Home દેશ ઔરંગઝેબનો મુદ્દો ઉઠાવનારાઓનો ઉદ્દેશ્ય ‘ઔર દંગા બાદ’ : ઉદ્ઘવ ઠાકરે

ઔરંગઝેબનો મુદ્દો ઉઠાવનારાઓનો ઉદ્દેશ્ય ‘ઔર દંગા બાદ’ : ઉદ્ઘવ ઠાકરે

31
0

(GNS),21

ઉદ્ધવ ઠાકરેએ આજે 20 જૂનને મંગળવારે મુંબઈના ભૂતપૂર્વ કાઉન્સિલરોની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે BMCના ભ્રષ્ટાચાર, ઔરંગઝેબની કબર પર ફૂલ ચડાવવા જેવા મુદ્દાઓ ઉપરાંત નાંદેડમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સમાન નાગરિક ધારા પર તેમની ભૂમિકા પરના પ્રશ્નો સહિત ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. ભાજપ વતી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવના અભિપ્રાય પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રકાશ આંબેડકર દ્વારા ઔરંગાબાદથી 24 કિલોમીટર દૂર ખુલતાબાદ જઈને ઔરંગઝેબની કબર પર ફૂલ ચઢાવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર પ્રહાર કરતા કહ્યું કે, ઔરંગઝેબના મુદ્દે હંગામો કરનારાઓને ‘ઔર દંગા બાદ’ વાળા ગણાવ્યાં. જ્યારે અમે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું, ત્યારે અડવાણીએ પાકિસ્તાન જઈને ઝીણાની કબર સમક્ષ નતમસ્તક થયા હતા. આપણા વડાપ્રધાન પણ, નવાઝ શરીફના જન્મદિવસની કેક ખાવા પાકિસ્તાન ગયા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ક્યારેક બજરંગબલી, તો ક્યારેક દાઉદ, તો પછી ક્યારેક ઔરંગઝેબનું નામ વાપરવાનું તેમનું કામ છે. આ “ઔર દંગા બાદ” વાળા લોકો છે, જેમણે ઔરંગઝેબના નામ પર રમખાણો શરૂ કર્યા હતા. તેમનું એક માત્ર કામ તોફાનો કરાવવાનું છે.

સમાન નાગરિક ધારાના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી અમારું વલણ છે, અમે તેનું સમર્થન કરીએ છીએ. પરંતુ જે લોકો તેને લાવવાની કોશિશ કરી રહ્યા છે તેઓએ એવું ન વિચારવું જોઈએ કે માત્ર મુસ્લિમો જ તેની સામે વાંધો ઉઠાવશે. હિંદુઓ પણ આનો વિરોધ કરવા જઈ રહ્યા છે. આનાથી ઘણા પ્રશ્નો ઉભા થશે. શું કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગૌહત્યા પર પ્રતિબંધ લાગશે ? ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર કહેતા હતા કે જો ગોવામાં તેના પર પ્રતિબંધ હશે તો તે બીજે ક્યાકથી બીફ મંગાવી દેશે. જો તેઓ આખા દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ ન લગાવી શકે તો સમાન નાગરિક ધારાનો અમલ કેવી રીતે થશે ? ઉદ્ધવના કટાક્ષનો જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, પ્રકાશ આંબેડકર ઔરંગઝેબની કબર પર ગયા હતા. તેમણે માથું નમાવ્યું અને ફૂલો પણ અર્પણ કર્યાં, ઔરંગઝેબનો મહિમામંડન કરાયો. તેમનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે છે. શું ઉદ્ધવ ઠાકરે, પ્રકાશ આંબેડકરના આ કાર્યને સમર્થન આપી રહ્યા છે ? શું તેઓ એનસીપી અને કોંગ્રેસ સાથે જઈને, હવે બાળાસાહેબ ઠાકરેના વિચારો ભૂલી ગયા છે? અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ભારતના કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ અંગે લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. ભાજપ દરેક ચૂંટણી પહેલા આ મુદ્દો ઉઠાવતી રહી છે. પરંતુ વિપક્ષ તેને ધાર્મિક આધાર પર સમાજના ધ્રુવીકરણની રાજનીતિ તરીકે જુએ છે.

Previous articleકિર્બીએ ભારતને સૌથી મોટો વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો
Next articlePM મોદીએ દેશની અંદર ‘ગ્લોબલ લીડર’ની ઈમેજ બનાવી