Home ગુજરાત ગુજરાતમાં પરિવર્તન….દિલ્હીમાં ચિંતન-મંથન અને નવા નામને લઇને માથાકૂટ…?

ગુજરાતમાં પરિવર્તન….દિલ્હીમાં ચિંતન-મંથન અને નવા નામને લઇને માથાકૂટ…?

822
0
SHARE
99 સુધી આંકડો પહોંચાડીને સત્તા અપવાનાર માને છે કે આખી સરકાર જ બદલવાની છે…
એક જૂથ માને છે- રૂપાણીને ચાલુ રાખો બાકી કા હમ દેખ લેંગે…
2017માં ભાજપને રૂપાણીના ભરોસે માંડ માંડ 99 બેઠકો મળી હતી…
કોઇએ કલ્પના કરી હતી કે 17 વર્ષે ફરી ચીમનભાઇ પટેલ ફરી સીએમ થશે…?
નમો સિવાય ભાજપના કોઇ મુખ્યમંત્રીએ પાંચ વર્ષ બંગલા નં.26માં વિતાવ્યા નથી, પરિવર્તન….
સફેદ વસ્ત્રધારીને રાજ્યપાલ બનીને 64 વર્ષે રાજકિય કારકીર્દી ખતમ કરવી નથી…!

(જીએનએસ, પ્રવિણ ઘમંડે)
1995ની ગુજરાત વિધાનસસભા ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવવા માટે પરિવર્તન નહીં કે પુનરાવર્તન..નું અનોખુ સૂત્ર આપ્યું હતું અને થયું પણ એવું જ કે પરિવર્તન થયું અને કોંગ્રેસના સ્થાને ભાજપની સત્તા આવી. ત્યારથી ગાંઘીનગરની ગાદી પર ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્રભાઇ મોદી સિવાય કોઇએ સત્તાના પાંચ વર્ષ પૂરા કર્યા નથી. ના, નહીં જ. કેશુભાઇ, સુરેશ મહેતા, ફરીથી કેશુભાઇ, પછી નરેન્દ્રભાઇ(13 વર્ષ રાજ કર્યું) પછી આનંદીબેન પટેલ (ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરી હતી) તેમના પછી સફેદ વસ્ત્રધારી નીતિન પટેલના હાથમાંથી લાડુ લઇને વિજય રૂપાણીના મુખમાં મૂકાયો. 2017 પછી ફરીથી રૂપાણી અને 2022માં વિધાનસભાની ચૂંટણીઓ રૂપાણીના નેતૃત્વમાં લડાશે તેની કોઇ ગેરંટી ભાજપમાં આપવા તૈયાર નથી. કેમ કે તેઓ પેલા સૂત્રમાં માને છે- પરિવર્તન ….!
સંગઠનમાં પરિવર્તન થયું અને સફેદવસ્ત્રધારી સુરતીલાલા, આમ તો મરાઠીભાઉ કહી શકાય એવા સીઆરપી-107ને આગામી ચૂંટણીઓની જવાબદારી સોંપવામાં આવી. નખ વગરના વાઘાણી ગયા. અને હવે સંગઠનની બેઠકોમાં સીઆરપીની સાથે સીએમ તરીકે કોણ હશે તેની અટકળો વળી પાછી શરૂ થઇ છે.
સંગઠનની નવી જવાબદારી સંભાળ્યા બાદ સીઆર પાટિલ વડાપ્રધાન નરેન્દ્રભાઇની ઔપચારિક મુલાકાત લેવા દિલ્હી પહોંચ્યા હતા. ભાજપના સૂત્રો કહે છે કે પાટિલ પીએમને મળ્યા બાદ સંગઠનમાં હાઇકમાન્ડને મળીને તેમણે સંગઠનની સાથે સરકારમાં પણ પરિવર્તન માટે કેટલાક ફેરફારોની યાદી મૂકી ત્યારે કહેવાય છે કે હાઇકમાન્ડે તેમને એમ કહ્યું હોવાનું મનાય છે કે કેટલાક મંત્રીઓ જ નહીં પણ સીએમ સહિત આખી સરકાર જ બદલવાની છે, એટલે થોભો અને રાહ જુઓ.
