રો-રો ફેરી મારફતે ફરી એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ
(જી.એન.એસ) તા. 15
હજીરા,
હજીરા પોલીસ દ્વારા રો-રો ફેરી મારફતે ફરી એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં, એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો સંતાડીને લઈ જતાં બે લોકોને પોલીસ ઝડપી પડયા હતા. બાતમીને આધારે પોલીસે 1 લાખના દારૂ સાથે 18 લાખનો દારૂ જપ્ત કર્યો છે.
હજીરા પોલીસને બાતમી મળી હતી કે, સુરતથી ગેરકાયદે રીતે દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. જેથી પોલીસે રો-રો ફેરી ખાતે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન સ્ક્રેપ ભરેલા ટ્રકમાં ગુપ્ત રીતે વિદેશી સંતાડેલી વિદેશી દારૂની 113 બોટલો મળી હતી. જેની કિંમત 1 લાખથી વધુ આંકવામાં આવી હતી. જ્યારે ટ્રકની કિંમત 7 લાખથી વધુ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત 16.ટન સ્ક્રેપ સહિત 18 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20 લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી હતી.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો, બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી.