભાજપ સામે નિવેદનો કરીને જ કોંગ્રેસે મન મનાવવું પડે છે. અત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ભાજપની કેન્દ્ર સરકાર સામે જે કાંઈ આંદોલનો ચાલે છે , તે વિવિધ મુસ્લિમ સંગઠનો તથા ડાબેરી એન.જી.ઓ ના કારણે જ ચાલે છે. કોંગ્રેસ તેને પોતાના નામે ચઢાવીને છાતી ફૂલાવે છે. પરંતુ આ ગુજરાત છે. ગુજરાતની તાસીરને જાણ્યા વિના કોંગ્રેસ આંદોલનકારીઓને સમર્થન આપી લાભ કરતા નુકસાન વધુ સહન કરે તેવી પૂરી શક્યતા છે. ભાજપમાં એક રાજકીય આવડત એ છે કે ભાજપ વિરુધી નારાઓને તેઓ રાષ્ટ્રના નામે ચઢાવી , કે હિંદુ સમાજ વિરોધી ગણાવીને ગુજરાતની તાસીરને અનુકુળ લાભ લઇ લે છે. દરેક વખતે કોંગ્રેસ કરવા જાય છે કંસાર અને થઇ જાય છે થુલી. આંદોલન કરી કોંગ્રેસના કાર્યકરો પોલીસનો માર પણ ખાય , કોર્ટકેસ પણ થાય અને આખરે પ્રજામાં મુસ્લિમ તરફી કે હિંદુ વિરોધી વાતાવરણ ઉભું કરી ભાજપ ફાયદો લઇ લે છે. અને કોંગ્રેસ હાથ મસળતી રહે છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે વહાણનું શઢ પવનની કઈ દિશામાં ફેરવવું તેનો અનુભવ કે જ્ઞાન કોંગ્રેસની વર્તમાન નેતાગીરીમાં નથી. માટે સાનુકુળ પરિસ્થિતિનો ફાયદો લઇ શકતા નથી.

Print Friendly, PDF & Email