Home વ્યાપાર જગત અનેક પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

અનેક પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૩૨.૦૭ સામે ૫૨૧૮૬.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૭૩૯.૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૨.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૯.૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૮૨૨.૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૩૮.૪૦ સામે ૧૫૫૫૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૩૫૭.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૭.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૪૦૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વિશ્વમાં મોંઘવારી વધતા વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાના પગલા ભરાતા આગામી સમયમાં ધિરાણ મોંઘુ થવાની બીજી તરફ ડિફોલ્ટના કિસ્સામાં તેમજ બેંકોની એનપીએ વધવાની ભીતિ સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ઊંચા ફુગાવોના પગલે ભારતમાં રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો થયા બાદ અમેરિકામાં પણ ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચતા ફેડરલ દ્વારા પણ વ્યાજ દરમાં વધારો કરતાં આગામી દિવસોમાં પ્રતિકૂળ અસર થવાના અહેવાલે બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વિદેશી રોકાણકારોની ચોમેરથી આવેલ સતત વેચવાલીના ભારે દબાણે શેરોમાં ઘટાડો નોંધાયો હતો. વિશ્વને ભરડામાં લઈ લેનાર ફુગાવો – મોંઘવારીના પરિણામે આર્થિક અને રાજકીય મોરચે તનાવની પરિસ્થિતિને લઈ સેન્ટીમેન્ટ વધુ ડહોળાવા લાગ્યા સાથે ધિરાણ મોંઘુ થઈ રહ્યું હોઈ ફરી કોર્પોરેટ અને રીટેલ લોનમાં ડિફોલ્ટરોનું જોખમ વધતાં બેંકો, ફાઈનાન્સ કંપનીઓની એનપીએમાં ફરી જંગી વધારાના ભયે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૩.૪૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૩૭.૨૦ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, બેઝિક મટિરિયલ્સ, એનર્જી, રિયલ્ટી, પાવર, યુટિલિટીઝ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૧ અને વધનારની સંખ્યા ૧૨૫૦ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્ચ મહિનામાં ૨૦ અબજ ડોલરની ચોખ્ખી વેચવાલી કર્યા બાદ એપ્રિલ મહિનામાં હાજર બજારમાંથી ૧.૯૬ અબજ ડોલરની મૂલ્યની અમેરિકન કરન્સીની ચોખ્ખી ખરીદી કરી છે. રિઝર્વ બેન્કના આંકડા માસિક અહેવાલ મુજબ એપ્રિલ મહિનામાં કરન્સી માર્કેટમાં ૧૧.૯૬૫ અબજ ડોલરની ખરીદી અને ૧૦ અબજ ડોલરની વેચવાલી કરી છે, આ ધોરણે ચોખ્ખી સમીક્ષાધીન મહિનામાં યુએસ કરન્સીની ચોખ્ખી ખરીદી ૧.૯૬ અબજ ડોલર રહી છે. તો તેની અગાઉના માર્ચ મહિનામાં રિઝર્વ બેન્કે ૪.૩૧ અબજ ડોલરની ખરીદી અને ૨૪.૪૧ અબજ ડોલરની વેચવાલી કરતા યુએસ કરન્સીનુ નેટ સેલિંગ ૨૦.૧૦ અબજ ડોલર રહ્યુ હતુ. આ સાથે વિતેલ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન રિઝર્વ બેન્કે હાજર બજારમાં ૧૧૩.૯૯ અબજ ડોલરની ખરીદી અને ૯૬.૬૭ અબજ ડોલરની વેચવાલી કરી હતી. આમ તે વર્ષે ૧૭.૩૧૨ અબજ ડોલરના મૂલ્યની યુએસ કરન્સીની ચોખ્ખી ખરીદી કરી હતી.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ ફોરવર્ડ ડાલર માર્કેટમાં એપ્રિલ ૨૦૨૨ના અંતે આઉટસ્ટેન્ડિંગ નેટ પર્ચેઝ ૬૩.૮૨ અબજ ડોલર હતુ, જે માર્ચ ૨૦૨૨માં ૬૫.૭૯ અબજ ડોલર નોંધાયુ હતુ. રિઝર્વ બેન્કનું કહેવુ છે કે, પ્રતિકૂળ બાહ્ય માહોલ વચ્ચે સંભવિત સ્ટેગફ્લેશનના જોખમોને ટાળવા માટે ભારત અન્ય દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે કારણ કે કોમોડિટીના ભાવમાં વધારો અને નાણાકીય બજારની અસ્થિરતાને લીધે અનિશ્ચિતતામાં વધારો થયો છે. યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ રોકવા માટે રિઝર્વ બેન્ક ઘણી વખત પોતાની પાસે રહેલા વિદેશી હૂંડિયામણમાંથી ડોલરની વેચવાલી કરતી હોય છે.

Print Friendly, PDF & Email