ગત તા. ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન દિને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાંથી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા હતા. એજ દિવસે જમ્મુ – કાશ્મીરના પુલવામા ખાતે આતંકવાદીઓએ અતિભયંકર વિસ્ફોટ દ્વારા ૪૦ CRPF જવાનોની જીંદગી રોળી નાખી. આ ઘટનાએ દેશના નાગરિકોને હચમચાવી દીધાં છે. દેશનો દરેક નાગરિક રાષ્ટ્રવાદી જ હોય છે તે આ ઘટના બાદ દેશ જોઈ રહ્યો છે. નાના ગામડાથી મેટ્રો શહેરો સુધી દરેક નાગરિક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રસ્તા પર નીકળી પડતા જોવા મળે છે. પાકિસ્તાન સામે રોષ નહિ આગ ઝરતો આક્રોશ જોવા મળે છે. આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ એ દેશને આસ્વસ્થ કર્યો છે કે સેનાને હવે પૂરી સ્વતંત્રતા આપી દીધી છે. પાકિસ્તાન અને આતંકવાદી સામે શું પગલા લેવા , ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરવી તે સેના એ નક્કી કરવાનું છે.
આ વખતે પાકિસ્તાનને પાઠ ભણાવવામાં કોઈ કચાશ નહિ રહે એવું વાતાવરણ ઉભું થયું છે. અને દેશની જનતાની લાગણી અને માંગણી પણ એજ છે. આ સ્થિતિમાં આપણી સરકારે પ્રજાના અવાજને અનુસર્યા વિના છૂટકો નથી.
દેશમાં સંસદની આગામી ચુંટણીને લઈને જે રાજકીય માહોલ ગરમાયો હતો , તેમાં આ એક ઘટનાએ અલ્પ વિરામ મૂકી દીધો છે. દેશના રાજકીય પક્ષોને ઘણા વર્ષો પછી દેશની જનતાએ એક સરખી ભાષામાં વાત કરતા સાંભળ્યા છે.
જો ચુંટણી પહેલાં લશ્કર દ્વારા કોઈ નક્કર અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે , તો દેશના આર્થિક , સામાજિક અને રાજકીય સમીકારાઓ બદલાઈ જશે. એક તરફ વૈશ્વિક મંદીના પગરણ શરુ થયા છે. દેશમાં બેરોજગારીનો પ્રશ્ન વિકટ છે , તેવાં સમયે યુદ્ધ જેવી સ્થિતિમાં લોકોએ ૧૯૬૫ નાં યુદ્ધની માફક ‘ શાસ્ત્રીજી ના સોમવાર ’ દ્વારા જે રીતે સરકારને સહયોગ આપ્યો હતો , તેમ પોતાની જરૂરીયાત ઘટાડીને પણ સરકારને સહાય કરવી પડશે , સાથે મોંઘવારી સહન કરવી પડશે.
સામાજિક રીતે જોઈએ તો અત્યારે પ્રસંગો પાછળ થતા ધૂમ ખર્ચાઓમાં કાપ આવી જશે લોકો સાદાયથી પ્રસંગ ઉકેલવા તરફ વળશે. અને રાજકીય રીતે જોઈએ તો જો ચુંટણી પહેલાં યુદ્ધ અથવા મીની યુદ્ધની સ્થિતિ સર્જાશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પ્રજા ઉમળકાભેર સત્તા સ્થાને બેસાડશે.
દેશની પ્રજામાં અત્યારે ભયંકર આગ પ્રજવલિત હોવાથી તાકીદે કાર્યવાહી ની અપેક્ષા રાખે છે. પરંતુ લશ્કરી કાર્યવાહી કરવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, સ્થિતિ – સંજોગો અને આયોજન મુજબ જ કાર્યવાહી થઇ શકે છે. અત્યારે બરફ વર્ષા જેવી પ્રતિકુળ આબોહવા છે. પેટ્રોલ – ડીઝલનો પુરતો સ્ટોક અનિવાર્ય છે. આ સ્થિતિમાં આજ ને આજ હુમલો કરી દેવો શક્યા હોતો નથી. પરંતુ કાર્યવાહી થશે તેમાં કોઈ શંકા નથી. આપણે નાગરિકોએ પણ તેના માટે સજ્જ રહેવું પડશે.
