ચાર દિવસમાં રાજ્યના ૨૫ લાખથી વધુ લોકોએ આ અભિયાનમાં જોડાઈને કુલ ૨૭ લાખથી વધુ કલાકનું શ્રમદાન કર્યું
રાજ્યભરમાં ૧ લાખ કિ.ગ્રા જેટલો કચરો અને ૬૦ હજાર કિ.ગ્રાથી વધુ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો સુયોગ્ય નિકાલ કરાયો
૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છતા લક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને રૂ. ૧૦ લાખથી રૂ. ૧ કરોડ સુધીના રોકડ પુરસ્કાર અપાશે
“સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન”
(જી.એન.એસ)તા.૨૧
નવી દિલ્હી,
૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો શુભારંભ થયો છે. ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગરના છત્રાલ ગામ ખાતે શ્રમદાન કરીને આ અભિયાનને વેગ આપ્યો છે.
ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન માત્ર ચાર જ દિવસમાં જન આંદોલનમાં પરિવર્તિત થયું છે. આ અંગે વિગતો આપતા ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, માત્ર ચાર જ દિવસમાં રાજ્યના આશરે ૨૫ લાખથી વધુ લોકોએ આ અભિયાનમાં જોડાઈને કુલ ૨૭ લાખથી વધુ કલાકનું શ્રમદાન કર્યું છે. તા. ૧૭ થી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાંથી ૧ લાખ કિ.ગ્રાથી વધારે કચરો અને એમાં પણ આશરે ૬૦ હજાર કિ.ગ્રાથી વધુ સિંગલ-યુઝ પ્લાસ્ટિક એકત્રિત કરીને તેનો સુયોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સ્વચ્છતા સાથે સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપવા આ અભિયાન અંતર્ગત ચાર દિવસમાં ૬,૫૦૦થી વધુ યોગા કેમ્પનું પણ આયોજન કરાયું છે.
ઝુંબેશમાં ૧.૭૮ લાખ સ્વયંસેવકો જોડાયા
એટલું જ નહિ, રાજ્યમાં ચાર દિવસ દરમિયાન ૬,૪૭૭ CTU એટલે કે, સ્વચ્છતા લક્ષીત એકમો તેમજ ૧,૮૦૦થી વધુ જળ સંસ્થાનોની સફાઈ કરીને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવ્યા છે. સાથે જ ૪,૩૮૭ સ્થળોને જંતુમુક્ત અને ડિફોગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૬,૦૦૦થી વધુ ડોર-ટુ-ડોર અવેરનેસ કેમ્પનું આયોજન કરીને ૫,૦૦,૦૦૦થી વધુ ઘરોને તેમાં આવરી લઇ ભીના અને સૂકા કચરાનું સોર્ટીંગ કરીને તેનો યોગ્ય નિકાલ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. સ્વચ્છતા માટેની આ ઝુંબેશમાં રાજ્યના ૨.૫૨ લાખથી વધુ યુવા સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈ છે, જ્યારે ૭૪,૦૦૦થી વધુ સફાઈ કામદારો પણ આ ઝુંબેશમાં જોડાઈને અભિયાનને વેગવંતુ બનાવી રહ્યા છે.
રૂ. ૭૧.૮૦ કરોડના કુલ ૨૨૨ પુરસ્કાર અપાશે
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, ૨ ઓકટોબરે “સ્વચ્છ ભારત દિવસ”ની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા સંબંધી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામને પુરસ્કૃત કરવામાં આવશે. રાજ્ય કક્ષાએથી અપાનાર ૨૪ એવોર્ડમાં રોકડ પુરસ્કાર તરીકે રાજ્યના શ્રેષ્ઠ ત્રણ જિલ્લોઓને અનુક્રમે રૂ. ૧૦૦ લાખ, રૂ. ૭૫ લાખ અને રૂ. ૫૦ લાખની રકમ આપવામાં આવશે. જ્યારે શ્રેષ્ઠ છ તાલુકાઓને તાલુકા દીઠ રૂ. ૫૦ લાખ અને શ્રેષ્ઠ પંદર ગામોને ગામ દીઠ રૂ. ૧૫ લાખની રકમ આપવામાં આવશે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી અપાનાર ૧૯૮ એવોર્ડમાં રોકડ પુરસ્કાર તરીકે જિલ્લાના શ્રેષ્ઠ એક તાલુકાને રૂ. ૩૦ લાખની રકમ આપવામાં આવશે. જ્યારે, જિલ્લા દીઠ શ્રેષ્ઠ પાંચ ગામોને ગામ દીઠ રૂ. ૧૦ લાખની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આમ, રાજ્યભરમાં રૂ. ૭૧.૮૦ કરોડના કુલ ૨૨૨ પુરસ્કાર થકી સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા, તાલુકા અને ગામોને સન્માનિત કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં યોજાનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
તદુપરાંત, આ અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે સાંસ્કૃતિક ઉત્સવ, શ્રમ દાન દિવસ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન, શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી, સ્વચ્છ સેલ્ફી સ્ટેશન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ ગલીયા, કચરે સે કંચન વર્કશોપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન, સ્વચ્છતા સંવાદ તેમજ સ્વચ્છ કલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન તમામ સફાઈ કર્મચારીઓ તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.