Home અન્ય અલ્યા કોઇ હનુમાનજીને તો પૂછો, દે ઠોકાઠોક..? ખરા છો હોં તમે તો..!

અલ્યા કોઇ હનુમાનજીને તો પૂછો, દે ઠોકાઠોક..? ખરા છો હોં તમે તો..!

1453
0
SHARE

અંતે પ્રભુશ્રી રામે હનુમાનજીને કહ્યું- હે પવનપુત્ર, હું તો વર્ષોથી અયોધ્યાના તંબુમાં બેઠો જ છું મંદિર બને ત્યાં સુધી, મને તો ઉડતા આવડતું નથી એટલે ના છૂટકે બેઠો. પણ વત્સ તું તો ઉડી શકે છે. એટલે યોગી-ભોગી અને મોદી તમારૂ બીજુ કોઇ જાતિ પ્રમાણપત્ર નક્કી કરે તે પહેલા ઉડનછૂ….અને હાં પુત્ર મંદિર બને ત્યારે અયોધ્યા આવતો રહેજે હોં…!

યુધ્ધમાં મૂર્છિત લક્ષ્મણ માટે સંજીવનીના છોડ સહિત આખો પહાડ ઉંચકીને લાવનાર હનુમાનદાદા ભારતમાં ભાજપના નેતાઓની વાણી સાંભળીને મૂર્છિત થતાં થતાં બચી ગયા..! યોગી કહે છે કે હનુમાનજી જો થે ન વો ઓર કોઇ નહીં લેકિન દલિત થે.. કોઇએ કહ્યું ના, હનુમાનજી જંગલમાં રહેતા હતા એટલે આદિવાસી છે તો કોઇએ વળી નવો મમરો મૂક્યો હનુમાનજી તો આર્ય હતા..! આવી ચૂંટણીલક્ષી વાણી સાંભળીને હનુમાનજીએ પ્રભુ રામને કહ્યું-હે પ્રભુ આ બધુ શું છે..? હીંચકી લઇને પ્રભુ શ્રીરામ બોલ્યા- પવનપુત્ર, હમણાં જે હીંચકી આવી ને, એટલે નક્કી ભાજપે મને ચૂંટણીમાં યાદ કર્યા લાગે છે. ભાજપે મારો ભરપૂર ઉપયોગ કર્યો હવે તારો વારો..! પછી સીતામૈયા પછી છોટે ભૈયા…! એમ વારા પછી વારો…! હે પવનપુત્ર, આ બધુ ચૂંટણીની મતોની મોહ અને માયા છે. ચૂંટણીલક્ષી ખલબલી પતે એટલે અલી અને બજરંગબલીની ગલગલી… શાંત..અયોધ્યાની ગલીઓ પણ શાંત અને હું જ્યાં વર્ષોથી ટેન્ટમાં છું ત્યાં જ. અને ભાજપે તારા તૈયાર કરેલા જાત જાતના –ભાતભાતના જાતિના પ્રમાણપત્રો પછી કમલમની ખૂણાની ભીંતે લટકેલા હશે. કેમ કે આ ભાજપ છે. એનું કામ છે મતદાતા કો અટકાના, લટકાના ઔર ભટકાના…! પવનપુત્ર, મારા તારો અને પછી કાના…નો વારો આવે તો બેટા નવાઇ નહીં..
ચૂંટણીમાં જીતવા માટે હિન્દુ, મુસ્લિમ, જાટ-જાધવ, બનિયા-બ્રાહ્મણ, દલિત—ચમાર, સુથાર-લુહાર એમ છેક પરિવારના ગૌત્ર સુધી જઇ રહ્યાં છે નેતાઓ. યોગી આદિત્યનાથ પોતે પોતાની જાતિ-જ્ઞાતિ બતાવતા નથી પણ હનુમાનજી દલિત છે એવું તો ચોક્કસ જાણે છે. તેમની યોગીવાણી સાંભળીને એક ઘડી તો સંક્ટમોચન હનુમાનદાદા પણ બિચારા સંક્ટમાં મૂકાઇ ગયા હશે અને ઉડીને પહોંચ્યા હશે સીધા પોતાના પ્રભુ શ્રીરામની પાસે….! દલિતમાંથી