Home દેશ - NATIONAL પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ

64
0

વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર

હિંસાના સમયમાં આંખ મિંચીને બેસી રહી શકીએ નહીં, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરો : કલકત્તા હાઈકોર્ટ

(જી.એન.એસ) તા. 13

કોલકાતા,

રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કર્યા બાદ અમલમાં આવેલ વક્ફ સુધારા કાયદાનો દેશભરમાં અમલ શરૂ થઈ ગયો છે ત્યારે મુસ્લિમોએ વક્ફ કાયદાનો વિરોધ ચાલુ રાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં દેખાવો થયા હતા, જેમાં મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા હતા, જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી છે. હિંસક દેખાવો સામે લાલ આંખ કરતા કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે મુસ્લિમોને ખાતરી આપી હતી કે વક્ફ સુધારા કાયદાનો પશ્ચિમ બંગાળમાં અમલ નહીં થાય.

પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજ વિસ્તારમાં એક ઘરમાં પિતા-પુત્રના લોહીથી લથબથ મૃતદેહો મળ્યા હતા. તેમના શરીર પર અનેક જગ્યા પર ઈજાના નિશાન હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હિંસા કરનારા લોકોએ પિતા-પુત્રની હત્યા કરતા પહેલાં ઘરમાં લૂંટ ચલાવી હતી. 

બીજીબાજુ ધુલિયાનમાં પણ દેખાવો હિંસક બન્યા હતા, જેમાં હિંસા કરનારાઓએ અનેક ઘરોમાં લૂંટ ચલાવી હતી. વધુમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મુર્શિદાબાદના સૂતી અને શમસેરગંજ વિસ્તારોમાં મોટાપાયે હિંસા ફેલાઈ હતી.

જોકે, મુર્શિદાબાદમાં હિંસા ફેલાયા બાદ પોલીસે શનિવારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અનેક પ્રતિબંધો મૂકી દીધા હતા અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. આ સાથે પોલીસે ૧૧૮થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસીને વધુ લોકોની ધરપકડ કરી રહી છે. આ સિવાય અધિક પોલીસ મહાનિદેશક જાવેદ શમીમે કહ્યું કે સ્થાનિક પોલીસ ગોળીબારની ઘટનામાં સામેલ નહીં હોય. સંભવત: બીએસએફ તરફથી આ કાર્યવાહી કરાઈ હશે. 

બીજીબાજુ મુર્શિદાબાદમાં ફેલાયેલી હિંસા સામે કલકત્તા હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે શનિવારે મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક અસરથી કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવા આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં નેતા વિપક્ષ સુવેન્દુ અધિકારીએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષા દળો ગોઠવવાની માગ કરતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ સૌમેન સેન અને ન્યાયાધીશ રાજા બસુ ચૌધરીની વિશેષ બેન્ચે કહ્યું કે, હાઈકોર્ટ આવા સંજોગોમાં આંખ મિંચીને બેસી રહી શકે નહીં. મુર્શિદાબાદમાં શાંતિ પાછી લાવવી અને બધાનું રક્ષણ કરવું એ હાઈકોર્ટનો મુખ્ય આશય છે. હિંસા માટે દોષિત લોકોની તાત્કાલિક ઓળખ કરવામાં આવે તેમ પણ હાઈકોર્ટે કહ્યું હતું. સુનાવણી સમયે સુવેન્દુ અધિકારીના વકીલે કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ઘણી જ ગંભીર છે અને રાજ્ય સરકાર બીએસએફને કામ કરવા દેતી નથી. તેથી મુર્શિદાબાદમાં તાત્કાલિક કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાની જરૂર છે.

દરમિયાન મુર્શિદાબાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ ફેલાયેલી હિંસા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, તેઓ વક્ફ સુધારા કાયદાની તરફેણ નથી કરતા. પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા કાયદો લાગુ નહીં થાય. તો પછી રાજ્યમાં હિંસા શા માટે થાય છે? તેમણે લોકોને અપીલ કરી કે બધા જ ધર્મના લોકોને શાંત રહેવા મારી નમ્ર વિનંતી છે.