Home જનક પુરોહિત ડો. આશાબહેને ભગવો ધારણ કરતા પહેલાં ડો. તેજશ્રીબહેનને પૂછવું જોઈતું હતું

ડો. આશાબહેને ભગવો ધારણ કરતા પહેલાં ડો. તેજશ્રીબહેનને પૂછવું જોઈતું હતું

490
0
SHARE

ઉંઝા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર બીજા પ્રયત્ને જીત મેળવનારા ડો. આશાબહેન પટેલે જીતને રગદોળી નાખી છે. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું તો આપ્યું , પરંતુ પછી ના ના કરતાં કરતાં એક અઠવાડિયામાં જ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે.
કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપે એ રાજીનામું ભાજપમાં જોડાવાની પૂર્વ શરત જેવું જ હોય છે. ડો. આશાબહેને કંઈ રાત્રે સપનું જોઇને સવારે રાજીનામું આપ્યું ન જ હોય. એકાદ મહિનાની વાટાઘાટો પછી જ ભાજપના મહામંત્રી કે.સી.પટેલને આટલા મોટા ઓપરેશનમાં સફળતા મળી હોય.
જયારે જયારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના ઓપરેશનો કરે છે , ત્યારે ઓપરેશનમાં દુઃખાવો ન થાય તે માટે પ્રલોભનોના ડોઝ આપવામાં આવે છે. આ પ્રલોભનોમાં રાદડિયા પિતા – પુત્ર જેવાં સફળ તો કોઈક જ રહે છે. બાકીના પસતાયા નો અનુભવ કરે છે. પરંતુ થપ્પડ મારીને મો લાલ રાખે છે.
સચિવાલય ખાતે વિરમગામના એક ભાજપી નેતા મળી ગયા. વાતચીતમાં ભાજપની ખરીદ પરખ અંગે વાત ચાલી. આ નેતાએ કહ્યું “ ઊંઝાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. આશાબહેન પટેલ અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલ એકબીજાને સારી રીતે જાણતા હશે. સારો પરિચય હશે જ. જો ડો. આશાબહેને ભાજપનો ભગવો ખેસ ધારણ કરતા પહેલાં ડો. તેજશ્રીબહેન નો સંપર્ક કરી સલાહ મશવરા કરી હોત તો આવો નિર્ણય લીધો ન હોત. કોંગ્રેસના નેતાઓથી નારાજ ડો. તેજશ્રી બહેન પટેલે આરોગ્ય મંત્રીના પ્રલોભનમાં દોરવાઈ જઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ સમયે જ નક્કી હતું કે ડો. તેજશ્રીબહેન પટેલ જે કારણો – પરિબળોથી જીત્ય હતા , એજ કારણો અને પરિબળો તેમને હરાવશે. ૨૦૧૨ ની ચુંટણીમાં પ્રાગજીભાઈ પટેલને હરાવવા ટીકીટના દાવેદારોએ તેજશ્રીબહેન ને જીતાડ્યા હતા. અને ૨૦૧૭ ની ચુંટણીમાં ફરી ડો. તેજશ્રી બહેનને ભાજપના ટીકીટના દાવેદારોએ હરાવી કોંગ્રેસના લાખાભાઈ ભરવાડને જીતાડ્યા. હવે આજ ઘટનાનું ઉંઝા માં પુનરાવર્તન થશે. ઉચા સ્વાદના પ્રલોભને ભાજપમાં જોડાયેલા ડો. આશા બહેનને કોઈ પણ ચુંટણી જીતવામાં ભાજપના જ જૂથોનો સામનો કરવો પડશે. ગત ચુંટણીમાં ધરાર ટિકિટ લેનારા ભાજપના નારણકાકાને હરાવવા ભાજપમાંથી જ ષડયંત્રો રચાયા હતા અને આશાબહેન જીત્ય હતા. હવે આશા બહેન સામે આ જ પ્રકારની રીત રસમો શરુ થશે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાઓના ઈતિહાસ તપાસો તમામને પ્રલોભનોનો નશો ઉતરી ગયો છે અને દુઃખાવો શરુ થઇ ગયો છે. હવે જયેશ રાદડિયાને પોરબંદર લોકસભા બેઠક લડાવી છે. જોઈએ તેમની ઈચ્છાને આપણા નરેન્દ્રભાઈ વશ થાય છે કે તેમને નારાજ કરે છે.”
પ્રિયંકા ગાંધીના લખનૌવી રોડ શો એ શાસક – વિપક્ષની તકલીફ વધારી દીધી
સક્રિય રાજકારણમાં ગાંધી પરિવારના હુકમના એક્કા સમાન પ્રિયંકા વાડરા (ગાંધી) ના પ્રવેશ સાથે લોકસભાની ચુંટણી રસપ્રદ બની ગઈ છે. દેશના સહુથી વધુ લોકસભા બેઠકો વાળા મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ગત ચુંટણીમાં ભાજપને ૮૦ પૈકી ૭૩ બેઠકો મળી હતી. કોંગ્રેસને માત્ર ૨ બેઠકો મળી હતી. ૨૦૧૯ ની ચુંટણી માટે વિપક્ષોની એકતા એક મજબુત=રિ છે. જેથી ઉત્તરપ્રદેશના બે પ્રભાવી પક્ષો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ( સપા – બસપા ) ફોઈ અને ભત્રીજા , માયાવતી અને અખિલેશે જોડાણ કરી લીધું. કોંગ્રેસને સાથે રાખવાથી નુકસાન થાય છે , એવું અખિલેશ યાદવે ભૂતકાળના અનુભવના આધારે કહ્યું હતું.
