(જી.એન.એસ) તા. 15
IPL 2025મા રમી રહેલી પંજાબ કિંગ્સને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
પંજાબના કોચ જેમ્સ હોપ્સે સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી.
ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે આખી મેચ નહોતો રમી શક્યો અને ચાલુ મેચમાં જ બહાર જતો રહ્યો હતો. આ મેચમાં તેણે માત્ર બે જ બોલ ફેંક્યા હતા.
કોલકાતા સામેની મેચ પહેલા કોચ હોપ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘લોકી ફર્ગ્યુસન અનિશ્ચિત સમય માટે બહાર થઈ ગયો છે. સિઝનના અંતે તેની અમારી ટીમમાં વાપસીની શક્યતા ખૂબ જ ઓછી છે. મને લાગે છે કે તેને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે.’
પંજાબ કિંગ્સ ટીમ અત્યાર સુધીની આઈપીએલ સિઝન માં માત્ર એક જ વાર ફાઈનલ મેચ રમી છે અને તેમાં પણ તે કોલકાતા સામે હારી ગઈ હતી. ટીમ આ ફાઈનલ 2014માં રમી હતી. આ સિઝનમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે અને તેને ટાઈટલની દાવેદાર પણ માનવામાં આવી રહી છે.