Home દેશ આજના શાસકોને “આવું કેમ” પુછનાર નાગરિક ક્યારેય પસંદ પડતો  નથી….?

આજના શાસકોને “આવું કેમ” પુછનાર નાગરિક ક્યારેય પસંદ પડતો  નથી….?

450
0
SHARE

(જી.એન.એસ.,પ્રશાંત દયાળ)
14મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ આખુ વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યું હતું, અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર પણ પ્રેમી યુગલો વહેલી સવારથી એક બીજાને મળવા આવી રહ્યા હતા, રિવરફ્રન્ટ બહુ સુંદર જગ્યા છે અને ખાસ કરી તમે જેને પ્રેમ કરતા હોવ તે તમારી સાથે હોય ત્યારે આ જગ્યા વધુ સુંદર લાગે છે. તે દિવસ પણ રોજ પ્રમાણે હતું, મોટા ભાગના ત્યાંથી પસાર થતાં લોકો પ્રેમી યુગલોને જોઈ નાકના ટેરવા ચડાવતા હોય છે. ખાનગીમાં તેમને આ બધુ જ ગમતુ હોવા છતાં જાહેરમાં તો જુઓ હવે આમને લાજ શરમ રહી નથી તેવું કહેવું પડે છે. દેશ ભક્તિ બતાડવાના આપણે ત્યાં ઘણા ખાસ દિવસો હોય છે. તમને થશે કે વેલેન્ટાઈન ડે અને દેશ ભક્તિને ક્યાં સંબંધ છે?  પણ કેટલાંક લોકોને દેશ ભકિત વેલેન્ટાઈન ડેના દિવસે ઉભરા સ્વરૂપે આવે છે. ચાલો ગોળ ગોળ વાત કરતા  સીધી બજરંગ દળની વાત ઉપર આવી જઉં.
વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમી યુગલોને દોડાવી દોડાવી ભગાડવામાં બજરંગ દળના કાર્યકરોને મજા આવે છે, તેમને મન તે કોઈ દુશ્મન દેશના સૈન્યને દોડાવી રહ્યા હોવાનો આનંદ થતો હોય છે, પ્રેમી યુગલો એક તો ઘરેથી સંતાઈ મળવા આવતા હોય છે. તેમાં પણ સ્ટોરીના ભુખ્યા પત્રકારોનો સંપર્ક કરી ટેલીવીઝન ચેનલના કેમેરામેનને આ બજરંગ દળના કાર્યકરો સાથે લઈ આવે છે અને કાર્યકરો જ્યારે પ્રેમીઓને ભગાડે ત્યારે ટીવીના કેમેરામેન તેમને કચકડે કંડારે છે. કેમેરામેનને તેઓ વાઘા સરહદ ઉપર લડાઈનું લાઈવ કવરેજ કરી રહ્યા હોય તેવુ ઐતિહાસીક કામ લાગે છે. આવુ તો છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી રહ્યું છે, પણ આ વર્ષે થોડો સીન બદલાયો છે. હમણાં સુધી ગુજરાતનું બજરંગ દળ ડૉ. પ્રવિણ તોગડિયાના તાબામાં હતું. તોગડિયા અને તેમના સંઘી બંધુ નરેન્દ્ર મોદીને હવે છત્રીસનો આંકડો છે.
