Home જનક પુરોહિત ભાજપમાં ગયેલો પોતાનો કચરો પરત લેવા કોંગ્રેસની તૈયારી…!!

ભાજપમાં ગયેલો પોતાનો કચરો પરત લેવા કોંગ્રેસની તૈયારી…!!

890
0

ભાજપ કાર્યાલયના એક ખૂણામાં લમણે હાથ દઈને બેસેલા એક કોંગ્રેસ માંથી આવેલા નેતા મનો મંથન કરી રહ્યા હતા. દોઢ ડાહ્યાએ પૂછ્યું કે શેનું ગહન ચિંતન ચાલી રહ્યું છે ? તો જવાબ મળ્યો “ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જે જાહેરાત કરી છે તે અંગે વિચારું છું. હવે તેઓ ભરતી મેળો કરવાના છે. કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં ગયેલા અને ભાજપમાં ખૂણો પકડીને બેઠેલા મારા જેવાં કાર્યકરોને ફરી કોંગ્રેસમાં પ્રવેશ આપવાની યોજના બનાવી છે. મારું ચિંતન એ ચિંતા અંગે છે કે જયારે અમે કોંગ્રેસમાંથી રાજીનામાં આપી વાજતે ગાજતે ભાજપમાં જોડાયા હતા , ત્યારે કોંગ્રેસે તમને પત્રકારોને એમ કહ્યું હતું કે કચરો સાફ થઇ ગયો. હવે ભાજપ વાળા પણ અમને કચરો સમજીને ખૂણામાં મૂકી રાખે છે. તો કોંગ્રેસ આ કચરાનું શું કરશે ? ”
દોઢ ડાહ્યા એ કહ્યું “ અરે , કચરો તો બહુ કામ આવે. કચરામાંથી સેન્દ્રીય ખાતર બને. અને સેન્દ્રીય ખાતરથી પાકનો ઉતારો બહુ સારો આવે. ધાનાણી ખેડૂત છે. તેને કચરાનું મહત્વ સમજાય છે. ચૂટણીમાં જો ખેતી સારી કરીને મતનો ઢગલો પાક લેવો હોય તો કચરાનું ખાતર કામ લાગે. માટે તમારા જેવાં કચરા ને ભાજપના વખારમાંથી કોંગ્રેસના ખાતરના ઢગલા માં લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમને કશો ફાયદો પણ નથી અને કશું નુકસાન પણ નથી. કચરો આ ઢગલામાં હોય કે તે ઢગલા માં કશો ફરક પડે છે ! ”
નેતાએ કપાળ કુટી કહ્યું “ આ કરતા તો ઘર જાલીને બેસી જવું સારું. ”
દોઢ ડાહ્યાએ આશ્વાસન આપ્યું “ અરે હોતા હશે ! કચરો વેચાય ને તેના પણ સમાચાર બને. કચરાને પણ થોડીઘણી પ્રસિધ્ધી તો મળશે જ. માટે આમ થી તેમ થયાં કરો. જે પ્રસિધ્ધી મળી તે લઇ લો. લોકો જાણશે કે તમે હજુ રાજકારણમાં જીવતા છો. ” નેતા થોડું મલકાઈને ઉભા થઇ જતા રહ્યા.
હવે વરસાદી પાણી ગટરમાં નહિ જાય, આપણા મુખ્યમંત્રી ઇઝરાયેલ જઈ આવ્યા છે.
કોંગ્રેસ કાર્યાલયમાં મિડિયા રૂમમાં પત્રકારો ચાય પે ચર્ચા માં વ્યસ્ત હતા. પૂર્વના એક કાર્યકરે ધીમેથી દરવાજો ખોલી અંદર આવવાની અનુમતિ માગી અને આવી પણ ગયા. તેમણે તંત્રની માફક આદેશ કર્યો “ તમે આ પૂર્વમાં વરસાદી પાણી ભરાવાનું તો કંઇક લખો. લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. તેમાં વળી કારખાનાનું કેમિકલ વાળું પાણી પણ ભળેલું હોવાથી ચામડીના રોગો થાય છે. જરા બરાબરનું લખો.”
આદેશ બાદ એક પત્રકાર મિત્રએ કહ્યું “ ચોક્કસ સાહેબ તમે કેશો એ બધું જ લખીશું , ઓકે ? ”
