Home ગુજરાત મોંઘવારીથી પ્રજાનું ધ્યાન હટાવવા નેતાઓની ધર્મ-જ્ઞાતિ-જાતીના નામે છેતરપિંડી?

મોંઘવારીથી પ્રજાનું ધ્યાન હટાવવા નેતાઓની ધર્મ-જ્ઞાતિ-જાતીના નામે છેતરપિંડી?

1205
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.25
દેશભરના સામાન્ય મધ્યમ,મજૂર,ગરીબ વર્ગને મોંઘવારીએ ભારે ભરડો લેતાં તેની કમર બેવડ વળી ગઈ છે ત્યારે ગરીબોના નામે રાજકારણ રમતા દેશના કોઈ પણ રાજકીય પક્ષો કે નેતાઓને મોંઘવારી નડતી જ નથી અને એ કારણે પ્રજાકીય સળગતો મોંઘવારીનો પ્રશ્ન કોઈ પણ પક્ષ કે નેતા ઉઠાવતા નથઈ તે સાથે પ્રજાનું ધ્યાન હટાવવા ધર્મ,જાતિ,જ્ઞાતિ અને વિવિધ વાતોના પ્રલોભન આપતા મુદ્દાઓ ઉઠાવાય રહ્યા છે જે આમ પ્રજાની કમનસીબી છે કે પ્રજા સાથે ખૂલ્લા બજારમાં ઉઘાડી છેતરપિંડી છે.
કેન્દ્ર સરકારની ભાષામાં રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,રાજ્યપાલ,સાંસદો,ધારાસભ્યો,કેન્દ્ર અને રાજ્યના સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ જ આવે છે એટલે તેઓના પગાર વધારવામાં આવે છે જેમાં રાષ્ટ્રપતિનો ટોટલ પગાર રૃપિયા પાંચ લાખ છે તો ઉપરાષ્ટ્રપતિનો રૃપિયા ચાર લાખ,રાજ્યપાલોનો ત્રણ લાખ પચાર હજાર સાંસદોના પગાર-ભથ્થા સહિત અન્ય લાભો રૃપિયા ત્રણેક લાખ જ્યારે ધારાસભ્યોના પગાર-ભથ્થા સહિત અન્ય લાભોના રૃપિયા 70 હજારથી એક લાખ મળે છે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ અર્ધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓના પગાર રૃપિયા 40 હજારથી 90 હજાર મળે છે તો દવા સહિતની સેવા તેમના પરિવારને તદ્દન મફ્ત આપવામાં આવે છે. જેના કારણે આ તમામને મોંઘવારી નડતી નથી. આમાં અનેક સાંસદો-ધારાસભ્યો પોતાના અન્ય બિઝનેસ પણ ધરાવે છે એટલે મોંઘવારી એટલે શું તેની ખબર જ તેઓને નથી.
બીજી તરફ સામાન્ય વર્ગ,મધ્યમ વર્ગ,ગરીબ-મજૂર વર્ગનું પગાર ધોરણ જોવા જઈએ તો રૃપિયા છ હજારથી 15 હજાર સુધીનું છે અને વ્હાઈટકોલર ખાનગી જોબમાં રૃપિયા દસ હજારથી 40 હજાર હોય છે. આમાં જો મકાન રાખ્યું હોય તો તેના લોનના હપ્તા કે મકાન ભાડુ,પરિવારના મેડિકલ ખર્ચ્યા વગેરે પોતાના ખર્ચે જો મા અમૃતમ્ કાર્ડ ધરાવતા હોય તો થોડી ખર્ચમાં રાહત મળે પણ તેમાં જ્યારે ઈમરજન્સી ડાક્ટરી સેવા લેવાની હોય તો ખર્ચામાં ઉતરી જાય છે. ઉપરાંત સરકારી દવાખાનાઓમાં કે સરકાર દ્વારા ચલાવવામાં આવતા પં.દિનદયાળ પ્રધાનમંત્રી જનઔષધી સ્ટોર(જેનરીક મેડિકલ સ્ટોર) કે જ્યાં ગરીબ-મધ્યમ-મજૂર વર્ગને ઓછા ભાવથી દવાઓ મળે છે તેમાં અનેક જરૃરી દવાઓ અવાર-નવાર મળતી જ નથી એટલે બહાર ખૂલ્લા બજારમાંથી ના છૂટકે વધુ ભાવ આપી દવા ખરવી પડે છે. જ્યારે હાલના સમયમાં ટ્રાન્સપોર્ટની જરૃરી સુવિધા મળતી ન હોવાથી નોકરી પર સમયસર પહોંચવા મધ્યમવર્ગ,સામાન્ય વર્ગના લોકો ટુ-વ્હીલર વસાવે છે તેના માટે પેટ્રોલ જરૃરી છે અને આ પેટ્રોલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. તો જીવન જરૃરી એપણ ચીજવસ્તુ એવી નથી કે જેનો ભાવ વધી ગયા ન હોય એટલે કે કોમન મેન માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે તેમાં શિક્ષણ ફી પણ બેફામ વધી છે પરિણામે આ વર્ગમાં ઉચ્ચ શિક્ષણ લેવું મોંઘું થઈ જતાં શાળા-કોલેજ છોડીને નોકરીએ જોડાઈ જાય છે.
હવે જોઈએ આપણા નેતાઓ-કર્મચારીઓની સ્થિતિ તેમને પગાર ઉપરાંત પ્રવાસના લાભ,પરિવારને સારી હોસ્પિટલમાં ફ્રી સારવાર મળે છે ઉપરાંત સાંસદ-ધારાસભ્યોને પાંચ વર્ષ બાદ ચૂંટણીના લડે તો કે પૂર્વ સાંસદ-ધારાસભ્ય તરીકે પેન્શન મળે છે તો આ નેતાઓના પગાર વધારો કરવા પ્રજાને પૂછવાની જરૃર જ રહેતી નથી. પગારપંચનો અમલ થતાં તુરંત તેમનો પગાર વધી જાય છે આમાં એક પણ રાજકીય પક્ષ એવો નથી કે જેના સાંસદ-ધારાસભ્ય પદ પર ન હોય પછી તેઓને મસમોટી આવક હોવાથી મોંઘવારી કઈ રીતે નડે. અને એટલા માટે જ મોટાભાગના રાજકીય પક્ષો ચૂંટણીમાં મોંઘવારીને મુદ્દો બનાવતા નથી કે નથી તેના માટે આંદોલન કરતા.
ગુજરાત સહિત દેશભરમાં રાજકીય પક્ષો ચૂંટણીમાં જાતિવાદ-જ્ઞાતિવાદ ચલાવે છે તો મોંઘવારી સિવાયના અન્ય મુદ્દા એવી રીતે ઉઠાવે છે કે પ્રજા તેનાથી પ્રભાવિત થઈ જાય છે. પરિણામે પ્રજાને પાછથી રોજે રોજ મોંઘવારીનો સામનો કરવો પડે છે. ઉપરાંત સ્થાનિક તકલીફો-અસુવિધાનો સામનો કરવો પડે છે. પ્રજાને ભાગે માત્ર રોકકળ અને રાડારાડ સિવાય કશું જ કરવાનું રહેતું નથી અને આ માટેનું કારણ છે પ્રજામાં જાગૃતિનો અભાવ.

Previous articleરાજ્યમાં કાળઝાર ગરમી વચ્ચે પાણીનું સંકટ, રૂપાણીની અગ્નિપરિક્ષા….
Next articleઆસારામ-વણઝારાની એક ભૂલે મોદીનો પીએમ બનવાનો રસ્તો સાફ કરી દિધો…!?