Home ગુજરાત અને ધારાસભ્ય બોલ્યા, “હું ઓછો કાંઇ દારૂની બોટલ આપવા જાઉ?, એતો કાર્યકરો...

અને ધારાસભ્ય બોલ્યા, “હું ઓછો કાંઇ દારૂની બોટલ આપવા જાઉ?, એતો કાર્યકરો કરતા હશે..!!

787
0
SHARE

ગુજરાત અને રાજસ્થાન, ભાજપ અને કોંગ્રેસ, પ્રજા અને પત્રકારો આજકાલ ગુજરાતની દારૂબંધીની નીતિ અંગે કારણવગરનાં વિવાદમાં નિવેદનો અને પ્રતિનિવેદનો માં લાગી પડ્યા છે. ગુજરાતની ૬ કરોડની પ્રજા ગુજરાતની દારૂબંધીની નીતિ અંગે સુપેરે પરિચિત છે. સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની પણ દારૂબંધીની નીતિ અંગે કોઈએ કશું જ બોલવા જેવું નથી. શું કરીએ આ ગાંધીનું ગુજરાત છે. દારૂબંધી હટાવવાની કે હળવી કરવાની વાત કરી શકાય એમ જ નથી. જેથી જેમ ચાલે છે એમ ચાલવા દેવું પડે છે.
સચિવાલય ખાતે બે ત્રણ પત્રકાર મિત્રો અને દક્ષીણ ગુજરાતના ભાજપના એક ધારાસભ્ય વચ્ચે દારૂબંધી અંગે ઘણી દલીલો સાથેની ચર્ચા થઇ. ધારાસભ્યને પૂછવામાં આવ્યું કે તમે ચુંટણી લડતા હો છો ત્યારે મત લેવા માટે દારુ વહેચવો પડે છે કે કેમ ! રાજકારણી જવાબ આપવામાં હોશિયાર હોય છે જેથી ધારાસભ્યએ જવાબ આપ્યો “હું ઓછો કાઇ દારૂની બોટલ આપવા જતો હોઉ ? કાર્યકરો આવું બધું કરતા હશે, મેં જોયું નથી.” લો બોલો ઉમેદવારની જાણ બહાર આ ખર્ચા કોણ કરતુ હશે ?
એક રહસ્યનો આજે વિસ્ફોટ કરવો છે. ૨૦૦૨ ની વિધાનસભાની ચૂટણીમાં સમી – હારીજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા છ હજાર મતથી પરાજીત થયા હતા, અને ભાજપના ઉમેદવાર દિલીપસિંહ ઠાકોરનો વિજય થયો હતો. આ ચુંટણીના પ્રચારમાં કોંગ્રેસનું પલ્લું ભારે દેખાતું હતું. જેથી પરિણામ બાદ સમી – હારીજના મતદારોને મળીને આ પરિણામનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. ઠાકોર – રબારી અને અન્ય સમાજના વૃદ્ધોએ એક જ કારણ આપ્યું કે મહેન્દ્રસિંહના અફીણ કરતા દિલીપસિંહનું અફીણ બહુજ સારું હતું, મહેન્દ્રસિંહના અફીણમાં કાંઈ દમ ન હતો.
લો બોલો, અફીણ ની ક્વોલીટી થોડી ઉતરતી હોય એમાં આખી બેઠક ગુમાવવી પડે એવી લોકશાહી પ્રવર્તતી હોય, ત્યારે નશાને અવગણીને કોઈ સરકાર ગુજરાતમાં સત્તા પર આવી શકે ખરી ? અને સત્તા પર આવ્યા પછી દારૂબંધી નો કડક અમલ કરાવી શકે ખરા ?
એક અન્ય માહિતી વિસ્ફોટ કરવો છે. ૧૯૯૩ માં અમદાવાદમાં બહુ મોટો લઠ્ઠા કાંડ સર્જાયો હતો. ચીમનભાઈ ની સરકારમાંથી અલગ થયેલા ભાજપ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તે સમયે ગૃહમંત્રી પદે નરહરિ અમીન હતા. પત્રકારો સાથેની ઓફ ધ રેકર્ડ ચર્ચામાં તેમણે કહ્યું હતું કે સરકાર જો ધારે ને કે ગુજરાતમાં એક ટીપું પણ દારુ વેચવા નથી દેવો તો તે શક્ય છે જ. પણ એવું કરવામાં બીજા અનેક પડકારો ગૃહ વિભાગ સામે આવે તેમ છે. જે લોકો દેશી દારૂના ધંધામાં એટલે કે બનાવવામાં અને વેચવામાં અને પીવામાં સંકળાયેલા છે, તેની સંખ્યા વસ્તીના પ્રમાણમાં ભળે ઓછી હશે, પણ નાની નથી. આ એવા લોકો છે જે હવે બીજા કોઈ ધંધામાં સેટ થઇ શકે તેમ નથી. સરકાર તેમને વિકલ્પ તરીકે નાનો કોઈ ગલ્લો – ચાની કીટલી કે કારખાનામાં કામ અપાવે તો પણ તે કરવાના નથી. આ તેમની માનસિકતા છે. હવે જો સરકાર એટલે કે ગૃહ વિભાગ દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવી દે, તો આ ધંધામાં રોકાયેલા કોઈ અન્ય ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિમાં કામે લાગશે, એટલે કે ચોરી – લુંટફાટ વધી જશે. ચોરી અને લુંટફાટ માં જે નુકસાન થશે તેટલું દારુ વેચવાથી નથી થતું. જેમને દારુ પીવો છે એ તો કોઈ પણ રસ્તો કાઢી લેશે અને પીવાના છે. જયારે ચોરી લુંટફાટ માં નિર્દોષ લોકો ભોગ બનશે.”
આ તે સમયના ગૃહમંત્રીનું અવલોકન હતું.
એક વાત સાચી છે કે પીવાની આદત વાળા નશો કરવા કંઈ પણ કરતા હોય છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે કફ સીરપની બોટલોનો ઉપયોગ નશા માટે થાય છે. ડોક્ટર દર્દીને બે ચમચી દવાની સલાહ આપે છે, એજ દવા નશો કરનાર બે બોટલ એક સાથે પી જતા હોય છે.
એક વાત સૌ કોઈ જાને છે કે અમદાવાદમાં દેશી દારુ ખેડા જીલ્લામાંથી વધુ આવે છે. વહેલી સવારે મુંબઈ તરફથી આવતી ટ્રેન મણીનગર આવે તે પહેલાં સાંકળ ખેચીને ઉભી રાખવામાં આવે છે. આ રોજની ઘટના હોવા છતાં અને તંત્ર જાણતું હોવા છતાં કશું જ બંધ થતું નથી. વહેલી સવારે ટ્રેનમાંથી દારુ સાથે વ્યક્તિ ઉતરીને અંધારામાં કે આછા અજવાળામાં ભાગી જતા હોય છે. એજ રીતે રાજસ્થાન થી આવતી વિદેશી દારૂની બોટલો લાવનાર વહેલી સવારે સાબરમતી સ્ટેશન પહેલાં સાકળ ખેચીને છટકી જતા હોય છે.
ગુજરાતમાં દારૂબંધી નો કડક અમલ એ માનવામાં ન આવે તેવી વાત છે. હા થોડી કડકાઈ આવવાથી મોટા દેશી દારૂના સ્ટેન્ડ અને ભઠ્ઠી થોડા સમય માટે બંધ થઇ જાય છે. જયારે આવી સ્થિતિ આવે છે, ત્યારે ઘણા નાં ઘરમાં મંદીનો અહેસાસ થાય છે. હપ્તા પદ્ધતિનું જાળું અનેક ઘર સુધી ફેલાયેલું હોય છે.
જો ગુજરાતમાં દારૂબંધી ન હોય, તો દારુ વધારે પીવાય એવું કદાચ ન પણ બને પરંતુ જાહેરમાં નશો કરવાથી સમાજને જે નુસાન થાય તે સમાજ માટે નુકસાનકારક હોય છે. અત્યારે સરકારી તિજોરીમાં ટેક્ષની આવક નથી આવતી પરંતુ રાજકારણીઓ, અધિકારીઓ અને પોલીસ તંત્રમાં હપ્તાની રકમ ભાગે પડતી પહોચી જતી હોય છે. આ વાત એક મોટા બુટલેગરના કથનના આધારે કહી છે.
અને તેથી જ ફરી એ વાત પર આવીએ કે ગુજરાતની દારૂબંધીની નીતિ અંગે ગુજરાતની કોઈ સરકારે કશું જ બોલવું જોઈએ નહિ, ન બોલવામાં નવ ગુણ.

Print Friendly, PDF & Email