Home ગુજરાત આપણે જ રોડ છાપ નેતાઓને વિધાનસભા-લોકસભામાં મોકલીએ છીએ એમાં માઠુ ન લગાડાય……

આપણે જ રોડ છાપ નેતાઓને વિધાનસભા-લોકસભામાં મોકલીએ છીએ એમાં માઠુ ન લગાડાય……

790
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા. 15
ગુજરાત વિધાનસભામાં બુધવારના રોજ જે થયું, તે સામાન્ય રીતે રસ્તાઓ ઉપર થતુ હોય છે. જે થયુ તે ટીવી પર લોકો જોયું અને અખબારોએ લોકશાહીની હત્યા જેવા મથાળા સાથે સમાચાર છાપ્યા, પણ ખરેખર તો લોકશાહીની હત્યા તો દાયકાઓ પહેલા થઈ ગઈ હતી. હવે તો લોકશાહીના મડદા ઉપર વધુ એક ચાકુનો ઘા થયો છે અને મડદાને કયારેય કોઈ પીડા થતી નથી. ગુજરાત વિધાનસભામાં ભાજપના નેતા ગાળ બોલ્યા અને કોંગ્રેસના નેતાઓએ તેમને માર્યા આવું થવું બહુ સ્વભાવીક છે, કારણ આપણે જ આ રોડ છાપ નેતાઓને વિધાનસભા અને લોકસભામાં મોકલીએ છીએ પછી આપણને માઠુ લગાડવાનો આપણને કોઈ અધિકાર નથી.
ગુજરાત વિધાનસભામાં મારા-મારીની આ ઘટના પહેલી વખત થઈ નથી, સુરેશ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકાર લધુમતીમાં મુકાઈ ગઈ છે, તેવા દાવા સાથે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ સાથે મળી અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી અને વિશ્વાસનો મત મેળવતી વખતે આ પ્રકારની જ મારા-મારી અને તોડફોડ વિધાનસભામાં થઈ હતી. બરાબર વીસ વર્ષ પહેલા થયેલી ઘટનાનું પુનરાવર્તન થયું છે. વીસ વર્ષ પહેલા જે ધારાસભ્યો આ તોડફોડમાં સામેલ હતા તે પૈકી,  કેટલાંક આજે ભાજપમાં બેઠા છે, તો કેટલાંક કોંગ્રેસમાં બેઠા છે. એટલે વિધાનસભામાં બેઠેલા આપણા બંન્ને પક્ષના નેતાઓની માનસીકતા તો સરખી જ છે.
પણ મુખ્ય સવાલ એવો છે કે ગુજરાત વિધાનસભામાં જે થયું તેના માટે જવાબદાર નેતા છે કે આપણે છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડૉ. કનુ કલસરીયા જેવા નેતા હારી જતા હોય અને પુરૂષોત્તમ સોંલકી અને મધુ શ્રીવાસ્તવ જેવા નેતાઓ ચૂંટાઈ આવે છે, ત્યારે આપણે લોકશાહીના જતનની વાત કરીએ તે મને વાજબી લાગતી નથી. લોકશાહીનું રક્ષણ માત્ર વિધાનસભામાં અને સંસદમાં જ કરવાનું નથી, પણ લોકશાહીનું રક્ષણ તો જ્યાં પણ માણસ વસે છે ત્યાં દેશના દુર દુરના ગામડામાં પણ થાય તે પણ એટલુ જ જરૂરી છે. જે રાજ્યમાં ખેડૂતો પોતાના પ્રશ્ન માટે રેલી કાઢી શકતા નથી, ત્યારે શાસકને લોકશાહીની હત્યા થઈ હોવાનું લાગતુ નથી. ગુજરાત અલગ થયુ ત્યારથી ગુજરાતના દલિતો પોતાની જમીનના હક્ક માટે લડે અને કોઈ ભાનુભાઈ સળગી મરે ત્યારે શાસકને લોકશાહીનું આત્મવિલોપન થયું હોય તેવું લાગતુ નથી.
પ્રજા જેવી છે તેવો આપણો નેતા નથી, આપણે નફ્ફટ, મવાલી અને ગુંડા જેવા છીએ માટે આપણે આપણા જેવા નેતાને ચૂંટીને સંસદ અને વિધાનસભામાં મોકલીએ છીએ. જો આપણે તેવા ના હોત તો આપણા નેતા કોઈ સજજન અને પ્રમાણિક માણસો હોત. વિધાનસભામાં થયેલી મારા-મારી થાય ત્યારે જ આપણને લોકશાહી યાદ આવે તે વાજબીને નથી. ભાજપને જીજ્ઞેશ મેવાણી પસંદ નથી, માટે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદ્દી જીજ્ઞેશ મેવાણીને વિધાનસભામાં બોલવાની જ તક આપે નહીં તે પણ લોકશાહીની હત્યા છે. લોકશાહી સુક્ષમ છે, તેને જોઈ શકાતી નથી, પણ અનુભવી શકાય છે અને પ્રજા અનુભવી રહી છે. જેના હાથમાં લાઠી છે, ભેંસની માલિકી તેની છે. ટોળામાં પટેલો નિકળે ત્યારે તેમને કાયદો તોડવાની છુટ છે, ટોળામાં રાજપુતો નિકળે ત્યારે તેમને મોલ સળગાવી દેવાની છુટ છે. આપણી લોકશાહીના નામે આપણી જાતને છેતરીએ છીએ ખરેખર આપણને લોકશાહીમાં નહીં ટોળાશાહીમાં જ વિશ્વાસ કરીએ છે નહીંતર વિધાનસભામાં ગાળો બોલનાર અને માઈક તોડી મારનાર નેતાઓ કઈ રીતે ત્યાં પહોંચી ગયા તે પ્રશ્ન આપણે આપણી જાતને પુછવાની જરૂર છે.

Previous articleલો બોલો…અધ્યક્ષશ્રી જ કહે છે કે ગ્રુહમાં ગાળાગળી ભલે કરો પણ મારામારી ના કરો…?!!!
Next articleરાજેન્દ્ર ત્રિવેદી આટલી મોટી સજા માટે તૈયાર નહોતા, ભાજપે હોળીનું નાળિયેર બનાવી દીધા…!?