Home અન્ય અનોખા શૂઝ, ખાસ ડાન્સિંગ માટે…

અનોખા શૂઝ, ખાસ ડાન્સિંગ માટે…

491
0
SHARE

તમને ખબર છે પેરિસના વિશ્વવિખ્યાત શો મોલિન રુજના કલાકારો અને કાઈલી મિનોગમાં શું સામ્ય છે? આ બંને પોતાના ડાન્સિંગ શૂઝ પેરિસની ક્લેરવોય નામની દુકાનમાંથી ખરીદે છે. આ દુકાનના કારીગરોએ પોતાની કળાથી સ્ક્રિન અને સ્ટેજ પર કામ કરતા હાઈ-ફાઈ આર્ટીસ્ટો માટે ખાસ મેડ ટુ મેઝર શૂઝનું મોટાભાગનું માર્કેટ પોતાના હસ્તગત કરી લીધું છે.

1945માં મોલિન રુજથી માત્ર 200 મીટરના અંતરે શરૂ કરવામાં આવેલી ક્લેરવોયનું બધું કામકાજ આજે પણ અહીં જ ચાલે છે. તેના સ્થાપક એડુઆર્ડ અડાબાચિયને દરેક ગ્રાહકની પોતાની આગવી જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઈઝ્ડ મેઈડ ડુ મેઝર શૂઝ બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ 1960 સુધીમાં તેમની પાસે સિનેમા, થિયેટર અને સરકસના કલાકારો માટે ખાસ શૂઝ બનાવવાની ડિમાન્ડ એટલી વધી ગઈ કે આજે આ દુકાનમાં વર્ષે બનતા 300-400 શૂઝમાંથી 80 ટકા શૂઝ માત્ર આવા હાઈ એન્ડ કલાકારો માટે જ તૈયાર કરાયેલા હોય છે.

આગળ જતાં અડાબાચિનના વંશજોએ આ દુકાન મોલિન રુજને વેંચી દીધી, તેમ છતાં અહીં કંઈ ખાસ બદલાયું નથી. આજે આ દુકાનનો અડધો ભાગ શૂઝ એમ્પોરિયમ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જ્યાં મોલિન રુજના જાણીતા કલાકારોના ફોટા તેમના હસ્તાક્ષર સાથે ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે અહીં આ કલાકારોના કોસ્ચ્યુમ્સ પણ કાયમી ધોરણે પ્રદર્શનાર્થે રાખેલા જોવા મળે છે.

આ દુકાનના એક માળ પર ખાસ પ્રકારની રેડ કાર્પેટ મૂકવામાં આવી છે, જ્યાં આ કલાકારો પોતે આપેલા ઓર્ડર મુજબના શૂઝની ટ્રાયલ લે છે.

ક્લેરવોયના વર્તમાન ડાયરેક્ટર નિકોલસ મેસ્ટ્રિઓક્સનું કહેવું છે કે, ‘‘ક્લેરવોયમાં શૂઝની બનાવટની બારીકાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી સ્ટેજ પર ડાન્સ પર્ફોમન્સ કરતા કલાકારો અમારે ત્યાં બનેલા શૂઝ બિલકુલ ચિંતા કર્યા વિના વારંવાર પહેરી શકે છે. અમારા શૂઝમાં મૂકવામાં આવેલી હીલ્સ શોક એબ્સોર્બ કરી લેતી હોવાથી કલાકારોના પગની સાચવણી કરે છે. આવા શૂઝની બનાવટ દરમિયાન સુંદરતા અને ટેકનિકલાલિટી બંને બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. પરિણામે અમારે ત્યાં બનતા પ્રત્યેક શૂઝની જોડી 250 જેટલા સ્ટેપ્સમાંથી પસાર થાય છે અને પ્રત્યેકની બનાવટ પાછળ 20થી 60 માનવ કલાકો ખર્ચવામાં આવે છે. આ બધા કારણોસર અહીં બનતા પ્રત્યેક શુઝની કિંમત પણ વધારે રહે છે.’’

કાઈલી મિનોગે પોતાની 2006 અને 2008ની ટૂર્સ દરમિયાન વિશેષ 4 ઈંચની હિલવાળા શૂઝ આ જ સ્ટોરમાં ઓર્ડર આપી બનાવડાવ્યા હતા. આ ખાસ પ્રકારના શૂઝ ઊંચી હિલના હોવા છતાં તેમાં ગબડી ન પડાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કાઈલી મિનોગ જેવા શૂઝ તમારે પણ બનાવવા હોય તો તેનો ખર્ચ 1500થી 2000 યુરો એટલે કે 1 લાખ 72 હજાર જેટલો થાય છે, જ્યારે પુરુષો માટેના શૂઝ લગભગ 3500 યુરોના એટલે કે 2 લાખ 84 હજાર થાય છે.

Print Friendly, PDF & Email