પરંતુ તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ ખાતે ૧૫ કિ.મિ લાંબી પ્રિયંકા ગાંધીના રોડ શો પછી દેશની પ્રજાએ પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતાની ઝાંખી નિહાળી. કોંગ્રેસથી અંતર રાખવાનું મન બનાવી ચુકેલા વિપક્ષી પાર્ટીઓ બસપા – સપા ને પુનઃ વિચાર કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જયારે ભાજપને યુ.પી.માં વધુ ઓપરેશનો કરવા પડશે એવું ચિત્ર નિર્માણ થયું છે.જયારે નિરાશામાં ધકેલાઈ ગયેલા યુ.પી.ના કોંગ્રેસી ખેમામાં પ્રાણ ફૂંકાયા છે. સૌ કોઈ કાર્યકરો અને નેતાઓને પ્રિયંકા ગાંધીના કારણે જીત દેખાઈ રહી છે. જેથી ઉત્સાહનું ઘોડાપુર રેલીમાં જોવા મળ્યું. જોઈએ હવે ઉમેદવારોની યાદીઓ જાહેર થયા પછી ખબર પડે કે વિપક્ષો ભાજપ સામે લડવા તૈયાર છેકે આપસમાં લડીને પુરા થવાની તૈયારી કરી લીધી છે.
ગુજરાતના ત્રણ યુવાનેતા એ લોકસભા લડીને પુરા થવા તૈયારી કરી છે
ગુજરાતમાં સંજોગોએ જેમને મોટા નેતા બનાવ્યા છે , એવા જીગ્નેશ મેવાણી , હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હવે લોકસભાની ચુંટણી લડવા તૈયાર થયા છે. સતત વિવાદો થી ઘેરાયેલા રહી , વિવાદોથી પ્રચાર માધ્યમોમાં રહી મોટા થયેલા આ નેતાઓ હવે લોકસભાની ચુંટણી લડીને પુરા થવા જઈ રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં એ ખાસિયત રહી છે કે આચાનક જ પ્રકાશિત થયેલા નેતાઓ નો બહુ ઝડપથી અસ્ત આવે છે. જીગ્નેશ મેવાણી કોઈ પક્ષમાં જોડાયા નથી છતાં કોંગ્રેસની તાકાત ઉપર વિધાનસભાની ચુંટણી લડી ને જીત્યા છે. અલ્પેશ ઠાકોર ઘણા વર્ષોથી ઠાકોર સેના ચલાવે છે. પરંતુ તેમને પાટીદાર આંદોલન પછી જ મહત્વ મળ્યું છે. અને તેના કારણે જ રાહુલ ગાંધી સાથે નિકટતા વધી અને ધારાસભ્ય બન્યા છે. પરંતુ માત્ર રાહુલ ગાંધીને જ પોતાના નેતા માનતા અલ્પેશ ઠાકોર ગુજરાત કોંગ્રેસમાં સતત વિવાદમાં રહ્યા , તેમના અંગે હાઈકમાન્ડ સમક્ષ રજુઆતો થઇ અને ભાજપમાં જોડવા અંગે સતત સમાચારોમાં રહ્યા. આખરે અલ્પેશ જેમને પોતાના નેતા મને છે , એ હાઈકમાન્ડ રાહુલ ગાંધીએ જ અલ્પેશને સાનમાં સમજાવી દીધાં છે. હવે જો તેઓ બનાસકાઠા કે પાટણ થી ચુંટણી લડવાની જીદ કરશે અને ભાજપ અથવા કોંગ્રેસની ટિકિટ પરથી લડશે તો બંને પક્ષના વિરોધીઓ તેમને સફળ થવા દેશે નહિ.
આવી જ સ્થિતિ જીગ્નેશ ની છે. તેમને કચ્છની અનામત બેઠક પરથી લડવું છે. એ હકીકત છેકે કચ્છમાં કોંગ્રેસ પાસે લોકસભા લડી શકે અને જીતી શકે એવો કોઈ કાર્યકર નથી. ગત ચુંટણીમાં પણ જામનગરના દિનેશ પરમાર કચ્છ લડવા ગયા હતા અને હાર્યા હતા. આ સ્થિતિમાં જો જીગ્નેશ કચ્છ લોકસભા લડવા જશે , તો ભાજપ ઉપારાંત કોંગ્રેસના કાર્યકરો પણ હરાવવા માટે કામે લાગશે. અને હાર્યા પછી ગ્રાફ નીચે આવી જશે.
હાર્દિક પટેલ પણ હવે ચુંટણી લડવા તૈયાર થઇ ગયો છે. તેમનું નામ અમરેલી બેઠક પર ચર્ચાઈ રહ્યું છે. અમરેલી લોકસભા બેઠક લેઉવા પટેલ પ્રભાવિત છે. જયારે હાર્દિક પટેલ કડવા પટેલ છે. અમરેલી જિલ્લાના લેઉવા પટેલ મતદારો જો ભાજપના કડવા પટેલ નેતા પુરુષોત્તમ રૂપાલાને સ્વીકારતા ન હોય , તો હાર્દિકને કઈ રીતે સ્વીકારશે. ઉપરાંત વીરજી ઠુંમરે આ બેઠક માટે પોતાની પુત્રી કે જેઓ જીલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે , તેમના માટે માગી છે. આવા સંજોગોમાં જો હાર્દિક કોંગ્રેસના સમર્થનથી ચુંટણી લડે , તો પરાજય નિશ્ચિત છે.
આમ ત્રણે નેતાઓ લોકસભા ચુંટણી લડીને આપઘાતના માર્ગે જવા ઉત્સુક હોય એવું દેખાઈ રહ્યું છે.

Print Friendly, PDF & Email