Home ગુજરાત અમદાવાદમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત રોજ ૧૦૦૦ મે.ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન...

અમદાવાદમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત રોજ ૧૦૦૦ મે.ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરાશે

237
0
SHARE

પીરાણા નજીક ૨૦૨૧ના અંતમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ કાર્યરત થશે

સાબરકાંઠાના સાંસદ અને સ્ટેન્ડિંગ કમિટી ઓફ એનર્જીના સભ્ય દિપસિંહ રાઠોડ દ્વારા ગુજરાતનો સૌ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના પ્લાન્ટની અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત લેવામાં આવી

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૪


અમદાવાદ શહેરના ઘન કચરામાંથી હવે વીજળી ઉત્પન્ન થશે. પીરાણા પાસે પ્લાન્ટ બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. આ પ્લાન્ટ ૨૦૨૧ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે તેવી શક્યતા છે. આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ રોજ ૧૦૦૦ મે.ટન ઘન કચરામાંથી ૧૪ મે.વો. વીજળી ઉત્પન્ન કરાશે. આ સાથે અન્ય એક જગ્યાએ પણ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે ત્રીજા પ્લાન્ટ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે. સાબરકાંઠા લોકસભાના સાંસદ અને સ્ટેન્ડિંગ કમિટી ઓફ એનર્જીના સભ્ય દિપસિંહ રાઠોડ દ્વારા ગુજરાતનો સૌ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના પ્લાનની અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે ત્યાંના અધિકારીઓ અને ઇજનેર સાથે સમગ્ર પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી લઇ સઘન ચર્ચા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એબેલોન ક્લિન એનર્જિ લી.ને પીપીપી ધોરણે ૧૪ મે.વો. વીજળી બનાવવાનો પ્લાન્ટ લગાવવાની કામગીરી સોંપવામાં આવેલી છે. આ પ્લાન્ટમાં મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી ૨૦૨૧ના અંત સુધીમાં પૂર્ણ કરી પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં ઘન કચરામાંથી વીજળી બનાવવાના વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના આ પ્લાન્ટમાં પર્યાવરણ સંબંધિત યુરોપીયન ધારા-ધોરણો તથા લેટેસ્ટ ટેકનોલોજી વાપરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે ૧૩ એકર જમીન આપવામાં આવી છે.


આ પ્લાન્ટ કાર્યરત થા બાદ દૈનિક ૧૦૦૦ મે.ટન જેટલો ઘન કચરો સીધે સીધો વીજળી બનાવવાના પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવશે. જેથી ડમ્પ સાઈટ પર કચરાનું ભારણ ઘટશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અન્ય એક એજન્સીને પણ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ લગાવવા માટેની કામગીરી સોંપવામાં આવેલી છે. વધુમાં શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા અને નાગરિકોની સુખાકારી માટે ભવિષ્યના આયોજનના ભાગરૂપે ત્રીજો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ લગાવવા માટેનું એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ પ્લાન્ટ તૈયાર થયા બાદ અમદાવાદ શહેરમાં ડમ્પ સાઈટો પરથી કચરાના ડુંગરો ઓછા થતા જણાશે.

Print Friendly, PDF & Email