Home જનક પુરોહિત કોંગ્રેસના આંતરિક વિખવાદોથી ભાજપનો રસ્તો સરળ બને છે

કોંગ્રેસના આંતરિક વિખવાદોથી ભાજપનો રસ્તો સરળ બને છે

429
0
SHARE

ઉંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબહેન પટેલનું ગત શનિવારે સવારમાં ધારાસભ્ય પદે થી રાજીનામું કોંગ્રેસની વરવી વાસ્તવિક્તા જાહેર કરી ગયું. પક્ષમાં સંગઠનની હાલત , નેતાઓની માનસિકતા અને ચૂંટાયેલા સભ્યોના સ્વમાન ના પ્રશ્નો ઉજાગર થઇ ગયા. ગુજરાતમાં કોંગ્રેસ ૧૯૯૫ થી સત્તાવિહીન હોવા છતાં સત્તાપ્રાપ્તિની ઝંખનાનો અભાવ દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં દરેક ચુંટણીઓમાં ભાજપની જીત થતી નથી , પરંતુ કોંગ્રેસનો પરાજય થાય છે. ભાજપના વહીવટથી ગુજરાતની પ્રજા ખુશ નથી. દરેક વર્ગને અસંતોષ છે. પરંતુ કોંગ્રેસનો આંતરકલહ ચુંટણી સમયે સપાટી પર આવી જતા ભાજપ સરકાર અને સંગઠનની તમામ ત્રુટીઓ , અને ગેરવહીવટ છતાં કોંગ્રેસનાં જ નેતાઓ કોંગ્રેસના ઉમેદવારોને હરાવે છે , અને ભાજપનો ખડકાળ રસ્તો આસાન બનાવી વિજય અપાવી દે છે.
વર્તમાન રાજકારણમાં કોઈ પણ પક્ષમાં કોઈ કાર્યકરને પોતાની આવડત અને મહેનતથી કશું જ મળતું નથી. કાર્યકરોએ કોઈ પણ નાનો મોટો હોદ્દો કે ચુંટણીમાં ટિકિટ મેળવવા હોય તો પક્ષના વરિષ્ઠોના જૂથ માંથી કોઈ એક નેતાની આંગળી પકડી લેવી પડે છે. આ વાસ્તવિક્તા હવે કહેવાતી કેડરબેઝ પાર્ટી ભાજપ માટે પણ એટલી જ સાચી છે.
ડો. આશાબહેન પટેલે શુક્રવારે સાંજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે સંગઠન અંગે ચર્ચા કરી. તેમને પડતી મુશકેલી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અને શનિવારે સવારે વિધાનસભા અધ્યક્ષના નિવાસ સ્થાને પહોચી જઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. ૧૦-૪૫ વાગે અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જ મિડિયા સમક્ષ રાજીનામાના સ્વીકારની જાહેરાત પણ કરી દીધી. ગુજરાતના રાજકારણમાંથી શિયાળાની ઠંડી ઉડી ગઈ અને ગરમાવો આવી ગયો. ભાજપના ખેમામાં ખુશીનો માહોલ છવાયો. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ કોંગ્રેસની યાદવાસ્થળી ને જવાબદાર ગણી કોંગ્રેસ પક્ષમાં વ્યથિત ડો. આશાબહેનના નિર્ણયને આવકાર્યો.
કોંગ્રેસના નેતાઓએ થોડા વિલંબ પછી ડો. આશાબહેન પટેલના રાજીનામાને ભાજપ પક્ષ અને સરકારના પ્રલોભનો અને દબાણને જવાબદાર ગણાવી ભાજપ ઉપર પ્રહારો કર્યા.
કોંગ્રેસમાંથી દરેક ચુંટણી સમયે અર્ધોડઝન જેટલા ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાય છે. અને દરેક વખતે કોંગ્રેસના નેતાઓ ભાજપની ધારાસભ્યો ખરીદવાની નીતિનો વિરોધ કરે છે. પરંતુ ક્યારેય પણ કોંગ્રેસના નેતાઓ પોતાનો ચહેરો આયનામાં જોતા નથી. કોંગ્રેસ પક્ષમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે હંમેશા એક ખાઈ રહેતી હોય છે. બંને વચ્ચે સમજુતી કે સમતોલન જોવા મળતા નથી. અને તેના કારણે પક્ષના કાર્યકરો સફળ થતાં નથી. ઉપરાંત કોઈ પણ ધારાસભ્યને પક્ષના કોઈ નેતા તરફથી કોઈ પણ ચુંટણીમાં હરાવવા માટે પ્રયત્નો થયા હોય અને ધારાસભ્ય કે ઉમેદવાર પક્ષમાં રજૂઆત કરે તો તેને કોઈ જ સાંભળતું નથી. જામનગર જિલ્લાના કોંગ્રેસના મજબુત પાટીદાર નેતા રાઘવજી પટેલે કોંગ્રેસ પક્ષમાં જિલ્લાના એક નેતા વિરુદ્ધ બે વર્ષ સુધી રજુઆતો કરી પરંતુ હાઈકમાન્ડે રાઘવજીભાઈની વાત સાંભળી નહિ. આખરે તેમણે કોંગ્રેસ પક્ષ છોડવાની નોબત આવી.
