Home ગુજરાત અલ્પેશ ઠાકોરને ભા.જ.પા ટીકીટ આપશે કે કેમ….?પક્ષની એસી તેસી કરી પ્રચાર શરૂ...

અલ્પેશ ઠાકોરને ભા.જ.પા ટીકીટ આપશે કે કેમ….?પક્ષની એસી તેસી કરી પ્રચાર શરૂ કરી દીધો..

113
0
SHARE

(જીએનએસ:હર્ષદ કામદાર)
રાજ્યમાં વિધાન સભાની સાત બેઠકોની પેટા ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ભાજપા અને કોંગ્રેસ બંને પક્ષોમાં જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવા માટે દિમાગી કસરત શરૂ થઈ થઈ ગઈ છે. ત્યારે ભેસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘેર ધમાધમ ની જેમ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક મતક્ષેત્રમાં પ્રચાર શરૂ કરી દીધો છે…. જાણે ભાજપાએ તેમને ટીકીટ આપી દીધી હોય…! જોકે રાધનપુરના મતદારો તેમને જોઈએ તેવો આવકાર આપતા નથી.તો આને લઈને ભાજપાના પ્રદેશ નેતાઓના ભવા પણ ખેંચાયા છે…. પક્ષના કોઇપણ આદેશ વગર અલ્પેશ ઠાકોર પ્રચાર કરીને ભાજપની શિસ્તના લીરેલીરા ઊડી રહ્યા છે. તો બીજી તરફ ભાજપમાં પણ અનેક મહાનુભાવોનો અલ્પેશ ઠાકોર સામે ભારે વિરોધ છે…..! પરિણામે ભાજપની હાલત પણ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે અને અલ્પેશ ઠાકોરને ટિકિટ આપશે તો પક્ષમા કેવા પ્રત્યાઘાત પડશે.. તેવો પ્રશ્ન પક્ષમાં ચર્ચાઈ રહ્યો છે….!?
ભાજપાએ જીલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ધારાસભાઓ, લોકસભા, તેમજ વિવિધ ખેડૂતોની સંસ્થાઓ, માર્કેટ યાર્ડો, યુનિવર્સિટીઓ વગેરેમાં સત્તા હાંસલ કરવા માટે બહુમતી મેળવવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી લીધી છે અને તેના માટે કોઇ પણ પ્રકારનું અસ્ત્ર વાપરી રહ્યો છે જેના કારણે અનેક રાજ્યોમાં સત્તા મેળવી છે. તેમજ સંસ્થાઓમાં પણ.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના શંકરસિંહ સહિત 11 ધારાસભ્યોએ વિધાનસભા પદેથી ભાજપના ઇશારે રાજીનામા આપી દીધા હતા. તો રાજ્યસભાની ચૂંટણીમાં એહમદ પટેલને હરાવવા ભાજપાએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું અને કોંગ્રેસમાંથી ભાજપામાં ગયેલા બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભા માટે ચુંટણી લડાવી હતી. તેમાં પણ છેલ્લી ઘડીએ મતદાન દરમિયાન એવા ખેલ ખેલાયા કે કોંગ્રેસને ભારે મુશ્કેલીમાં મૂકી દીધો હતો આમ છતાં ભાજપ માત્ર બે બેઠક અને કોંગ્રેસના એહમદ પટેલની જીત થઈ હતી. પુનઃ રાજ્યસભાના બે સભ્યોનુ મુદત પૂરી થવા પર હતી ત્યારે અલ્પેશ ઠાકોર અને તેમની આંગળી પકડીને ચાલતાં ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ પક્ષના વ્હીપનુ ઉલંઘન કર્યું હતું અને ભાજપામાં ખાત્રી મળતા આ બંને કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા હતા. પરંતુ ભાજપા સરકાર એવી ચાલી કે રાજ્યસભાની ખાલી પડેલ બંને બેઠકની ચૂંટણીઓ એક સાથે ન યોજાતા અલગ-અલગ યોજાઇ હતી. પરિણામે ભાજપના બંને ઉમેદવાર આસાનીથી આ બંને બેઠક જીતી ગયા હતા.
બીજી તરફ અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળવાની આશા હતી પરંતુ ભાજપા પક્ષમાંજ તેની સામે ભારે ઊહાપોહ થતાં તેમને મંત્રી પદ ના મળ્યું ત્યારે અલ્પેશ ઠાકોરે ઘણા ધમ પછાડા કર્યા હતા છતાં તનુ કંઈ ઉપજ્યુ નહીં. તો તેના વિશ્વાસે કોગ્રેસ છોડી ભાજપામા જોડાયેલા ધવલસિંહ ઝાલા પણ કોઈપણ બોર્ડ-નિગમમાં ચેરમેન બનાવશે તેવી આશાએ દોડતા હતા… પરંતુ ભાજપની નેતાગીરી વિટંબણામાં હતી કે જો આ રીતે પદ આપવામા આવશે તો ભાજપમાં ખુલ્લેઆમ ઉહોપોહ થશે તેથી બંને લટકી ગયા છે….. ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે તે વાત પક્ષ કે તેમના નેતાઓ સમજી શક્યા નથી…..! સત્તા મેળવવાની લાલસા- લોલુપતાને લઈને આ બધું થયુ છે. અને હવે ભાજપા પક્ષની શિસ્તના લીરા ઉડાડતા કે પક્ષની એસી-તેસી….શુ કરી લેશે….? તેમ પક્ષના આદેશ સિવાય તેમજ ભાજપના નેતાઓ ઉપર વિશ્વાસ ન હોય તે રીતે રાધનપુર બેઠક માટે અલ્પેશ ઠાકોરે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે જેથી ભાજપા નેતાગીરીના ભવા ખેચાયા છે અને કદાચ… આજ કારણે…. અલ્પેશ ઠાકોરને ટીકીટ ના પણ મળી શકે….!?

Print Friendly, PDF & Email