Home ગુજરાત મહેન્દ્રસિંહનો ખેલ પાડી ભાજપે વસંત વગડે સુતેલા “સિંહ”ને છંછેડ્યો..?

મહેન્દ્રસિંહનો ખેલ પાડી ભાજપે વસંત વગડે સુતેલા “સિંહ”ને છંછેડ્યો..?

927
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.15
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ફરી જીતવા ભાજપે એક પછી એક જે રાજકીય દાવપેચ રમવાની શરૂઆત કરી છે તેમાં કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને રાતોરાત મંત્રી બનાવ્યા અને હવે કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને તેમના પિતાની મરજી વિરૂધ્ધ કેસરી ખેસ પહેરાવી દેતા સિનિયર વાઘેલા બગડ્યા છે અને રાજકીય રીતે એમ મનાઇ રહ્યું છે શું ભાજપે મહેન્દ્રસિંહને પક્ષમાં પ્રવેશ આપીને વસંત વગડે સુતેલા સિંહ એટલે કે શંકરસિંહને છંછેડ્યા તો નથી ને? કેમ કે શંકરસિંહબાપુએ જાહેર કર્યું કે તેમના પુત્રએ કાર્યકરો અને તેમને પૂછ્યાગાછ્યા વગર જ કેસરી ખેસ પહેર્યો છે. તે યોગ્ય નથી. સમર્થકોનો વિશ્વાસ જરૂરી છે એમ કહીને બાપુએ પોતાની નારાજગી જાહેર કરી છે તો જુનિયર વાઘેલાએ બચાવ કર્યો કે મારા પિતા નારાજ નથી. આમ સામસામે દાવાઓ થઇ રહ્યાં છે.
જ્યારે રાજકીય નિરીક્ષકો તેને એ રીતે મૂલવી રહ્યાં છે કે ભાજપે શંકરસિંહને કાંગ્રેસના 14 ધારાસભ્યોને તોડવાના ઇનામરૂપે હજુ કાંઇ રાજકીય ઇનામ આપ્યું નથી અને બાપુ નારાજ મંત્રી નીતિન પટેલને લઇને કાંઇ નવાજુની કરે તે પહેલાં જ તેમણે તેમના પુત્રને ખેસ પહેરાવી કદાવર નેતાને ઇશારો કર્યો કે આ છે નેહલે પે દેહલા. શેરના માથે સવા શેર. કેમ કે ભાજપને એવી ગંધ આવી ગઇ હોવાનું મનાય છે કે ગાંધીનગર સરકીટ હાઉસમાં થોડાક સમય પહેલા મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, સી.કે. રાઉલજીની મળેલી બેઠક બાપુના ઇશારે અને ભાજપને ચેતવણી આપવા માટે હતી.
દરમ્યાન રાજકીય નિરીક્ષકો ગાંધીનગર સરકીટ હાઉસમાં બાપુના કટ્ટર સમર્થકોની બેઠક વગેરે. અંગે એમ કહી રહ્યાં છે કે ગુજરાતના રાજકારણમાં એક સમયે પોતાનો ડંકો વગાડનાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના નિવાસસ્થાન વસંત વગડે બેસીને કંઇક નવાજૂની કરવા મથી રહ્યાં છે અને ખાસ કરીને રાજ્ય સભાની ચૂંટણી વખતે તેમણે કોંગ્રેસના 14 ધારાસભ્યો તોડવા બદલ ભાજપ દ્વારા જે કાંઈ કમિટમેન્ટ આપવામાં આવ્યા હોય તે હજુ પૂર્ણ ન થયા હોય અથવા તો સત્તા મળ્યા બાદ ભાજપના નેતાઓ તેમને ઈરાદાપૂર્વક ભૂલી ગયા હોય એમ માનીને તેઓ ખજુરાહોનું રીપીટેશન કરવા ઈચ્છતા હોય તેવા સ્પષ્ટ નિર્દેશો ભાજપને મળી રહ્યાં હતા. અને તાજેતરમાં ગાંધીનગર સર્કિટ હાઉસમાં તેમના જે વફાદાર ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો એકત્ર થયા તે વાત સ્પષ્ટ કરે છે કે આ બાપુની મોડસ ઓપરેન્ડીનો એક ભાગ હતો.