ડો. આશાબહેન પણ આવી જ ફરિયાદ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ એક વર્ષથી હાઈકમાન્ડ સુધી રજુઆતો કરી પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નહિ. જાહેર કાર્યક્રમોમાં ધારાસભ્યએ ક્યાં બેસવું એ નિશ્ચિત હોતું નથી. ખાલી ખુરશી શોધવી પડે છે. આવી સ્થિતિથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે.
ડો. આશાબહેને રાજીનામું આપ્યાં પછી અનેક આક્ષેપો કર્યા છે. પરંતુ વાસ્તવિકતા એ હોય છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસના નારાજ ધારાસભ્યોના સંપર્કમાં હોય છે. તેમની નારાજગીને વધુ પવન આપીને ઉત્તેજિત કરવામાં આવે છે. ડો. આશાબહેને અત્યારે ભાજપમાં જોડાવાની વાત નથી કરી. પરંતુ થોડા દિવસમાંજ કાર્યકરોની બેઠક યોજાશે , અને કાર્યકરોની લાગણીને આગળ ધરીને ભાજપમાં જોડાઈ જશે. ભાજપની આ મોડસ ઓપરેન્ટી રહી છે.
પશ્ચિમ બંગાળના ફાયરબ્રાન્ડ નેતા મમતાએ C.B.I ને પડકારી તેમનું સ્થાન બતાવી આપ્યું
શારદા ચીટફંડના કૌભાંડમાં પશ્ચિમ બંગાળના કલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારની સંડોવણી સામે સી.બી.આઈ તપાસ ચાલી રહી છે. સી.બી.આઈ ને કોઈ પણ કેસમાં કોઈ પણ નેતાની પૂછપરછ અને ધરપકડ કરવાના કાનુની અધિકાર છે. પરંતુ તે માટે કાયદેસરની કાર્યવાહી કરવી પણ જરૂરી છે. ગુજરાતમાં ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહની ધરપકડ સી.બી.આઈ દ્વારા જ કરવામાં આવી હતી. પરંતુ તે માટે સી.બી.આઈ કોર્ટનો આદેશ – ઓર્ડર હોવા જરૂરી છે. પરંતુ સી.બી.આઈ હોય , કે સ્થાનિક પોલીસ અનેક કેસોમાં રાજકીય કારણોસર નિયમોને બાજુપર મૂકી કોઈ પણ વ્યક્તિ ના ઘરે છાપો મારે છે , અટકાયત કરે છે અને હેરેસમેન્ટ પણ કરે છે. સત્તા પાસે શાણપણ નકામું. જેથી સામાન્ય પ્રજા લાચાર બનીને બિનલોકશાહી પધ્ધતિને તાબે થઇ જાય છે. પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ને અગાઉથી જાણ હતી જ કે ભાજપની કેન્દ્ર સરકાર તેમને રાજકીય કારણોસર સી.બી.આઈ ના માધ્યમથી હેરાન કરશે. જેથી તેમણે સી.બી.આઈના રાજ્ય પ્રવેશ પર પ્રતિબંધના આદેશો જાહેર કર્યા હતા. એટલે કે સી.બી.આઈ ને કોઈ પણ કાર્યવાહી કરાવી હોય તો રાજ્ય સરકારની પ્રથમ અનુમતિ લેવી ફરજીયાત બનાવી હતી. આમ છતાં રવિવારે સી.બી.આઈ ની ટીમ પોલીસ કમિશનરના નિવાસે છાપો મારવા જતાં પોલીસ તંત્ર એ જ સી.બી.આઈ અધિકારીઓની અટકાયત કરીને પડકારવામાં આવ્યા. સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રથમ ઘટના હોવાથી દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો. એટલું જ નહિ , મુખ્યમંત્રી મમતા બેનરજી કમિશનરના નિવાસ સ્થાને પહોચ્યા , અને થોડી જ વારમાં મોદી સરકાર સામે ધરણા પર બેસી ગયા. કેન્દ્ર સરકારની લાચાર સ્થિતિ જોવા મળી. બીજા દિવસે કોર્ટમાં ધા નાખી. મંગળવારે કોર્ટમાં હિયરીંગ થયું. સુપ્રીમકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે કે કમિશનર રાજીવ કુમારે તા. ૨૦ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવું. તા. ૨૮ મીએ સી.બી.આઈ સમક્ષ હાજર થવું તથા સી.બી.આઈ માત્ર પૂછપરછ કરી શકશે અટકાયત નહિ.
આ ઘટનામાં હારજીત કોઈની નહિ , પરંતુ સી.બી.આઈ મનમાની કરી ન શકે તે સબક તો અચૂક મળ્યો છે.

Print Friendly, PDF & Email