Home હર્ષદ કામદાર દેશમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, રાજકોષીય ખાધ ઘટાડવા સરકાર...

દેશમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, રાજકોષીય ખાધ ઘટાડવા સરકાર વધારે વેરા નાખશે….?

224
0
SHARE

(જીએનએસ: હર્ષદ કામદાર)
દેશભરમાં સરકારી વિવિધ ક્ષેત્રમાં (જાહેર સાહસોનુ) કેન્દ્ર સરકાર ખાનગીકરણ કરવા તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. પરંતુ તેમાં સરકારને જોઈએ તેટલી ઝડપથી સફળતા મળતી નથી. રેલવેનુ વિશાળ નેટવર્ક છે જે દેશભરમાં પથરાયેલું છે. તેનું ખાનગીકરણ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે ત્યારે માત્ર 150 ટ્રેનો ખાનગી હાથોમાં ગઈ છે. તેનું કારણ છે કે રોકાણ કરનારા માલિકો સમજીને આગળ વધે છે. તેમાં પણ વધુ નફો મળવો જરૂરી છે. અને તેના કારણે મોટા શહેરોને જોડતી ટ્રેનો પુરતુ જ ખાનગીકરણ થયું છે. અને આવી ખાનગી ટ્રેનોના ભાડા વિમાની ભાડા જેવા હોય છે તેમાં કદાચ 2-5 ટકાનો ફેર હોઈ શકે. મોટા શહેરોને જોડતી ખાનગી ટ્રેનોને શહેરમાં વસતા શ્રીમંતો પ્રવાસી તરીકે મળે છે. પરંતુ ગ્રામ્ય સ્તરે મળવા અસંભવ છે. એટલા માટે રેલવેના ખાનગીકરણને ઓછો પ્રતિભાવ મળી રહ્યો છે….! સરકારની તિજોરીનુ તળિયું આવી ગયું છે અને સરકારને નાણાંની વધુ જરૂર છે. ત્યારે સરકારી સાહસો વેચી દેવા માટે સરકાર વધુ પ્રયાસો કરી રહી છે. સરકારની રાજકોષીય ખાધ વધી ગઈ છે અને બજેટ અંદાજના 115 ટકા ઉપર પહોંચી ગઇ છે. ત્યારે સરકારને વેરા વધાર્યા સિવાય નાણાની આવક થાય તેમ નથી. સરકારે બીપીસીએલ નો 53.30 ટકા હિસ્સો વેચવા માંગે છે. તેના કારણે રૂ 56,400 કરોડ મળી શકે છે. તો કોન્કોરનો હિસ્સો વેચવાથી રૂપિયા 10,700 કરોડ મળી શકે છે. પરંતુ વેચાણ માટેની પ્રક્રિયા લાંબો સમય લઈ લે તેમ છે એટલે કે ત્રણ મહિનાથી વધુ સમય લઈ લેશે. ખરીદનાર તેનો પૂરેપૂરો બધી રીતે અભ્યાસ કરે ત્યાર બાદ તે કરાર કરે. ત્યારે બીજી તરફ દેશમાં સીએએ- એનઆરસી મુદ્દે લોકવિરોધ થયો તેના પડઘા વિશ્વના અનેક દેશોમાં પડ્યા છે…. એટલે વિદેશી રોકાણ કરનારા તમામ સ્થિતી- સંજોગ બાબતે વિચારીને જ રોકાણ કરે તે સ્વાભાવિક છે. મતલબ આ કાયદાનો લોક વિરોધ થવાને લઈને દેશની આવક ઘટી ગઈ છે તે વાત સ્વીકારવી રહી….!
કેન્દ્ર સરકારે ટ્રેનોના ભાડા વધારવાનો નિર્ણય કર્યો તો ગેસની કિમતોમાં વધારો કર્યો. જેનાથી દિવસભરના લોકોમાં આક્રોશ ફરી વળ્યો છે. તો મોંઘવારીમાં કચડાતી આમ પ્રજાની પીઠ ઉપર વધુ એક ઝટકો પડ્યો છે. દેશમાં અનેક ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટી જવાને કારણે નિકાસને ફટકો પડ્યો છે. તેથી સરકારની આવક ઘટી છે. એટલા માટે કેન્દ્ર સરકારે પોતાની તિજોરી ભરવા નવા રસ્તા અપનાવવા પડશે. જો કે પ્રજા ઉપર ટેક્ષનું ભારણ વધે તેવા પગલાં ન ભરે તે અતિ જરૂરી છે. કારણ કે હવે પ્રજા વધુ કર બોજનો ભાર ખમી શકે તેમ નથી… સરકાર વિશ્વભરમાં ઉથલ પાથલને કારણે વિદેશમાં માંગ ઘટી હોવાનું કારણ આપે છે. પરંતુ ખરેખર જો ઘરેલુ સ્થિતિ ઉપર નજર રાખી સરકારે પોતાનો બચાવ કરવાની જરૂર છે….. બાકી દેશની પ્રજા સરકાર ને સારી રીતે સમજી ગઈ છે. હવે ખોટી વાતો કે બહાના બાજીને લોકો સમજી જાય છે……! માટે હવે ગાંધીજીએ બતાવેલા સત્ય માર્ગે સરકારે લોકોને સાચી હકીકતો બતાવવી જરૂરી છે. દેશમાં નોટબંધીની અસર સામાન્ય વર્ગને થઈ છે. પણ આ નોટ બંધીની અસર દેશ ભરના નાના- મધ્યમ વિવિધ ક્ષેત્રના ઉત્પાદનો કરતા કારખાના- એકમો તેની સાથે સંબંધિત વ્યાપાર- ધંધાઓ તમામને થઈ છે. મોટાભાગના આ બધા ઠપ થઈ ગયા છે. તો કરોડો લોકોએ રોજગારી ગુમાવી છે. પરિણામે ઉત્પાદનો અટકી ગયા છે. જે એક હકીકત છે…..! મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે સરકારે એ વાત સમજવાની જરૂર છે કે બજારમાં નાના ધંધા- વ્યાપાર, નાના-મધ્યમ કારખાનાઓને કારણે પૈસો ફરતો રહે છે. અને એ પૈસા વિવિધ મોટા ઉદ્યોગો-વેપાર-ધંધાને ધમધમતા કરે છે. પરંતુ સરકાર આ વાતને આજદિન સુધી સમજી શકી નથી…..! મતલબ અર્થતંત્રની સમજ ઓછી પડે છે તેમ કહીએ તો કદાચ ખોટું ન કહેવાય….!!
કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી કેન્દ્ર સરકાર અમેરિકાની નીતિ પર ચાલી રહી છે. અને તેની નીતિના અમલ કરવાને કારણે દેશમાં જે જે પગલા સરકારે ભર્યા કે જે કાર્યક્રમોનો અમલ કર્યો, નવા કાયદા બનાવ્યા તેના કારણે દેશભરના લોકો પરેશાન છે. મોદી સાથે સૌથી વધુ ધરોબો ધરાવે છે તે મોદી સરકારને જ ડોનાલ્ડ ટ્રમ્પે ઇનડાયરેક્ટ ભારતના મિત્ર દેશ ઈરાન ઉપર હુમલો કરીને ધબ્બો માર્યો છે. ઈરાન આપણને મોટા પાયે પેટ્રોલ-ડીઝલ આપે છે અને હવે ટ્રમ્પે એવી સ્થિતિ ઊભી કરી છે કે પેટ્રોલ ડીઝલ મોંઘું પડશે. તેમજ અછત ઊભી થશે, તો ચાની નિકાસ પણ ઘટી જશે. ટ્રમ્પે એવું બોલીને ધડાકો કર્યો છે કે બગદાદમાં અમેરિકાના રોકેટ હુમલામા મરાયેલા કાસીમ સુલેમાની દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો. પરંતુ હુમલા બાબતે કોઈ ચોક્કસ ઉલ્લેખ કર્યો નથી. અને આ કારણે કેન્દ્રની મોદી સરકાર મુઝવણમા મુકાઈ ગઈ છે. જોકે 2012 મા ઇઝરાયેલના ભારત ખાતેના સંરક્ષણ પ્રતિનિધિના પત્નીની કાર પર થયેલા હુમલાની વાત હોઈ શકે… અને છાપાઓમાં ઈરાનનો હાથ હોવાનો દાવો કરતા સમાચારો પ્રસિધ્ધ થયા હતા. પરંતુ ભારતે સત્તાવાર રીતે કશું કહ્યું ન હતું….જો કે કેટલાક રાજકીય પંડિતોનું કહેવું છે કે ટ્રમ્પ ભારતને ઈરાન સામેના યુદ્ધમાં ખેચવા માંગતા હોય તેમ લાગે છે…! છતાંય એક વાત ચોક્કસ કે મોદી સરકારને ટ્રમ્પે મુઝવણમા મૂકી દીધી છે….! એટલે મોદી સરકારે હવે વિચારવાનો-ચેતવાનો સમય આવી ગયો છે કે ટ્રમ્પ ઉપર કેટલો ભરોસો થઈ શકે….? કારણ મોંઘવારીમાં વધુ એક પેટ્રોલ- ડીઝલનિ ભાવો વધારવા પડશે. જે આમ પ્રજાને માટે અતિ મોંઘા બની રહેશે… અને તેના કારણે આમ પ્રજાના આક્રોશમાં વધારો થશે….!!

Print Friendly, PDF & Email