Home ગુજરાત ‘પાણી’ વગરના ‘રૂપાણી’ના રાજમાં પશુ માટે પાણી લેનાર ખેડૂતો ચોર….!!

‘પાણી’ વગરના ‘રૂપાણી’ના રાજમાં પશુ માટે પાણી લેનાર ખેડૂતો ચોર….!!

707
0
SHARE

(જીએનએસ:હર્ષદ કામદાર)
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં તો પાણીની હાલત બેહદ કફોડી બની ગઈ છે. તંત્રની બેદરકારીને લઇને કે દૂરંદેશીના અભાવને લઈને લોકો પીવાના પાણી માટે બેહાલ બન્યા છે. રાજ્યના સિંચાઇ મંત્રી કુંવરજી બાવળીયા વિવિધ રાજ્યના મુખ્ય મથકોની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જેવી શિખામણો સિંચાઈ તંત્રના અધિકારીઓને કુવા ખોદાવવા અંગે શીખામણ આપવા સાથે લોકોને કે અબોલ જીવો માટે પૂરતું પાણી ન પહોંચાડી શકતા મંત્રી બાવળીયાએ અધિકારીઓને આદેશ આપ્યા હતા કે પાણી ચોરી કરનારા સામે કડક પગલાં ભરો. પરંતુ તંત્ર પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયું છે તેવી બાબત તેઓ સમજી શક્યા નથી…..! ત્યારે પશુધન માલિકો પોતાના અને અબોલ પશુઓ માટે પાણી મેળવતા લોકોને ચોરમા ખપાવવાની ચેષ્ટા કરી છે જે આગામી સમયમાં સરકાર સામે નવો વિવાદ સર્જી શકે છે. પાણી વગરની રૂપાણી સરકારના મંત્રીશ્રી ગત મંગળવારે સુરત પહોંચીને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં પાણી પહોંચાડવાના વ્યવહારુ ઉકેલની ચર્ચાને બદલે લોકોની સામે પાણી પ્રશ્ને આકરા પગલા લેવાની વાતો કરી તેનાથી અધિકારીઓ પણ હેબતાઈ ગયા હતા……! કારણકે ટેન્કરોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોને પાણી પહોંચાડવાની વાતોના બદલે કૂવો બનાવવાની વાત કરી હતી. અહીના ગ્રામ્ય વિસ્તારોની હાલત સૌરાષ્ટ્ર- બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારો જેવી બની છે. છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોચતુ નથી ત્યારે પશુધનને બચાવવા તેમજ પોતાના માટે પાણી લાવતા પશુપાલકોને ચોર ગણવા સાથે આકરા પગલા લેવા સૂચનાઓ આપી હતી. જોકે સુરતની આ મિટિંગમાં કેટલાક અધિકારીઓએ લાંબા સમયથી ઠપ્પ થયેલ યોજનાઓ તાકીદે શરૂ કરવાની માંગ કરતા તંત્ર પણ મૌન બની ગયું હતું. તો અધિકારીઓ પણ વિમાસણમાં મુકાઇ ગયા હતા કે મંત્રીશ્રીએ પાણી પહોચાડવા શું સૂચનાઓ આપી….?!
રાજ્યભરમાં પાણીનો પોકાર ઉઠ્યો છે તે એક સત્ય હકીકત છે. રાજ્યના 51 તાલુકાઓને સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલ છે પરંતુ ત્યાં કોઈપણ કાર્ય સરકારે શરૂ કરાવ્યા નથી. પશુધન માટે પાણી તો ઠીક પરંતુ ઘાસ આપવામાં પણ સરકાર પહોંચી શકી નથી. તો ગયા વર્ષે જે ઘાસ બહારના રાજ્યમાંથી ખરીદી લાવ્યા હતા તેવું જ ઘાસ ખરીદવાથી પશુપાલકો દૂર ભાગે છે કારણ કે ગયા વર્ષે આવુ ઘાસ ખાવાથી અનેક અબોલ જીવોના મૃત્યુ થયા હતા. જેથી સરકારે આવુ ઘાસ ખરીદવા માટે તથા ઘાસ ખાવાથી પશુઓના થતાં મોત બાબતેની જવાબદારી અધિકારીઓ ઉપર જ નાખવાની જરૂર છે તો જ બિન કેમિકલવાળું ઘાસ બીજા રાજ્યોમાંથી ખરીદતા વિચારશે બાકી તો….!!
બીજી તરફ રાજ્યના સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી, બોટાદ, રાજકોટ, મોરબી, અમરેલી,જીવાપર, જેવા અનેક વિસ્તારોમાં ત્રણ દિવસથી લઈને દશ દિવસે એક જ વાર પાણી આપવામાં આવે છે તો કચ્છના અનેક વિસ્તારોમાં પાણી માટે કફોડી હાલત બની રહી છે. અનેકોએ પશુધન સાથે હિજરત કરવી પડી છે. જોકે સિંચાઈ મંત્રી બાવળીયાએ પોતાના મત વિસ્તારમાં મુખ્ય મથકોએ પાણી મળી રહે તેવું આયોજન તંત્ર દ્વારા કરાવ્યું છે અને ટેન્કરો દ્વારા પાણી પહોંચાડાય છે. તો એજ હાલત મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટમાં પણ થઈ છે. અહીંયા ટેન્કરો દ્વારા પાણી અપાઈ રહ્યું છે પરંતુ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આવું આયોજન કરવામાં ઉણપ રહી છે.
આવા સમયે યાદ આવે છે કે સ્વ. મુખ્યમંત્રી અમરસિહ ચૌધરીએ ટ્રેન દ્વારા ટેન્કરોથી પાણી મંગાવી ને રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડ્યું હતું. ત્યારે આજની સરકાર આવું કેમ નહી વિચારતી હોય…!? એતો ઠીક વિપક્ષ કોંગ્રેસ પ્રજાકીય પ્રશ્નો માટે વિધાનસભામાં ભારે હોબાળા મચાવે છે અને જાહેરમાં પણ પ્રશ્નો ઉઠાવે છે ત્યારે આવા પાણીના સળગતા પ્રશ્ને તેના નેતાઓ મૌન છે તેવા સવાલ ઉઠવા પામ્યો છે.. લોકો સવાલ કરે છે કે પાણી પ્રશ્ને ભાજપા- કોંગ્રેસની વચ્ચે સાઠ ગાઠ કે સમજૂતી છે કે શું….? અત્યારે વધુ પ્રમાણમાં પરકોલેટ વેલ બનાવવા સરકારે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે. પરંતુ હા… જયા ચોમાસાના વરસાદી પાણી ભરાઈ જતા હોય ત્યાજ આ વેલ બનાવવા જરૂરી છે. બાકી તો ગત ઉનાળામાં રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચીને અને તળાવો ઊડા ઉતાર્યા છે, નદીની સફાઈ કરાવી છે, કેટલાક નવા તળાવો બનાવ્યા છે, તો કેનાલો પણ સાફ કરાવી છે ત્યારે સરકારે હવે વર્ષ દરમિયાન લોકોને-અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આયોજન કરવાની જરૂર છે જે એક હકીકત છે….

Print Friendly, PDF & Email