Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીશ્રીઓએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં...

ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીશ્રીઓએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન-અર્ચન કર્યા

42
0

(G.N.S) dt. 2

ગાંધીનગર/અયોધ્યા,

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યાના રામમંદિરમાં અમૃતકાળમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ

• ગુજરાત સરકારે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે આ વર્ષના બજેટમાં રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે. કુલ રૂ. ૫૦ કરોડનું આયોજન છે.

• ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌરવશાળી અવસર છે.

• રામમંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્‍દ્ર બન્યું છે.

• મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓના સ્વાસ્થ્ય સુખાકારીની પ્રભુ શ્રી રામના ચરણોમાં વાંછના કરી – વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સતત વિકાસની નવી ઊંચાઇઓ પ્રભુ શ્રી રામની કૃપાથી સર કરતું રહે તેવા આશિષ માંગ્યા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને વિધાનસભા અધ્યક્ષશ્રી, મુખ્ય દંડકશ્રી સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શીશ ઝુકાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે તેનું શ્રેય શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને જાય છે. મુખ્યમંત્રીશ્રીએ અયોધ્યા રામમંદિરમાં દર્શન-પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકીક પ્રાણ પ્રતિષ્ઠા એ દેશમાં નવા કાલચક્રના ઉદભવનો ઉદઘોષ છે. એટલું જ નહીં, આવનારા હજારો વર્ષોમાં રામરાજ્યની સ્થાપનાનાં સંકલ્પ સાથે ભારતની દ્રષ્ટીનું, દર્શનનું અને દિગ્દર્શનનું મંદિર આ રામમંદિર બન્યું છે. સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રનાં નવ જાગરણનું મંદિર છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ કહું કે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રર્થના કરી છે કે, ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઉંચાઇઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું કે, દરેક હિન્‍દુનો સંકલ્પ હતો કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જ જોઈએ. પ્રભુ શ્રી રામજીની કૃપાથી આવા ઐતિહાસિક મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા બન્ને પવિત્ર કાર્યનું સૌભાગ્ય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે, ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે રામમંદિર નિર્માણ માટેનો નિર્ણય આપીને મંદિર નિર્માણમાં સદીઓથી ચાલી આવતા વિઘ્નો દૂર કરી દીધા અને વડાપ્રધાનશ્રીનાં નેતૃત્વની કેન્‍દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચના કરીને ત્વરીત ગતિથી મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ કરાવ્યું તેના પરિણામ સ્વરૂપે આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. શ્રી ભૂપેન્‍દ્ર પટેલે ૨૨મી જાન્યુઆરીને દરેક ભારતીય અને દુનિયાભરમાં વસેલા રામભક્તો માટે એક પવિત્ર અવસર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અનેક પેઢીઓએ સેંકડો વર્ષો સુધી પોતાના હૃદયમાં સેવેલો સંકલ્પ વડાપ્રધાનશ્રીનાં નેતૃત્વમાં એવા સમયે સિદ્ધ થયો છે જ્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યો પ્રાપ્ત કરવાની દિશામાં અગ્રેસર છે. મુખ્યમંત્રીશ્રીએ રામમંદિરનું નિર્માણ અને રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા ગુજરાત અને ગુજરાતીઓ માટે વિશેષ અને અત્યંત ગૌરવશાળી અવસર ગણાવતાં જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્તે થયેલી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી આ મંદિર રાષ્ટ્રીય ચેતના અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધીનું પ્રતિબિંબ બની ગયું છે. રામમંદિરનાં દર્શને આવતાં રાજ્યના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યામાં ઉત્તરપ્રદેશ સરકારે આપેલી જમીન પર ગુજરાત યાત્રી ભવનનાં નિર્માણ માટે ગુજરાત સરકારે આ વર્ષનાં બજેટમાં રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે અને કુલ રૂ. ૫૦ કરોડનું આયોજન છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રામલલ્લાનાં દર્શને આવનારા ગુજરાતભરનાં યાત્રિકોને સરળતાએ આવાસ સુવિધા પૂરી પાડવા આ યાત્રી ભવનનું નિર્માણ થવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રામમંદિર નિર્માણથી ભારતને વિશ્વગૌરવ અપાવનારા વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતા અભિનંદન પ્રસ્તાવ ગુજરાતની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓએ કર્યા છે અને ભારતને રામમય બનાવવા માટે તેમનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશભરમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શનનો લ્હાવો લેવા અયોધ્યા આવે છે. ગુજરાતમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા રમલ્લા ના દર્શને આવતા યાત્રાળુઓને જે સુવિધાઓ મળી રહી છે તે માટે મુખ્યમંત્રીશ્રી એ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફેબ્રુઆરી 2024 દરમિયાન ₹1,68,337 કરોડની ગ્રોસ જીએસટી આવક એકઠી થઈ હતી. 12.5 ટકાની વર્ષ-દર-વર્ષ (વાય-ઓ-વાય)ની વૃદ્ધિનો રેકોર્ડ
Next articleગુજરાત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓને ભેટ રૂપે ઐતિહાસિક પ્રતિકૃતિ વાળું પેઇન્ટિંગ ગુજરાત અર્પણ કર્યું