બીજી તરફ સેકન્ડ નંબર જુથ એમ આગ્રહ રાખે છે કે રૂપાણીજીને ચાલુ રાખીએ, કેટલાક મંત્રીઓના સ્થાને નવા ચહેરા લાવીએ, બાકીનું અમે સંભાળી લઇશું…! આમ એક જુથ નવી સીએમનો આગ્રહ રાખે છે તો બીજુ જુથ રૂપાણી ભલે રહ્યાં, પાટિલ છે સંભાળી લેશે..એવો વિશ્વાસ આપે છે. પરંતુ સીએમ બદલવાની વાત કરનાર જુથને ખબર છે કે 2017માં ભાજપને રૂપાણીના ભરોસે માંડ માંડ 99 બેઠકો કઇ રીતે મળી હતી. સુરતની તમામ 16 બેઠકો ન મળી હોત તો રૂપાણી વિપક્ષના નેતાપદે બિરાજતા હોત એ પણ આ જુથ જાણે છે. તેથી તેઓ 2024માં ફરીથી 99 નહીં પણ અગાઉની જેમ 121, 125 એટલી બેઠકો માટે પરિવર્તનનો આગ્રહ રાખી રહ્યાં છે.
સૂત્રોના મતે પાટીદાર પરિબળમાં પાટિલની સાથે પોતાની સરખામણી કરનાર અન્ય સફેદ વસ્ત્રધારી નીતિન પટેલને આનંદીબેન પટેલની જેમ કહેવાય છે કે રાજ્યપાલની ઓફર કરવામાં આવી પરંતુ 64 વર્ષની વયે તેઓ પોતાની રાજકિય કારકીર્દી આથમવા દેવાને બદલે વળી નશીબ આડેથી પાંદડુ ખસે તો ગુજરાતના નાથ બનવાની તક મળે એવા સપનાઓ જોઇ રહ્યાં છે. અને એવા સપના જોવામાં કાંઇ ખોટુ નથી. આખરે તો પરિવર્તન…ભાજપનો મંત્ર છે…. અને સચિન પાયલટની જે મહત્વાકાંક્ષા રાખવામાં ખોટુ શું છે…!! આનંદીબેનના રાજીનામા પછી હાથમાંથી લઇ લેવાયેલો સીએમરૂપી લાડવો ફરીથી મળી જાય….કેમ કે આ ગુજરાતનું રાજકારણ છે. ક્યારે શું બને કહેવાય નહીં. કોણે કલ્પના કરી હતી કે શંકરસિંહબાપુ બળવો કરશે અને પોતાના ધારાસભ્યોને લઇને રાતોરાત વિમાનમાં ઉડી જશે….આ રિસોર્ટ પોલીટીક્સનો પાયો લાગે છે કે 1995માં ગુજરાતે જ નાંખ્યો છે…!!
કોણે કલ્પના કરી હતી કે વાલીઓ પોતાના છોકરાનું નામ ચીમન રાખતાં અચકાતા હતા તે ચીમનભાઇ પટેલ 17 વર્ષ બાદ 1990માં વટભેર ફરીથી ગુજરાતના નાથ બનશે…કોણે કલ્પના કરી હતી કે એમના જ સાથી નરહરિ અમીન ભાજપમાં જશે….જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર…કુંવરજી બાવળિયા, ડો. આશાબેન પટેલ ભાજપમાં જોડાશે અને કયા કોંગ્રેસીએ કલ્પના કરી હતી કે 27 વર્ષનો છોકરડો હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનશે….!!
એટલે જો રૂપાણીજી બદલાય તો એમાં એમને પણ નવાઇ નહીં લાગે, ખોટુ પણ નહીં લાગે કેમ કે 1995માં રાજકોટની ગલીઓમાં તેઓ પણ પરિવર્તન, નહીં કે પુનરાવર્તન..નું સૂત્ર પોકારતાં પોકારતાં સીએમ સુધી પહોંચ્યા અને એ જ પરિવર્તનમાં તેમના સ્થાને કોઇ બીજા આવે તો રૂપાણીજી હસતાં હસતાં તેમને આવકારશે અને ધારાસભ્યોની બેઠકમાં નવા નેતાનો ઠરાવ પણ તેમની પાસેથી જ મૂકાવાશે, કેમ કે એ ભાજપનો- રાજકિય પક્ષોનો વણલેખ્યો નિયમ છે અને ભાજપમાં તો પરિવર્તન….ડાયમંડની જેમ, ફોરએવર એટલે કે સદાકાળ છે તો હો જાય ફરીથી પરિવર્તન….? પણ રૂપાણીજીના સ્થાને કોણ…? અલ્યા ભઇ…એની તો માથાકૂટ ચાલે હે…દિલ્હીમાં…! પેલા શોલેના ડાયલોગની જેમ, જેમાં અમિતાભ મૌસીજીને કહે છે-બસ, ખાનદાન કા પતા ચલતે હી હમ આપકો બતા દેંગે….! તો ક્યા મેં યે રિશ્તા પક્કા સમજુ..ના સ્થાને એમ કહીએ – બસ, નયે સીએમ કા નામ કા પતા ચલતે હી હમ આપકો બતા દેંગે, તો ક્યા મેં યે પક્કા સમજુ કી રૂપાણીજી કા જાના તય હૈ…!!

Print Friendly, PDF & Email