આદિવાસી અને પછી આર્યપુત્ર… બોલો, પવનપુત્રમાંથી આર્યપુત્ર. દેવી-દેવતાઓની આવી ખરાબ મજાક-ઠઠ્ઠા મસ્કરી કરતાં ભાજપના આ નેતાઓને સહેજ પણ શરમ નહીં આવતી હોય કે શું. દલિતોના વોટ લેવા હનુમાનદાદાને દલિત બનાવ્યાં. આદિવાસીઓના વોટ લેવા તેમને આદિવાસી કહી દીધા. અને આર્યપુત્ર કહે તો કોના વોટ મળશે એ તો હનુમાનજીને આર્ય કહેનાર ભાજપના નેતાને પણ ખબર નહીં હોય… બસ એક હોડ ચાલી કે કોણ સૌથી સારી સરખામણી અને જાતિ નક્કી કરે છે..!
માણસોને-મતદારોને નાત-જાતમાં વહેંચીને સંતોષ ના થયો તે હવે દેવી-દેવતાઓનો વારો કાઢ્યો ભાજપના નેતાઓએ. હનુમાન દલિત છે…એમ કહેતી વખતે યોગી જેવા પાક્ટ પૂજારીના મનમાં સહેજ પણ એવું ના થયું કે ના..ના.. આવું ના કહેવાય… પણ ઉપરથી સુચના હોય ને. ગમે તે કરો ચૂંટણી જીતો બસ…! જો જીતા વો હી સિકંદર, બાકી સબ….? જેની કલ્પના કરવી હોય તેની છૂટ..આવા નેતાઓ લોકો જેને પ્રેમભાવથી પૂજે છે અને માને છે તેમના વિષે આવું કંઇ અગડમ બગડમ બોલે એટલો જેઓ યોગીને સંતપુરૂષ તરીકે જાણતા હોય તેઓ તો એમ જ માને કે યોગીજી કહે રહે ના, તો તો હમરે બજરંગબલીજી અવશ્ય દલિત હી હોંગે…! હમારે વાલે દલિત…ઇસલિયે હમરા વોટ તો….ઇન્હી ન કો મિલેંગા..!
ચાલો, હનુમાનજીની જાતિ-પાતિ તો નક્કી કરી નાંખી ભાજપે હવે જરા સબરીમાલાના બ્રહ્મચારી અયપ્પનની જાતિ પણ કહી દો એટલે એ પ્રમાણે પછી એમના ભક્તો વહેંચાઇ જાય અને ત્યાં ખોટી ભીડ ના થાય. યોગીજી જો જો પાછા પ્રભુ શ્રીરામની જાતિ ના બદલતા હોં. એ તો ક્ષત્રિય છે એ તો તમે સારી રીતે જાણતા જ હશો. આમ તો હનુમાનજી પણ ક્યાં નથી જાણતા સારી રીતે. પણ ક્યા કરે, મામલા વોટો કા હૈ, મામલા નોટો કા હૈ, મામલા નોટા કા ભી હૈ. પણ આ નેતાઓનો કાંઇ ભરોસો નહીં. વોટ મળતા હોય તો પોતાની પણ જાતિ બદલી નાંખે. યાને ગંગા ગયે ગંગારામ…જમના ગયે જમનારામ…ઔર તંબુમેં જાયે પ્રભુ શ્રી રા……મ….
અંતે પ્રભુશ્રી રામે હનુમાનજીને કહ્યું- હે પવનપુત્ર, હું તો વર્ષોથી અયોધ્યાના તંબુમાં બેઠો જ છું મંદિર બને ત્યાં સુધી, મને તો ઉડતા આવડતું નથી એટલે ના છૂટકે બેઠો. પણ વત્સ તું તો ઉડી શકે છે. એટલે યોગી-ભોગી અને મોદી તમારૂ બીજુ કોઇ જાતિ પ્રમાણપત્ર નક્કી કરે તે પહેલા ઉડનછૂ….અને હાં પુત્ર મંદિર બને ત્યારે અયોધ્યા આવતો રહેજે હોં…!(જી.એન.એસ.)

Print Friendly, PDF & Email