કાર્યકરના આ વિધાન સાથે પાણી ભરાવવાની સમસ્યા અંગે વાર્તાલાપ લાંબો ચાલ્યો. જાપાન ની અતિવૃષ્ટિની સ્થિતિ , અમેરિકાની સ્થિતિ અને મુંબઈની સ્થિતિ અંગેના ઉલ્લેખો થયા. પરંતુ એક વ્યંગ માટે જાણીતા અમારા પત્રકાર મિત્ર એ તેમની આગવી શૈલી માં કહ્યું “ જો ભઈ , પાણી તો ભરાશે જ. આપણા બધા જ મુખ્યમંત્રીઓ એ ઇઝરાયેલ દેશની મુલાકાત લીધી છે. કેશુબાપા થી લઈને છેલ્લે આપણા વિજયભાઈ પણ જઈ આવ્યા છે. દરેક મુખ્યમંત્રી પરત આવીને એક વાત જાહેરમાં કરે છે કે ઇઝરાયેલ સમૃધ્ધ એટલા માટે છે કે વરસાદના પાણીનું એક ટીપું પણ તેઓ દરિયામાં જવા નથી દેતા આપણે પણ વરસાદના પાણીને વેડફાતું રોકવું જોઈએ. મુખ્યમંત્રીની આ વાત અધિકારીઓ એ પણ સાંભળી હોય. એટલેતો મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન રાખે છે કે વરસાદી પાણી ગટરમાં જતું ન રહે. આપણે પણ ઇઝરાયેલ જેવી પ્રસિધ્ધી પ્રાપ્ત કરવાની છે. આ પાણી ભરાવાનું કારણ બેદરકારી નથી. શુભઆશય છે. તમે લોકો સમજ્યા વિના ફોટા પાડીને છાપોછો. અને આ ટી.વી વાળા લોકોની મુશ્કેલીઓ જ બતાવ્યા કરે છે. સમૃધ્ધિ નો શુભ આશય ની કોઈ ચર્ચા જ કરતુ નથી.”
વડોદરાના ત્રણ સભ્યોનો દુઃખાવો કામો ના કારણે જ હતો ?
કુંવરજી બાવળીયા ના ભાજપ પ્રવેશ અને મંત્રી મંડળમાં હવાઈ જંપ થી ભાજપના ધારાસભ્યોને શરુ થયેલો દુઃખાવો હજુ ઓછો થયો નથી. ઉત્તર ગુજરાતના એક ધારાસભ્ય એ મિત્ર ભાવે પૂછ્યું કે આ વડોદરાના ત્રણ ધારાસભ્યો ને જે દુઃખાવો ઉપાડ્યો હતો તે માત્ર કામ ન થવાથી જ હતો કે ખુરશીનું પણ કારણ હતું ? બાવળીયા ખુરશી લઇ ગયા અને અમારા જેવાં અનેક જોતા રહી ગયા. મધુ શ્રીવાસ્તવે તો મંજીરા વગાડવાની તૈયારી કરી લીધી છે. બાકીના બીજા શું કરશે ? કાંઈ જાણવા મળ્યું ?
મિત્રને કહ્યું “ તમને શું ફાવશે ? તબલા – હારમોનિયમ કે વાંસળી – શરણાઈ ? તમારે જે વગાડવું હોય એ વગાડો પણ અવાજ દિલ્હી સુધી પહોચવો જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ને તમારા આલાપની કોઈ અસર થશે નહિ , કે તમને તેમાં મદદ કરી શકશે નહિ. જે કાંઈ નિર્ણયો થાય છે તે દિલ્હીથી થાય છે. મંજીરા – ઢોલ જે વગાડવું હોય એ દિલ્હી જઈને વગાડો.”
મિત્રએ કહ્યું “ એ તો અમે પણ જાણીએ છીએ. વાત એટલી છે કે જો ત્રણ ધારાસભ્યો આગળ વધેતો ત્રણના તેર થાય એમ છે. અને જો તેર થાય તો અમારે દિલ્હી જવું પડે. દિલ્હી વાળા ગુજરાતમાં આવે. માટે પૂછું છું કે આ વડોદરાના ત્રણનો ખરેખર દુઃખાવો કામ ન થવાથી જ હતો ? જો એટલું જ હોય તો કશું થશે નહિ. બાવળીયા ઘુસી જાય અને અમારે જોતા રેહવાનું ? વાત આ છે.”
મિત્રને કહ્યું કે તમે ત્રણનો સંપર્ક કરીને આગળ વધો. તમે આગેવાની લો તો કંઇક આગળ ચાલે. પરંતુ મિત્રએ શહીદી વહોરવાનો ઇનકાર કરી કહ્યું કે આ તો જો ગાડી ચાલુ હોય તો કુદકો મારીને બેસી જવાય , ડ્રાઈવિંગ કરવામાં નુકસાન છે.

Previous articleનગ્ન સત્ય ઃ દારૂબંધીની વાતો કરનારા જ દારૂના ધંધામાંથી અઢળક કમાય છે…!!
Next articleએસ્સારે 830 કરોડનાં રોકાણ સાથે 24 એમટીપીએની ક્ષમતા વાળા ભારતનાં સૌથી મોટાં સંકુલનું નિર્માણ કર્યું