Home વ્યાપાર જગત આંતરરાષટ્રીય મોરચે જીઓપોલિટીકલ ટેન્શન અને ફોરેન ફંડોની ભારતીય ઇક્વિટીઝમાં સતત વેચવાલીએ દરેક...

આંતરરાષટ્રીય મોરચે જીઓપોલિટીકલ ટેન્શન અને ફોરેન ફંડોની ભારતીય ઇક્વિટીઝમાં સતત વેચવાલીએ દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે…!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૫.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૯૩.૬૨ સામે ૫૨૯૪૬.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૩૨.૪૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૯૫.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૦.૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૭૩.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૮૬.૬૦ સામે ૧૫૮૩૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૫૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૭.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૬૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ભારતમાં ફુગાવાનો રીટેલ આંક એપ્રિલ માસમાં વધીને આઠ વર્ષની  ઊંચાઈએ ૭.૭૯% જાહેર થવા છતાં વૈશ્વિક બજારો પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ આજે આરંભમાં અદાણી ગ્રૂપ દ્વારા સ્વિસ કંપની હોલસીમ પાસેથી અંદાજીત રૂ.૮૦૮૫૦ કરોડમાં અંબુજા સિમેન્ટ તેમજ તેની પેટા કંપની એસીસી લિ. માં હિસ્સો ખરીદવાની જાહેરાતે સિમેન્ટ તેમજ સિમેન્ટ પ્રોડક્ટ શેરોની આગેવાનીએ અને રિયલ્ટી, ઓટો, ટેલિકોમ અને યુટિલિટીઝ ફ્રન્ટલાઈન શેરોમાં તેજી સાથે વેલ્યુબાઈંગે ભારતીય શેરબજાર સતત ઘટાડા બાદ આજે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વિશ્વનું અર્થતંત્ર અત્યારે ફુગાવો, વધતાં વ્યાજ દરો અને જીઓપોલિટીકલ ટેન્શનને લઈ સપ્લાય કટોકટીમાં ફસાયેલું હોઈ વૈશ્વિક અર્થતંત્ર ફરી મોટી મંદીમાં ગરકાવ થઈ જવાની દહેશતે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આજે સતત વોલેટીલિટી જોવા મળી હતી.

રશિયા- યુક્રેન યુદ્ધના પગલે ઉદ્ભવેલ જીઓપોલિટિકલ ટેન્શનની બીજી તરફ મોંઘવારી વધવાની સાથે વ્યાજ દરો પણ વધતા નાણાંકીય મોરચે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતા સમગ્ર વિશ્વ ફરી આર્થિક મંદીમાં ગરકાવ થઈ જવાની ભીતિ ઉદ્ભવતા ગત સપ્તાહે વિશ્વના શેરબજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારોમાં સતત મોટાપાયે શેરોમાં વેચવાલી કરતાં રહી ગત સપ્તાહે પણ ઉછાળે શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. વૈશ્વિક આર્થિક મોટી મંદીના એંધાણ સાથે ફુગાવાના કારણે પરિસ્થિતિ વિશ્વભરમાં વકરી રહી હોઈ અમેરિકા, ભારત સહિતમાં સેન્ટ્રલ બેંકો દ્વારા તોળાતા વધુ વ્યાજ દરમાં વધારાને લઈ શેરોમાં ઉછાળે સાવચેતીમાં વેચવાલી કરી હતી. વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં આરંભિક ઉછાળો અંતે ધોવાતા બીએસઇ સેન્સેક્સ ૧૮૦ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૭૮ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૫ અને વધનારની સંખ્યા ૨૨૩૨ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય રિઝર્વ બેન્કે માર્ચ ૨૦૨૨ના અંતે સમાપ્ત થયેલા છ મહિનામાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ૧૬.૫૮ ટન કિંમતી પીળી ધાતુ સોનાનો ઉમેરો કર્યો છે જેને પગલે ભારતનું કુલ ગોલ્ડ રિઝર્વ વધીને ૭૬૦.૪૨ ટને પહોંચી ગયુ છે. રિઝર્વ બેન્કે એવા સમયે ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે જ્યારે એક બાજુ વિદેશી રોકાણકારો સતત સાત મહિનાથી ભારતીય શેરબજારમાં ચોખ્ખા વેચવાલ છે ઉપરાંત દેશનું ફોરેક્સ રિઝર્વ સપ્ટેમ્બર ૨૦૨૧ના ૬૪૨.૪૫ અબજ ડોલરના સર્વોચ્ચ શિખરેથી ૪૪.૭૩ અબજ ડોલર ઘટીને એપ્રિલ ૨૦૨૨ના અંતે ૫૯૭.૭૨ અબજ ડોલર થયુ છે. દેશના કુલ ૭૬૦.૪૨ ટન ગોલ્ડ રિઝર્વમાંથી ૪૫૩.૫૨ ટન સોનું બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલના સેફ ડિપોઝિટ વોલ્ટ છે તેમજ ૨૯૫.૮૨ ટન સોનુ દેશમાં છે. સુવર્ણ ભંડોળ વધતા ભારતના કુલ વિદેશી હૂંડિયામણમાં ગોલ્ડ રિઝર્વનું યોગદાન સપ્ટેમ્બર ૨૦૨૧ના ૫.૮૮%થી વધીને માર્ચ ૨૦૨૨ના અંતે ૭.૦૧% થયુ છે.

સોનાના ભાવ વધતા રિઝર્વ બેન્કના ગોલ્ડ હોલ્ડિંગનું છ મહિનામાં ૫.૧૬૨ અબજ ડોલર વધીને માર્ચ ૨૦૨૨ સુધીમાં ૪૨.૫૫ અબજ ડોલર થઈ છે. ભારતનું સુવર્ણ ભંડોળ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૬૫.૧૧ ટન વધીને ૬૯૫.૩૧ ટન થયુ હતુ અને છેલ્લા બે વર્ષમાં ૧૪૨.૧૮ ટનનો ઉમેરો થયો છે. દુનિયામાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં ભારત નવમાં ક્રમે છે. કોરોના મહામારી બાદ દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ પોતાના ગોલ્ડ રિઝર્વમાં સતત વધારો કર્યો છે. સ્થાનિક સ્તરે ધિરાણ મોંઘું બનવા સાથે આંતરરાષટ્રીય મોરચે જીઓપોલિટીકલ ટેન્શન અને ફોરેન ફંડોની ભારતીય ઇક્વિટીઝમાં સતત વેચવાલી ચિંતાનો વિષય છે ત્યારે દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.

Print Friendly, PDF & Email