Home ગુજરાત દેશની અર્થવ્યવસ્થાનો દુશ્મન કોણ…..? દેશની જૂની પદ્ધતિનો અમલ સરકાર કરશે ખરી….?

દેશની અર્થવ્યવસ્થાનો દુશ્મન કોણ…..? દેશની જૂની પદ્ધતિનો અમલ સરકાર કરશે ખરી….?

SHARE

(જીએનએસ:હર્ષદ કામદાર)
દેશમાં મંદીએ અજગરનો ભરડો લીધો છે. દિવસે-દિવસે નાનામોટા કારખાના ઉદ્યોગો બંધ થવા લાગતાં દેશભરમાં અંદાજે બે કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે…..!! તો બજારોમાં વેપારીઓને પણ તેની અસર થઈ છે. ખરીદી કરનારા નહિવત થઈ ગયા છે પરિણામે વેપારીઓ દુકાન તો ખોલે છે પણ બોણી થતી નથી ઉપરાંત દુકાનમાં રાખેલ કર્મચારીઓના પગાર તો ચડતાજ રહે છે તેમજ ચા-પાણીના ખર્ચાઓ તો ખરાજ… ઘણી વાર બે-ત્રણ દિવસે બોણી થાય છે…..!! આ છે દેશમાં મંદીની અસર અને આ મંદીમા વિશ્વકક્ષાની મંદીની અસર ઓછી છે પરંતુ ભારતભરમાં તેની વધુ અસર છે…. તેની પાછળનું કારણ વિચાર્યા વગર કરેલી નોટ બંધી અને ત્યારબાદ અગમચેતી વગર- વિચાર્યા વગર જીએસટીનો અમલ. અને તેના પરિણામોમા ઉમેરો થયો છે જીડીપીના દરનો. કહેછે કે જીડીપી દર પાંચ ટકા પર આવી ગયો છે….. પરંતુ ખરેખર તો કદાચ સાવ તળીયે તેના દર પહોંચી ગયા લાગે છે…..!? કારણ બજારમાં જાવ તો મોટા ભાગે દુકાનદારો નવરાધૂપ બેઠેલા જોવા મળે છે. તો રિયલ માર્કેટમાં ખરીદનાર મળતા નથી. અન્ય ધંધા-રોજગારમાં પણ આવી સ્થિતિ સર્જાઇ છે….!
આવી પરિસ્થિતિમાં એક્ઝિટ બેંકના સીઈઓએ અર્થશાસ્ત્રીઓની વચ્ચે એક વાત કરી જે નોંધનીય છે. તમના કહેવા મુજબ વિશ્વના દેશોની અર્થવ્યવસ્થાનો જો કોઈ ખાસ દુશ્મન હોય તો એ છે દરરોજ સાયકલ ચલાવનારો….. કારણ ન તો તે કાર ખરીદે છે કે નથી મોટરબાઇક. જેથી તે આવા વાહન ખરીદવા લોન લેતો નથી, તેને વાહન રીપેરીંગ કે સર્વિસ કરવાની જરૂર પડતી નથી, તો પાર્કિંગનો સવાલ જ ઉભો થતો નથી…. સાયકલ ચલાવતો હોવાથી મોટાપો થતો નથી, તો બીમારી પણ દૂર રહે છે. તેથી ડોક્ટર પણ કાઈ કમાતો નથી, અને દવા પણ ખરીદતો નથી. કોઈ મોટી બીમારી નથી થતી તેથી હોસ્પિટલ જવુ પડતું નથી…..!! તો તે બહારનું ખાતો નથી, મતલબ તળેલી-ચટાકા સભર ખુલ્લી પડેલી વસ્તુઓ કે બીમાર થાય તેવો ખોરાક ખાતો નથી. હા ખાય છે જરૂર… પણ ઘરમા બનાવેલા રોટલા-રોટલી,શાક અને સાથે હોય છે છાસ,ડુગળી, મરચા કે દેશી ગોળ….કરે છે મહેનતનું કામ અને એ પણ પરસેવો પાડીને… જેથી તેનું જીડીપીમાં કોઈ યોગદાન નથી હોતું. હા જીડીપીમાં યોગદાન મોટા ઉદ્યોગ ગૃહો, મોટા ધંધાર્થીઓનુ રહે છે કે જ્યાં નાણાની લેતી-દેતી થાય છે…. અને આવા સાયકલ ચલાવનાર આ નાના- મોટા ઉદ્યોગ ગૃહોમાં નોકરી કરતા હોય છે….. પરંતુ માર્કેટમાં ખરીદારો મળતા ન હોવાથી આવા ઉદ્યોગોને મંદીની અસર થાય છે તે એક હકીકત છે.
અને આ બધી સ્થિતિમાં જીડીપી નો દર મેકડોનાલ્ડ જેવા રેસ્ટોરાઓ કે ભેળ સેળ યુક્ત ચીજવસ્તુઓ વેચનારને કારણે વધી શકે છે….. મેકડોનાલ્ડ અને તેના જેવા રેસ્ટોરા હજારો લોકો માટે વિવિધ શાખાઓ દ્વારા રોજગારીનું સર્જન કરે છે….! એક મેકડોનાલ્ડ રેસ્ટોરા 30 ઉપરાંત લોકોને માટે રોજગારીનું સર્જન કરે છે…. 10 હદય રોગ વિશેષજ્ઞ, 10 દાતોના ડોક્ટર, 10 વજન ઘટાડવા વાળા સ્પેશિયાલિસ્ટ, આ ઉપરાંત અન્ય રોગોના ડોક્ટર પણ ખરા… ઉપરાંત રેસ્ટોરન્ટમાં કામ કરતાં કર્મચારીઓ અલગ…. હવે તમે કોને પસંદ કરશો…..? સાઇકલ ચલાવવાવાળાને કે મેકડોનાલ્ડને…..? સરકારે મંદી દૂર કરવા દેશની વિવિધ જૂની પદ્ધતિ અને પ્રણાલિ નો અમલ કરવો જોઈએ ભારત ખેતીપ્રધાન દેશ છે ત્યારે પ્રથમ તેને પ્રાધાન્ય આપીને અન્ય નાના ઉદ્યોગો ધંધા તરફ ધ્યાન આપે, મજૂરોને કામ મળે તે માટે ગ્રામ્ય તંત્ર ઉપર ધ્યાન આપે… તો જ માર્કેટમાં નાણાં ફરતા થાય તો મંદી ઘટે અને જીડીપી નો દર વધે તે નિશ્ચિત છે…..પરંતુ મોટી યોજનાઓનો અમલ કરવાથી કે મોટા ઔદ્યોગિક એકમોને લોન આપવાથી મંદી નહી ઘટે…!!