Home ગુજરાત ડેડિયાપાડામાં બે વર્ષથી તૈયાર થયેલ સિવિલ હોસ્પિટલ ધૂળ ખાય છે

ડેડિયાપાડામાં બે વર્ષથી તૈયાર થયેલ સિવિલ હોસ્પિટલ ધૂળ ખાય છે

39
0

(GNS NEWS)

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના આદિવાસી બાહુંલ્ય ધરાવતા ડેડીયાપાડા ખાતે ચાર વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરેલી અને બે વર્ષથી તૈયાર થઈ ગયેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કેટલાક સમયથી અટવાયું છે. બે માળની અદ્યતન સુવિધાઓ સાથે બનેલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગના લોકાર્પણ માટે જાણે તંત્રને કોઈ શુભમુહૂર્ત ન મળતું હોય એવું લાગી રહ્યું છે. 305 જેટલા ગામોની અંદાજીત સાડા ત્રણ લાખ જેટલી વસ્તી ધરાવતાં ડેડીયાપાડા તાલુકામાં લોકોને આરોગ્યની સુખાકારી માટે નવી અદ્યતન સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ બનાવવામાં આવી છે. આ અદ્યતન બિલ્ડિંગમાં અંદાજીત બે કરોડના ખર્ચે અદ્યતન સાધનો પણ મુકવામાં આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તેનો વિધિવત લોકાર્પણ ન થતાં લોકોને તેનો ફાયદો મળી રહ્યો નથી.અદ્યતન સાધનો જેવા કે એક્સ રે મશીન, અદ્યતન લેબોરેટરી, અદ્યતન બેડ વગેરે જેવી સુવિધા હોસ્પિટલમાં આપવામાં તો આવી છે. પરંતુ આ સાધનોને ચલાવવા માટે યોગ્ય તાલીમબદ્ધ ટેક્નિશિયનની ભરતી ન કરાતાં આ સાધનો હાલ તો ધૂળ ખાતા નજરે પડે છે. તો બીજી બાજુ અધિક્ષક વર્ગ -1 અને વર્ગ -2 સહિતના તજજ્ઞ ડોકટર તેમજ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે. પૂરતા ડોક્ટરો તેમજ સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપળા કે ઝઘડીયા રીફર કરી દેવામાં આવે છે.અકસ્માતના કિસ્સામાં એક્સ રે કઢાવવા માટે દર્દીઓને અંકેલેશ્વર કે સુરત જેવા શહેરોમાં જવું પડે છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવતાં આદિવાસી લોકોને મોંઘી ફી પોસાય એમ નથી. ત્યારે સરકાર દ્વારા ગરીબ વર્ગ સુધી પહોંચાડવામાં આવતી સેવાઓ જલ્દી તેમને ઉપલબ્ધ થાય તે જરૂરી છે. નવા સિવિલ હોસ્પિટલનું વિધિવત લોકાર્પણ જલ્દી થાય તેમજ તેમાં ખૂટતા સ્ટાફની જગ્યાઓ જલ્દી ભરવામાં આવે તેવી માગ ઉઠી છે.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટાયા બાદ નવમા દિવસે જ તેમના દ્વારા ડેડિયાપાડા સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં તેમણે તંત્રને ચેતવણી આપી હતી કે એક મહિનામાં નવા સિવિલ હોસ્પિટલમાં સુવિધા ન અપાય અને પૂરતો સ્ટાફ ભરવામાં ન આવે તો સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવામાં આવશે. તેમજ નવ નિર્મિત સરકારી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ એક મહિનામાં ન થાય તો પ્રજાના તમામ પક્ષના પ્રતિનિધિઓને બોલાવી સાથે લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ધારાસભ્યની ચીમકીની પણ તંત્રને કોઈ જ અસર ન થઇ હોય એમ લાગી રહ્યું છે.હાલમાં ચાલતી 50 બેડની જૂની સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક વર્ગ – 1 ના કુલ 6 સહિત અન્ય સ્ટાફ મળી કુલ 12 જેટલા સ્ટાફની જગ્યા ખાલી છે. જ્યારે નવી હોસ્પિટલ શરૂ થાય તો 100 બેડની નવી સિવિલ હોસ્પિટલ માટે 7 જેટલા વર્ગ – 1 નાં નિષ્ણાંત ડોક્ટરો, 5 જેટલા વર્ગ- 2 ના નિષ્ણાંત ડોક્ટરો તેમજ 35 જેટલી વર્ગ – 3 માટેની જગ્યાઓ હાલ ખાલી છે. આ ઉપરાંત સ્વીપર સ્ટાફ તેમજ સિકયુરિટી સ્ટાફની જગ્યાઓ પણ ખાલી છે. આ તમામ સ્ટાફની જગ્યાઓ ભરવામાં આવે તો સામાન્ય લોકોને નવી હોસ્પિટલની તમામ સેવાઓનો લાભ મળી રહે એમ છે.ગંભીર કિસ્સામાં દર્દીને સુરત, ભરૂચ કે રાજપીપળા રીફર કરી દેવાય છે: ફુલસિંગ વસાવા (સામાજિક આગેવાન)પ્રસુતિના અમુક ગંભીર કેસો માટે પૂરતી સગવડ અને ડોક્ટર ન હોવાને કારણે ઝઘડિયા કે રાજપીપળા દર્દીને રીફર કરી દેવામાં આવે છે. જેને કારણે જન્મ લેનાર બાળક કે સગર્ભા માતાના રસ્તામાં જ મોત થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. વાહન અકસ્માત ગંભીર રીતે ઘાયલ થયેલાને પૂરતી સાધનો તેમજ સેવાઓ ન હોવાને કારણે સુરત કે વડોદરા રીફર કરી દેવામાં આવે છે. જેને કારણે રસ્તામાં મોતના કિસ્સાઓ વધતા જાય છે. શહેરોમાં મોંઘી દવા અને સારવાર માટે પૈસા ખર્ચવા પડે છે. જલ્દીથી બધી સુવિધાઓ ઘર આંગણે તાલુકા મથકે મળી રહે તો સારું.

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજસ્થાન હાઇપ્રોફાઈલ વેડિંગ ડેસ્ટિનેશન બન્યું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીના લગ્ન પ્રખ્યાત કિલ્લામાં યોજાશે
Next articleનડિયાદ વોર્ડ નં-6માં 15-15 દિવસ સુધી સફાઈનો અભાવ જોતા મ્યુ.કાઉન્સીલર રોષે ભરાયા