જેના કારણે ગુજરાતમાં બજરંગ દળ કોઈ પણ કાર્યક્રમ આપે તો ગુજરાતની બાહોશ પોલીસ કાર્યક્રમ સાચો છે કે ખોટો તેની તપાસ કર્યા વગર તોગડિયાની બંજરગી ટીમને પકડી પોલીસ વાનમાં ઠોંસી દેતી હતી. કારણ તેમને મન પોલીસનું કામ કરવા કરતા ભાજપના નેતાઓને ખુશ કરવાનું વધુ મહત્વનું હોય છે, પણ બદલાયેસા સીન પ્રમાણે હવે વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખુદ ડૉ. પ્રવિણ તોગડિયા જ આઉટ થઈ ગયા અને હવે બાજી ભાજપ હસ્તકના નેતાઓ જે હવે વિશ્વ હિન્દુ પરિષદના વડા છે તેમના હાથમાં છે. જેના કારણે હવે પોલીસ પહેલા જેવો બજરંગ દળ સાથે વ્યવહાર કરતી હતી તેવો કરવાનો ન્હોતો કારણ  હવે દળના વડા ભાજપની નજીકના છે. વેલેન્ટાઈસ ડે પર પોલીસ તો પહેલા જ રિવરફ્રન્ટ ઉપર હતી, પણ તે પ્રેમીના રક્ષણ માટે નહીં પણ બજરંગ દળનું કામ સરળ કરવા માટે હતી. બજરંગ દળના કાર્યકરો જેવા આવ્યા તેની સાથે પોલીસે પકડી તેમને પોલીસ વાનમાં બેસાડી દેવાના હતા પણ પોલીસે બજરંગ દળ સાથે મળી પ્રેમીઓને પહેલા ભગાડવાનું કામ કર્યું અને બધા ભાગી ગયા પછી પોલીસે પોતાની નોકરી પુરી કરી હોય તેવું બતાડવા દળના કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડયા હતા.
આ દૃશ્ય ત્યાંથી પસાર થતાં હજારો લોકોએ જોયું હતું, કોઈને તેમાં કઈ નવું ન લાગ્યું, પણ એક યુવાન વ્યકિતએ મને ફોન કર્યો તેણે મને કહ્યું આ તો કેવી રીતે ચાલે?  મે તેને પુછયુ શું થયુ તેણે મને પોતાના વાત કરતા કહ્યું વેલેન્ટાઈ ડેનો બજરંગ દળ વિરોધ કરે તો સમજાય કારણ આ દિવસ ઉજવવો જોઈએ નહીં તે તેમનો મત છે પરંતુ પોલીસ પ્રેમ કરનાર યુગલોને ભગાડે તે કેટલુ વાજબી છે. આ  પહેલી નજરે સામાન્ય લાગતી બાબત છે પણ એક યુવાન માણસે પોતાનો થોડીક વિચાર શકિતનો ઉપયોગ કર્યો અને તેને સમજાયું કે આ બરાબર નથી. આવું આપણી નજર સામે રોજ  કઈકને કઈક થતુ હોય છે પણ તે અંગે આપણે વિચારતા નથી, આપણી સાથે અથવા આપણી સામે આવુ બને છે તેને આપણે ક્યારેક નસીબ સમજીએ, તો કયારેક આપણે કઈ કરી શકતા નથી તેવું માની સ્વીકારી લઈએ છીએ.
વિચારતો માણસ ક્યારે રાજ્યને પસંદ પડતો નથી, રાજ્ય શબ્દ અહીંયા સ્થુળ અર્થમાં છે. માણસ જ્યાં પણ કામ કરે તેના શાસન કરતા તે કદાચ તેના નોકરીના સ્થળનો માલિક હોય અથવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ હોઈ શકે છે, રાજ્યને કયારેય વિચાર કરતો નાગરિક પસંદ નથી કારણ વિચાર કરતો નાગરિક આવું કેમ તેવો સવાલ પુછે છે અને શાસકને આવું કેમ પુછનારને પસંદ પડતો  નથી. શાસક જે દિશાને પુર્વ દિશા કહે તે તેને જ પુર્વ દિશા માની લેનારને કોઈ તકલીફ પડતી નથી, પણ સૂર્ય ઉગે તેને જ પુર્વ  દિશા કહેવાય તેવું વિચારનાર નાગરિક રાજ્યને પસંદ નથી, જ્યારે આપણને આવું કેમ, તેવું લાગે ત્યારે સમજવું હજી આપણુ મગજ સાબુત છે અને આપણે વિચારી શકીએ છીએ.

Print Friendly, PDF & Email