(જી.એન.એસ.)બ્રિટન,તા.૧
બ્રિટનમાં ગત રવિવારથી આવેલા વાવાઝોડાંની અસર આજે શુક્રવારે પણ જોવા મળી રહી છે. ગુરૂવારે બપોર બાદ વેધર ડિપાર્ટમેન્ટે અહીં 12થી વધુ પૂરની ચેતવણી આપી હતી. ગુરૂવારે મોડી રાત્રે પડેલા વરસાદ અને વાવાઝોડાંના કારણે ચારેતરફ પાણી ભરાઇ ગયા હતા. બ્રિટનમાં હાલ વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. ઇમરજન્સી ક્રૂએ રેલવે સ્ટેશન અને રોડ પર વાવાઝોડાંના કારણે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
બ્રિટનના કેટલાંક ભાગોમાં 1.8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જે ત્રણ કલાકની અંદર 3.6 ઇંચ સુધી વધી ગયો હતો. સાઉથ વેસ્ટર્ન ઇંગ્લેન્ડમાં વીજળીની ગાજવીજ અને વાવાઝોડાં સાથે વરસાદ પડ્યો હતો. જે આજે પણ યથાવત રહેશે.
ગુરૂવારે અંદાજિત 20 જેટલાં ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. મિડલેન્ડ્સના ટ્રેન પેસેન્જર્સ સ્ટેશનમાં જ અટવાઇ ગયા હતા. વીજળી પડવાના કારણે અમુક ટ્રેનોના ઇક્વિપમેન્ટ્સ ડેમેજ થયા છે. નેટવર્ક રેલના જણાવ્યા અનુસાર, આજે શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી ટ્રેન વ્યવહાર બંધ રહેશે. ઉપરાંત ઓથોરિટીએ લોકોને ઘરમાંથી બહાર નહીં નિકળવા અને પૂરમાં વાહન નહીં ચલાવવાની ચેતવણી આપી છે.
વરસાદથી આવેલા પૂરના કારણે બ્રિટનની મોટાંભાગની રેલ લાઇન બ્લોક થઇ ગઇ છે. વાઝોડાંના કારણે રેનેર અને ઇઝીજેટની ફ્લાઇટ્સ પણ કેન્સલ થઇ છે.
ઇઝી જેટ દ્વારા ગેટવિક એરપોર્ટ પર 48 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. એન્વાયર્મેન્ટ એજન્સીએ લોકોને પૂરના જોખમને જોતાં ઘરમાંથી બહાર નહીં નિકળવા અને વાહન નહીં ચલાવવાની તાકીદ કરી છે.