ઈઝરાયેલની ગાઝામાં હવાઈ હુમલા વધારવાની ચેતવણી
(જી.એન.એસ) તા. 14
ઇઝરાયલની સેન દ્વારા ફરી એકવાર ગાઝામાં હોસ્પિટલ, મ્યુનિસિપલ ઈમારત, ઘરો અને વાહનો પર હુમલા કરતાં મધ્ય-પૂર્વમાં ફરી એક વખત લોહીયાળ જંગ શરૂ થઈ ગયો છે. ઈઝરાયેલના આ હુમલામાં બાળકો સહિત ૨૧ લોકોનાં મોત નીપજ્યા છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલા અને તેના સૈનિકોની હાજરી વધારવાની ચેતવણી પણ આપી છે.
આ મામલે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ ગાઝામાં સૈન્ય અભિયાન વધારવાની અને પેલેસ્ટાઈનના લોકોને ‘ફાઈટિંગ ઝોન’થી દૂર રહેવા ચેતવણી આપી હતી. ઈઝરાયેલે શનિવારે ‘મોરાગ કોરિડોર’ બનાવવાની જાહેરાત કરી હતી, જેના મારફત ગાઝાના દક્ષિણી શહેર રાફાહને ગાઝા પટ્ટીથી અલગ કરવાની ઈઝરાયેલની યોજના છે. આ યોજનાના ભાગરૂપે ઈઝરાયેલે ગાઝા પર હુમલા વધાર્યા છે.
ઈઝરાયેલની એરફોર્સે ઉત્તરીય ગાઝામાં સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતી અલ-અહલિ હોસ્પિટલ પર રવિવારે વહેલી સવારે હુમલો કર્યો હતો. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. ફેડેલ નઈમે કહ્યું કે, ઈમર્જન્સી રૂમ, ફાર્મસી અને આજુબાજુની ઈમારતોને ભયાનક નુકસાન થયું છે. હોસ્પિટલ પર હુમલાના કારણે ૧૦૦થી વધુ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી, જેમાં એક દર્દી, જે બાળકી હતી તેનું મોત થઈ ગયું હતું. ખ્રિસ્તી વર્ષના સૌથી પવિત્ર સપ્તાહની શરૂઆતના પામ સન્ડે તહેવારના દિવસે જ ઈઝરાયેલે આ હુમલો કર્યો હતો. ઈશુ ખ્રિસ્તના યરુસલેમમાં આગમનની યાદમાં આ તહેવાર ઊજવાય છે.દરમિયાન ઈઝરાયેલે દાવો કર્યો હતો કે, તેણે એક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. હમાસ હોસ્પિટલનો ઉપયોગ ઈઝરાયેલના નાગરિકો અને સૈનિકો પર હુમલાની યોજના બનાવવા અને હુમલા કરવા માટે કરે છે. ઈઝરાયેલ ગાઝામાં હુમલા ચાલુ રાખશે અને સૈન્ય કાર્યવાહી વધારશે. તેઓ હમાશ પર દબાણ બનાવવાનું ચાલુ રાખશે, જેથી ૫૯ બંધકોને છોડાવી શકાય.