શંકરસિંહ વાઘેલાને ખૂબ નજીકથી ઓળખતાઓએ વિસ્તારપૂર્વક જણાવ્યું કે 1995માં જ્યારે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો એ પહેલા આ જ રીતે તેમના કોર્પોરેટર કક્ષાના ત્યાર બાદ તેનાથી ઉપલા લેવલના ટેકેદારો કોઈ એક જાહેર સ્થળે એકત્ર થયા હતા. પક્ષ બચાવો અભિયાન શરૂ થયું હતું. શંકરસિંહ વાઘેલા સતત એવો ઈન્કાર કરતાં કે મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. આ રીતે તબક્કાવાર જાહેર બેઠકો યોજીને યોગ્ય સમયે લાગ જોઇને બાપુ જાહેરમાં આવ્યા અને ત્યાર બાદ જે થયું તે સમગ્ર ગુજરાત જાણે છે. રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા ભાજપ, અમિત શાહ અને વાઘેલા બાપુએ બીડુ ઝડપ્યું હતું. બાપુની રણનીતિ કાબિલે તારિફ હતી પરંતુ ભાજપ તરફથી કોઈ ધારાસભ્યની ભૂલને કારણે અહેમદ પટેલ એક મતથી જીત્યા. આમ બાપુએ તો પોતાનું વચન નિભાવ્યું, કોંગ્રેસના 14 ધારાસભ્યોને રાજીનામા અપાવી કોંગ્રેસને ફટકો માર્યો હતો. તે વખતે ભાજપ દ્વારા બાપુને તેમના રાજકીય મોભા અનુસાર કોઈ માનભેર સ્થાન આપવાની વાત થઈ હોય અને વચન પણ આપ્યું હશે.
જોકે, નવી સરકાર રચાયા બાદ ભાજપ આ વચન ભૂલી ગયું હોય એમ વસંત વગડે લાગણી સર્જાઈ અને ભાજપને એ યાદ અપાવવા ગાંધીનગર સર્કિટ હાઉસમાં બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય સી કે રાઉલજી, માનસિંહ ચૌહાણ, રાઘવજી પટેલ વગેરે એકત્ર થયા. આમ તો તેમણે એવું બહાનું બતાવ્યું કે કોઈ લગ્ન પ્રસંગ માટે તેઓ ભેગા થયા. પરંતુ બાપુના આ ટેકેદારોની જાહેરમાં મળવું એ તેમની મોડસ ઓપરેન્ડીનો એક ભાગ હોવાનું મનાય રહ્યું છે. તેના પગલે શું ગુજરાતમાં ખજુરાહો-2 થવા જઈ રહ્યું છે તેવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા હતા. અલબત્ત, બાપુ હજુ કાંઈ બોલ્યા નથી કે મેદાનમાં આવ્યા નથી.
વાઘેલાને ઓળખનારા એમ પણ કહે છે કે પોતાના રાજકીય અસ્તિત્વ ખાતર શંકરસિંહને કોઈપણ જવામાં સહેજ પણ શરમ નથી. તેમણે ભાજપે આપેલી નોટિસના જાહેરમાં લીરે લીરે કર્યા હતા. અને જ્યારે આત્મારામ પટેલનું ધોતીકાંડ સર્જાયું તે પછી બાપુએ ત્રીજી આંખ દર્શાવી એ રીતે તેઓ હાલમાં એક પછી એક તબક્કા અનુસાર આગળ વધી રહ્યાં હોય તેમ સૌથી પહેલા પોતાના ટેકેદારોને જાહેર સ્થળે એકત્ર કર્યા, ત્યાર બાદ ફરીથી કોઈ આવી જ બેઠક પણ યોજાઈ શકે અને ધીમે ધીમે એક એવો સૂર વ્યક્ત થાય કે ભાજપ શંકરસિંહને ભૂલી ગયું છે અને તે પછી તેઓ ભૂતકાળની જેમ તલવાર લઇને મેદાનમાં ઉતરે અને કંઇક રાજકીય નવાજૂની કરી શકે છે. અલબત, બાપુ આવું કાંઇ કરે તે પહેલાં જ ભાજપે તેમના પુત્ર મહેન્દ્રસિંહને લોકસભાની ટિકિટ આપવાનું વચન આપીને બાપુને ઉંઘતા રાખ્યા છે. બાપુનો મોરચો હવે ભાજપને બદલે પોતાના જ પુત્ર સામે થઇ ગયો છે ને પિતા-પુત્ર સામ સામે આવી ગયાની છાપ ઉપસી રહી છે. તેમ છતાં બાપુ સમસમીમે બેસી રહે તેમ નથી અને તેઓ પોતાના ઘરમાં રાજકીય ઘૂસણખોરી કરનાર ભાજપને સબક શિખવાડે તો નવાઇ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યુઝ પ્રિન્ટ પર ૫% જીએસટી પ્રિન્ટ મીડિયાના એન્કાઉન્ટર સમાન
Next articleન્યુઝપ્રિન્ટ પર જીએસટી: સરકારની ૭૫૫ કરોડની આવક માટે 1.5 લાખ પરિવારોનું ૧૮૦૦ કરોડનું નુકશાન..?