ગુજરાત સરકારનું વચગાળાના અંદાજપત્ર માં કેન્દ્રની નકલ જોવામળી
ગઈકાલ તા. ૧૯ ફેબ્રુઆરીએ ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે વર્ષ ૨૦૧૯ – ૨૦ નું ચાર માસ માટેનું લેખાનું દાન રજુ કર્યું. જયારે ચુંટણી આવી રહી હોય ત્યારે સરકાર પ્રજાને પ્રલોભનો ન આપી શકે તે માટે ચુંટણી પૂરી થતા સુધીના સમય માટે લેખાનું દાન અથવા વચગાળાનું બજેટ રજુ કરવામાં આવે છે. આ લેખાનું દાનમાં ચાર માસ માટે જરૂરી ખર્ચ કરવાની વિધાનસભાની મંજુરી મેળવવા પુરતું જ હોઈ શકે.
કેન્દ્ર સરકારે ચાર માસ માટેનું બજેટ રજુ કરીને અનેક જાહેરાતો કરી. કેન્દ્ર સરકાર માટે તે જરૂરી એટલા માટે હતું કે સંસદની ચુંટણી યોજાવાની છે. મેં માસ પછી સરકાર આવે તે નક્કી નથી હોતું. જેથી ભાજપ સરકાર પોતાની યોજનાઓ આ ચારમાસ માટેના લેખાનું દાન માં આવરી લીધી હતી. પરંતુ ગુજરાત સરકારની વાત અલગ છે. એપ્રિલ થી જુલાઈના ખર્ચના બજેટની મંજુરી પછી , જુલાઈમાં જયારે વિધાનસભા સત્ર મળવાનું છે , ત્યારે પણ નાણામંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એટલે કે ભાજપની જ સરકાર હશે. આમ છતાં મંગળવારે રજુ થયેલા લેખાનું દાનમાં વર્ષ ૨૦૧૯ – ૨૦ ના સમગ્ર વર્ષનું અંદાજપત્રનું કદ રૂ. ૧,૯૧,૮૧૭ કરોડ નું નક્કી કરી નાખ્યું છે. સામાન્ય બજેટ માફક સરકારે નવી બાબત સિવાયની તમામ યોજના , ચાલુ સેવામાં વધારો વગેરે કરીને સામાન્ય બજેટ માફક રજૂઆત કરી છે. સામાન્ય રીતે લેખાનું દાન એક પાનાનું હોય છે. તેના બદલે બજેટનું સાહિત્ય તૈયાર થઇ ગયું , એટલું જ નહિ વાર્ષિક કદ જે નક્કી કર્યું , તે પૈકી ચાર માસ માટે કેટલી રકમ ગૃહમાં મંજુરી માટે રજુ કરવામાં આવશે તે અંગે રાજ્યના નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે માહિતી પણ ન હતી. પત્રકારોએ પ્રશ્નો નો મારો ચલાવ્યો , ત્યારે ગણિત ગણવા મંડેલા નાણા વિભાગના અધિકારીઓ એક નાનો દાખલો ગણી શક્યા નહિ.
સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં પણ રાજનીતિ
તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ પૂર્વ ધારાસભ્યો કે જેમના અવસાન થયા છે તેઓ તથા પુલવામા ખાતેના શહીદોને શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ રજુ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રુપાણીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં કોઈ રાજકીય ટીપ્પણી કરી ન હતી. પરંતુ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ શરૂઆત કરી અને નીતિન પટેલે તેણે આગળ ધપાવી રાજકીય આક્ષેપો દ્વારા શોક પ્રસ્તાવની ગરીમાને ન છાજે એવા દ્રશ્યો જોવા મળ્યા. એક તરફ દેશભરના નાગરીકો નાત – જાત – ધર્મ ને બાજુ પર મૂકી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નીકળે છે , રોષ ઠાલવે છે , ત્યારે રાજકારણીઓ આ ઘટનામાં પણ રાજકીય હિસાબો ચૂકતે કરવાનું ચુકતા નથી એ શરમજનક છે.